૫૭૨ - નારાયણપુરમાં પારાયણ
ત્યાર પછી પ્રતિષ્ઠાના મુહૂર્ત પહેલાં ભૂજના સંતો નારાયણપુર આવ્યા ને બધી તૈયારી કરાવી. ચોકમાં કથામંડપ બંધાવ્યો અને આઠમના દિવસે સવારથી પારાયણ ચાલતી કરી, પણ બાપાશ્રી પધાર્યા નહોતા તેથી ધનજીભાઈ તથા તેમના દીકરાઓએ સાંજ સુધી વાટ જોઈ, બીજે દિવસ તેડવા જવાનું કરતા હતા ત્યાં તો બાપાશ્રી હરિભક્તોએ સહિત ગાડીમાં બેસીને આવ્યા. તે જોઈ હરિભક્તો તથા ધનજીભાઈના ઘરનાં સહુ રાજી થયાં ને ઉતારો તેમના ઘેર જ રાખ્યો. પછી બાપાશ્રી સભામાં પધાર્યા ત્યારે સહુ પ્રફુલ્લિત થઈ ગયા. એ વખતે તાપ વધુ પડતો હોવાથી બાપાશ્રીને ગરમી સહન ન થતાં, હરિભક્તો પડખે બેસી વાયરો નાખ્યા કરતા. વળી ધનજીભાઈ કે તેમના દીકરા બાપાશ્રીને ભાલે ચંદનનો જાડો થથેડો કરે તોય ના ન પાડે ને કહે જે, ‘ચંદન ઠીક લાગે છે.’ સવાર-સાંજ કથા ઊઠ્યા પછી હરિભક્તો જમવા બેસે ત્યારે પોતે વચમાં દર્શન દઈને કહે જે, ‘સૌ સારી પેઠે મહારાજને જમાડજો.’ પોતે ઘેર જમવા જાય ત્યારે ધનજીભાઈ તથા તેમના દીકરાઓ હેત જણાવી, તાણ કરી પીરસાવે. ત્યારે પોતે કહે જે, ‘મને વધુ જમાડો છો તે ઠીક નથી પડતું, જરા જરા પેટમાં દુખ્યા કરે છે.’ એમ કહે ને રોજ બપોરના ધનજીભાઈની વાડીમાં ઘાટા વૃક્ષની હેઠે ખાટલો ઢળાવી સૂવે ને નાહ્ય ત્યારે શરીર પર ઘણું પાણી રેડાવે. સવાર-સાંજ ધનજીભાઈના ઘરના તથા સંખ્યયોગી બાઈઓ દહીં લાવીને આપે તે જમેં ને કહે જે, ‘મને દહીં ઠીક પડે છે.’