૫૦૮ - સ્વામીશ્રી આવતાં મૂળી જવાનું પરિયાણ

0:000:00

આ વખતે સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી, સાધુ મુક્તવલ્લભદાસજી તથા આશાભાઈને સાથે લઈ બાપાશ્રીને મૂળી તેડી લાવવા કચ્છમાં ઊપડી ગયા હતા. તે મહાસુદ બીજને દિવસે ભૂજ મંદિરમાં પહોંચ્યા. ત્યાં ઠાકોરજીનાં દર્શન કરી સંતોને મળ્યા ત્યાં તો એવા સમાચાર મળ્યા કે બાપાશ્રી હમણાં માંદા છે, તે આવી શકે તેમ જણાતું નથી. અહીં સોની મોતીભાઈના દીકરા મગનલાલને હમણાં મંદવાડમાં દર્શન દેવા ઘોડાગાડી તેડવા મોકલી હતી તોય આવી શક્યા નહોતા, માટે બહુ આગ્રહ કરશો નહિ. આ વાત સાંભળ્યા પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ સંતોને યજ્ઞમાં આવવા આગ્રહ કરી જોયો, પણ તેઓમાંથી કોઈ આવી શકે તેમ જણાયું નહિ. પછી તુરત જ સ્વામીશ્રી આદિ વૃષપુર ગયા, ત્યાં બાપાશ્રી પોતાના ઘરના આંગણામાં ઊભા હતા, તે ત્યાં જ મળ્યા ને મળતાં મળતાં એક કીર્તનની ટૂંક બોલ્યા, પછી પોતે ‘વા’ જણાવતા હોવાથી હળવે હળવે મંદિરમાં આવીને બીજા સમાચાર પૂછવા પહેલાં પ્રથમ જ અજાણ્યા થકા પૂછ્યું જે, ‘યજ્ઞ થશે કે નહિ?’ એ પ્રશ્નનો ઉત્તર સ્વામીશ્રીએ એવો આપ્યો જે, ‘એની તો તમને ખબર! જો યજ્ઞ થાય તેમ હોય તો પધારો, નહિ તો હું આપની સેવામાં અહીં જ રહીશ.’ તેવાં વચન સાંભળી પોતે એમ બોલ્યા જે, ‘આ યજ્ઞ શ્રીજીમહારાજનો છે ને અમારે કરવો છે, તેને કોણ બંધ કરનાર છે? કોઈનો ભાર નથી જે બંધ કરી શકે!’ પછી સ્વામીશ્રી કહે, ‘આપ ‘વા’ જણાવો છો તેનું શું કરશો?’ તો કહે, ‘તેને તો રજા આપી દેશું.’ પછી પુરાણી નંદકિશોરદાસજીના નામથી છપાયેલી કંકોત્રીઓ સ્વામીશ્રી સાથે લાવેલા, તે કચ્છનાં ગામડાંઓમાં મોકલાવી દીધી. અને તે સાથે એમ પણ લખ્યું જે, અમારે અહીંથી કાલે ત્રીજના દિવસે નીકળવાનું છે ને તમો સૌ ચોથના નીકળજો. અમોએ નારાયણપુરવાળા ધનજીભાઈને વાંસે રાખ્યા છે તે સ્પેશિયલ આગબોટ કરી સહુને મૂળી તેડતા આવશે. પછી બાપાશ્રી તો રાત્રે નીકળવાનું કહેતા હતા પણ સ્વામી ઈશ્વરચરણદાસજી કહે, ‘અમારે ઘણે ઠેકાણે ખબર આપવાના છે, માટે ભૂજ જઈ તાર ઓફિસમાં ખોટી થવું પડશે. એ કામ રાત્રે ન થાય, એટલે અત્યારે જ ચાલવાનું કરવું છે.’ ત્યારે બાપાશ્રી કહે, ભલે! તમે ચાલો ને તારનું કામ પતાવો. હું પાછલી રાત્રે નીકળી મોતીભાઈને ઘેર મગનલાલને જોઈને સ્ટેશને આવીશ. તમે તેમને ઘેર ખબર દેજો.’ આ રીતે વાત કરી તેથી સ્વામીશ્રી તો ત્યાં રસોઈ ન કરતાં ઠાકોરજીને ટીમણ જમાડી ચાલી નીકળ્યા, તે ભૂજ આવી પ્રથમ તાર ઓફિસમાં ગયા ને બાપાશ્રી મૂળીએ યજ્ઞમાં પધારે છે, એવા સમાચાર જે જે ઠેકાણે આપવાના હતા ત્યાં તારો કરાવ્યા. એ વખતે સામા પક્ષવાળાની યુક્તિભરેલો ને મૂળીથી થયેલો એક તાર ભૂજ મંદિરમાં આવેલો તે પર સિરનામું પુરાણી કેશવપ્રિયદાસજીનું ને સ્વામી ઈશ્વરચરણદાસજી તાર કરનાર -તેમાં વિગત એ હતી કે, ‘અહીં બહુ તોફાન થવાથી ખૂન થયેલ છે. માટે તમો આવશો નહિ ને બાપાશ્રી રવાના થઈ ગયા હોય તો જામનગર તાર કરી પાછા વાળજો.’ આ તાર કરવાનો હેતુ બાપાશ્રી તથા સ્વામીશ્રીને અહીં જ અટકાવી મૂકવાનો હતો. પણ સ્વામી ઈશ્વરચરણદાસજી તો સમજી ગયા કે મારા નામનો કરેલો તાર બનાવટી જ છે. માટે આ સંબંધે તારથી પુછાવી જોવાની કાંઈ જરૂર જેવું નથી. આ રીતે છેવટ સુધી વિરુદ્ધ પક્ષની જુઠ્ઠી પ્રવૃત્તિઓ પણ ચાલ્યા કરતી હતી. સ્વામીશ્રી તો તારો કરાવી સાંજના મંદિરમાં ગયા ને ઠાકોરજી તથા સંતોનાં દર્શન કરી બાપાશ્રી પધારે છે. તે વાત કરી. અને બ્રહ્મચારી નિર્ગુણાનંદજીના આગ્રહથી ઠાકોરજીને થોડી ખીચડી જમાડી. પછી સ્વામીશ્રીએ આશાભાઈને ભૂજથી ઘોડાગાડી કરીને બાપાશ્રીને મૂળીએ તેડવા વૃષપુર મોકલ્યા ને મોતીભાઈને ઘેર મગનલાલને દર્શન દઈ ગાડીના ટાઈમ પહેલાં સ્ટેશને પહોંચી આવવાનું કહ્યું, તેથી બાપાશ્રી રાત્રે ત્રણ વાગ્યે ઊઠી નાહી પૂજા કરી આશાભાઈ સાથે મહારાજની વાતો કરતા મોતીભાઈને ઘેર અંધારામાં આવી પહોંચ્યા.