૬૪૧ - સગપણ નિમિત્તે થયેલી ધામધૂમ

0:000:00

આ રીતે કથાયજ્ઞ પૂરો થયા પછી બીજે દિવસ સવારની કથામાં નારાયણપુરવાળા ધનજીભાઈએ બાપાશ્રીને કહ્યું કે ‘બાપા! આ યજ્ઞ કરનાર રામજી પટેલને ઘેર આપણા હરજીના દીકરા કેસરાનું સગપણ કરવા જવું છે, તો આપ અમારા માવિત્ર છો, તેથી રામજી પટેલને ઘેર પધારો.’ એમ વાત કરતા હતા ત્યાં રામજીભાઈએ પણ એમ કહ્યું જે, ‘બાપા! ધનજી પટેલ ભેગા આપણે ઘેર પણ આપને પધારવાનું છે.’ આમ એ બેયની પ્રાર્થના સાંભળી બાપાશ્રી તૈયાર થઈ સૌની સાથે ચાલ્યા. એ વખતે આગળ ઢોલ વાગતો આવે ને બાપાશ્રી તથા દેવરાજભાઈ પ્રથમ ચાલ્યા આવે. સાથે હરિભક્તોનો સમૂહ પણ ત્રણસોથી વધારે. આવા દિવ્ય સમૂહનાં દર્શનથી સૌ પૌતાનાં અહોભાગ્ય માની રાજી થતા હતા. એ રીતે બાપાશ્રી તેમને ઘેર પધાર્યા. ત્યાં એ ધનજીભાઈના પૌત્ર કેસરાનું સગપણ થતાં કણબીની નાતના રિવાજ મુજબ ધામધૂમ થઈ, તે વખતે રામજીભાઈ તથા ધનજીભાઈએ બાપાશ્રીની ચંદન-કુંકુમથી પૂજા કરી ફૂલના હાર પહેરાવ્યા; પછી હરિભક્તો આવ્યા હતા તે સૌને રામજીભાઈની વતી બાપાશ્રીએ ખારેકો તથા ટોપરાંની પ્રસાદી ખોબા ભરી ભરીને આપી. એમ સૌને રાજી કરી પ્રથમની પેઠે ગાજતેવાજતે સૌ ઉતારે આવ્યા ત્યાં વળી ધનજીભાઈની વતી સાકર, ગોળ તથા ટોપરાંની પ્રસાદી સૌને આપી. આ રીતે કથાયજ્ઞ તથા સગપણનું શુભ કાર્ય કર્યા પછી ઠાકોરજીને જમાડી બાપાશ્રી વૃષપુર જવા નીકળ્યા, તે વખતે ઘણા હરિભક્તો ગામ બહાર વળાવવા આવેલા તે બધા દંડવત્ કરવા લાગ્યા, તે સહુને પાછા વાળી પોતે વૃષપુર પધાર્યા.