૧૩૮ – ઈશ્વરલાલભાઈને આશીર્વાદ

0:000:00

આ દિવ્ય ધામમાં પહોંચતાં ઠાકોરજી તથા ધર્મધુરંધર આચાર્ય મહારાજ અને સંતોનાં દર્શન કરી આ દિવ્ય સમૂહે ઉતારા કર્યા. સંત-હરિભક્તો આ મુક્તરાજ તથા સંઘને જોઈ અત્યંત રાજી થયા ને મોટા મોટા સંતો, સદ્‍ગુરુ સ્વામી દેવચરણદાસજી આદિ તથા સદ્‍ગુરુ નિર્ગુણદાસજી સ્વામીના મંડળના સંતો પણ સૌ આનંદ પામતા પ્રથમની પેઠે મુક્તરાજ ભાઈશ્રીનો ઉતારો આસને કરાવી સમાગમનું સુખ લેવા તત્પર થયા.

બીજે દિવસે ભાઈશ્રી આદિ કાંકરિયા તળાવમાં નાહવા ગયા, ત્યાં ઈશ્વરલાલભાઈ (જેને સ્વામીશ્રીએ આ મુક્તરાજની પ્રથમ ઓળખાણ પડાવી હતી તે) ગાડીમાં બેસી હવા ખાવા નીકળેલા. તેમણે ઓચિંતા ભાઈશ્રીને જોયા કે તરત ગાડીમાંથી ઊતરી હેતે સહિત દંડવત્ કરી બહુ પ્રાર્થના કરી અને સાથેના હરિભક્તોને મંદિરે જવાનું કહી, ભાઈશ્રીને પોતાની ગાડીમાં બેસારી વાતો કરતા કરતા મંદિરમાં લાવ્યા ને કહ્યું જે, ‘સૌ સંત-હરિભક્તોને સદ્‍ગુરુ સ્વામી નિર્ગુણદાસજીની તાણ પૂરી કરી સુખિયા કરજો.’ એમ કહી ઘેર ગયા.

ભાઈશ્રી એ વખતે અમદાવાદમાં ત્રણ દિવસ રહ્યા ત્યાં સુધી સવાર, સાંજ ને રાત્રે સૌ નાનામોટા સંતો તથા હરિભક્તો તેમના આસને આવી વાતો સાંભળવાનો લહાવ લેતા. એક દિવસ ભાઈશ્રીએ આસને વાત કરી જે, ‘આ સમે શ્રીજીમહારાજે મોક્ષ સાવ સુગમ કર્યો છે, તેથી કોઈ આવો! કોઈ આવો! મહાપ્રભુનો પ્રતાપ તો જુઓ! આવાં ને આવાં દિવ્યધામ બાંધી મોક્ષનાં દ્વાર ઉઘાડાં મેલ્યા છે, માંહી પોતે સાક્ષાત્ બિરાજે છે, અક્ષરધામમાં છે તેવા જ છે; રોમનો ફેર નથી. મૂર્તિમાંથી ઝળળ ઝળળ તેજ છૂટે છે, એવા સર્વોપરી મહારાજ મળ્યા તેણે બીજે ક્યાંય પ્રીતિ રાખવી નહિ. નાનામોટા અવતાર કે કોઈ બીજામાં શ્રીજીમહારાજ જેવો ભાવ બેસે તો પતિવ્રતાપણું જાય. આવી દિવ્યસભામાં મહાપ્રભુ સાક્ષાત્ બિરાજે છે, ફરતા મુક્ત બેઠા છે, તે એકનજરે એ મૂર્તિ સામું જોઈ રહ્યા છે; ત્યાં આપણે બેઠા છીએ એમ સદાય પ્રત્યક્ષ જાણવા. મૂર્તિમાં દિવ્ય સભા છે, બહાર પણ છે. ઉપરનીચે, અડખેપડખે મુક્તની ઠઠ્ઠ છે. મુક્ત સર્વે મૂર્તિના સુખરૂપ અમૃતનો આહાર કરે છે. આપણે પણ એ સુખના ભોગી થવું.’

એક દિવસ સંતોના આગ્રહથી અનાદિ મુક્તરાજ ભાઈશ્રીએ કથાની સમાપ્તિ થયા પછી સભામાં વાત કરી જે, ‘આજ શ્રીજીમહારાજ ને તેમના મુક્ત અઢળક ઢળ્યા છે, તે જે જીવ નજરે ચડે તેનો મોક્ષ કરે છે. આવી દિવ્ય સભા પાસે મૂર્તિના સુખ વિના બીજું કાંઈ માગવું નહિ. મહારાજની મૂર્તિનું દિવ્ય અલૌકિક સુખ મૂર્તિરૂપ થયેલા મુક્ત ભોગવે છે. એમને મૂર્તિના સુખ વિના બીજો રસ નથી. એવા મુક્ત અને મહારાજને અરસપરસ એકતા છે. એવા મુક્ત દ્વારે અનેક જીવ સુખિયા થઈ ગયા ને થાય છે, પણ એવાને ઓળખી જીવ જોડવો જોઈએ. સત્સંગમાં સહુ મોક્ષ માટે આવ્યા છે, પણ મોટાને ઓળખે નહિ ને સાધનને વેગે ચડી જાય, તેથી કામ થતું નથી.’ વળી એક દિવસ મોટા મોટા સંતો આસને આવ્યા ને રોકાવાનો આગ્રહ કર્યો, ત્યારે પોતે બોલ્યા જે, ‘ઝાઝું રહીએ કે થોડું રહીએ, પણ આપણને કારણમૂર્તિ સર્વોપરી ભગવાન જે શ્રીજીમહારાજ તે મળ્યા છે ને આ સભા એમની છે. તેમાં આવા મુક્તને મહારાજે રાખ્યા છે, તેનો જોગ કરી મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહિ, એમ કરી રાખવું તથા સદ્‍ગુરુ સ્વામી નિર્ગુણદાસજી જેવાની સ્થિતિ અને તેમનો અભિપ્રાય જાણવો ને મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તી અખંડ મૂર્તિનું અનુસંધાન રાખી સુખિયા રહેવું.’ આમ વાતો કરી તેથી સંતો બહુ રાજી થયા.

પછી સંઘ જ્યારે કચ્છ તરફ જવા નીકળ્યો, ત્યારે સંત-હરિભક્તોએ આ મુક્તરાજ આદિની ચંદનપુષ્પથી પૂજા કરી રાજી કર્યા ને સ્ટેશન સુધી વળાવવા ગયા. એ વખતે ઈશ્વરલાલભાઈ મંદિરમાં આવ્યા. ત્યાં આ સંઘ જોયો નહિ, કેમ કે વધુ સમય થઈ ગયો હોવાથી સૌ ઉતાવળ કરી રેલ ઉપર પહોંચ્યા ને આ મંદિરમાં આવ્યા, એટલો ફેર પડી ગયો. પછી તરત જ ઉતાવળા ગાડી દોડાવી પોતે સ્ટેશને આવ્યા. સમય થઈ ગયો હતો પણ પોતે ગાર્ડને કહી થોડી વાર ગાડી ઊભી રખાવી, ભાઈશ્રીને હાર પહેરાવી દંડવત્ કર્યા, પછી સૌ સાંભળતાં પ્રાર્થના કરી જે, ‘સદ્‍ગુરુ સ્વામી નિર્ગુણદાસજીએ મારો હાથ આપના હાથમાં આપ્યો છે, માટે હું તમારો છું, મારો મોક્ષ તમારા હાથમાં છે. મેં કાંઈ પણ સાધન કર્યા નથી, પણ તમે તમારા પ્રતાપે મારું કલ્યાણ કરજો.’ તે વખતે ભાઈશ્રીએ તેમના માથા પર બન્ને હાથ મૂક્યા ને બોલ્યા જે, ‘કાંઈ ફિકર રાખશો મા; તમારું કલ્યાણ અમે કરશું. તમને આજથી મહારાજની મૂર્તિમાં રાખ્યા છે, એ વાત નક્કી જાણજો.’ એમ આશીર્વાદ આપ્યા, તેથી તે રાજી થયા; પછી ગાર્ડને કહ્યું કે, ‘હવે ગાડી ચલાવો.’ પછી સૌ સંઘ તથા અનાદિ મુક્તરાજ ભાઈશ્રી કચ્છમાં ગયા ને ઈશ્વરલાલભાઈ નિત્ય નવા નવા આનંદમાં રહી આશીર્વાદ-વચન સંભારતા મૂર્તિનું ચિંતવન કરવા લાગ્યા. એમ કરતાં પંદર દિવસે સદ્‍ગુરુ નિર્ગુણદાસજી સ્વામીના આસને દંડવત્ કરીને સદ્‍ગુરુ પુરાણી દેવચરણદાસજી તથા સંત-હરિભક્તો બેઠા હતા, ત્યાં ‘જય સ્વામિનારાયણ’ કહીને બેઠા કે તરત મહારાજ તથા દિવ્ય સભાનાં દર્શન થયાં ને દેહ પડી ગયો. એ રીતે ભાઈશ્રીએ આપેલ વચન પ્રમાણે તે તો મૂર્તિના સુખે સુખિયા થઈ ગયા.