૫૫૬ - પરભાવની રમૂજ અને દિવ્યભાવ
થોડી વારે બ્રહ્મચારી તથા પુરાણી એ બન્નેએ ઠાકોરજીને જમાડી લીધા ત્યાં ‘હું તો જાઈશ ગિરધર જોવા રે, મા મુને વારીશ મા’ એ કીર્તનની ટૂંક ઘેરે સાદે બોલતા બોલતા બાપાશ્રી ઉઘાડે શરીરે આવીને આસને બેઠા. તે વખતે બ્રહ્મચારી પગે લાગ્યા ને પોતાની સાથે ફૂલના હાર લાવેલા તે શ્લોક બોલતા બોલતા બાપાશ્રીને પહેરાવીને કહ્યું જે, ‘બાપા! હરિકૃષ્ણ મહારાજે આ હાર પોતાના કંઠમાંથી ઉતારીને આપ્યા છે ને ‘જય સ્વામિનારાયણ’ કહ્યા છે.’ ત્યારે બાપાશ્રી કહે, ‘હરિકૃષ્ણ મહારાજ ક્યાં હતા?’ ત્યારે તે કહે, ‘ભૂજના મંદિરમાં.’ પછી પોતે એમ બોલ્યા જે, ‘આપણે તો ‘રસબસ હોઈ રહી રસિયા સંગ જ્યું મિસરી પયમાંહી ભળી.’ એમ સદાય ભેળું રહેવું. કર્તા, નિયંતા શ્રીજીમહારાજને રાખવા, એવી સમજણમાં જરાય છેટાપણું નહિ.’ એમ કહી બ્રહ્મચારી તથા પુરાણી એ બન્નેને હાર પહેરાવી માથે હાથ મૂક્યા ને કહ્યું જે, ‘તમે સદાય આવી ને આવી જોડ રાખજો.’ પછી તેમને તથા આશાભાઈ, શિવલાલભાઈ વગેરેને સાથે લઈ બાપાશ્રી સદ્ગુરુ સ્વામી મહાપુરુષદાસજી સૂરજપુરમાં પાણીબદલો કરવા આવ્યા હતા તેમને જોવા ગયા. સ્વામી મહાપુરુષદાસજી આ દિવ્ય મુક્તોને જોઈને ઉતાવળા બાથમાં ચાંપીને મળ્યા ને ઘણું હેત જણાવ્યું. તે વખતે બાપાશ્રીએ તેમને ફૂલનો હાર પહેરાવી, શરીરે હવે કેમ રહે છે વગેરે સમાચાર પૂછ્યા ત્યારે તે કહે, ‘મહારાજ તથા આપ જેવા મોટાની કૃપાએ ઠીક થતું આવે છે.’ પછી બ્રહ્મચારી નિર્ગુણાનંદજી તથા પુરાણી કેશવપ્રિયદાસજીને ત્યાંથી જ પરબારા ભૂજ મોકલી દીધા ને પોતે સદ્ગુરુ સ્વામી મહાપુરુષદાસજી પાસે બેસી મહારાજના મહિમાની ઘણી વાર વાતો કરી, તેથી એ બહુ રાજી થયા ને બોલ્યા જે, ‘તમે આવા તડકામાં મારા સારુ બહુ દાખડો કરી આંટો ખાધો. મને તો ઘણો લાભ થયો, પણ તમને થાક બહુ લાગ્યો હશે.’ એમ કહી સંતોને કહ્યું કે, ‘ભાઈને આસન પાથરી આપો, તો થોડી વાર આરામ કરે.’ પણ બાપાશ્રી કહે, ‘આસનનું કાંઈ નહિ, અમે હવે ધીરે ધીરે મહારાજને સંભારતા ચાલ્યા જશું.’ એમ કહી પોતે હરિભક્તોએ સહિત વૃષપુર આવ્યા.
આ વખતે ભૂજના સંતો સાધુ યોગેશ્વરદાસજી, કૃષ્ણવલ્લભદાસજી, રઘુવીરદાસજી વગેરે મંડળ વૃષપુરમાં મંદિરના ખેતરનો બાંધો બંધાવવા ત્યાં પંદર દિવસ રોકાણા હતા, તેથી રોજ સવારમાં કથાવાર્તા કરી સંતો ખેતરમાં ગયા હોય ત્યાં બાપાશ્રી હરિભક્તોએ સહિત પોતાની ઘોડી ઉપર બેસીને ધીરે ધીરે જતા, ત્યાં ઘણી વાર રોકાઈને સંતો સાથે વાતો કરે, બપોરના પાછા પોતાની વાડીએ આવીને સૂવે અને આશાભાઈ, શિવલાલભાઈ આદિ હરિભક્તો પાસે વચનામૃત વંચાવે ને પોતે ધ્યાને યુક્ત સાંભળે, ક્યારેક પોતાની ઇચ્છાથી તેમને મહારાજની વાતો કરે. પાછા સાંજના ઘેર આવી ઠાકોરજીને જમાડી મંદિરે આવે, ત્યાંય કથાવાર્તા થાય, પછી સ્વાભાવિક ચેષ્ટા આદિ નિત્યનિયમ કરીને આસને આવીને સૂવે, ત્યાં પણ સાધુ કે હરિભક્ત બેઠા જ હોય, તે જોઈ પોતે રાતમાં ઓચિંતાના બેઠા થઈ જાય ને ઘણી વાર વાતો કરે, કાં બેઠા બેઠા ધ્યાન કરે. આ રીતે સંત-હરિભક્તોને રાજી કરતા હતા પછી ખેતરના બાંધાનું કામ પૂરું થતાં સંતો ભૂજ ગયા.
થોડા દિવસ થયા ત્યાં વળી કરાંચીથી કેટલાક હરિભક્તો તથા બાઈઓ આગબોટમાં બેસી બાપાશ્રીનાં દર્શન કરવા આવ્યાં. તે વખતે પોષ મહિનો હોવાથી સમુદ્રમાં ટાઢ ઘણી પડી હશે એમ જાણી બાપાશ્રી સેવક આશાભાઈ વગેરે પાસે તેમની સેવા-સરભરા ઘણી રખાવતા ને પોતે પણ રોજ સવારમાં નિત્યવિધિ કરી બાઈઓને ઉતારે જઈ કાંઈ જોઈતું હોય તો પૂછી જોતા. આ બાઈઓ પણ બેત્રણ દિવસ વૃષપુરમાં રહી રામપુર મુક્તરાજ ધનબાના ખરખરા નિમિત્તે જઈ આવી પાછાં મોંઘીબા આદિ બાઈઓના સમૂહ સાથે સહુ વૃષપુર આવી થોડા દિવસ રહ્યા.