૪૯૧ - વાડીમાં પંક્તિઓ તથા અલૌકિક ભાવ
એ રીતે તેમને રાજી કરી બાપાશ્રી હરિભક્તોની પંક્તિઓ થઈ હતી ત્યાં આવ્યા, ત્યાં તો આખી વાડીમાં હરિભક્તો વિના ક્યાંય ખાલી જગ્યા ન મળે. સોએ સો સારથિયા (પીરસનારા) ચારે કોર પીરસે, કેટલાક શીરા, સુખડી, શાક આદિ લાવે. ધૂન્ય થાય. એમ પંક્તિમાં બધે ઠેકાણે ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ થઈ રહ્યું હતું. પછી એ સર્વેને જમવાની છૂટી કરવા બંદૂકના ભડાકા થયા એટલે સૌ મહારાજને સંભારી જમવા લાગ્યા. એ વખતે બાપાશ્રી ઘણી વાર પંક્તિમાં ફરી જે કોઈ પોતાની પાસે આવી પગે લાગે તેના માથે હાથ મૂકતા, કોઈ હાર પહેરાવે તે અંગીકાર કરતા; એમ ઘણી વાર સૌને દર્શન આપ્યા પછી પંક્તિમાં બધા જમી રહ્યા ત્યારે મોટા મોટા હરિભક્તોને પોતે પાઘડીઓ બંધાવી. તે વખતે કેટલાક હરિભક્તો પણ બાપાશ્રીને પાઘડીઓ બંધાવવા લાગ્યા. આ રીતે સૌને રાજી કરીને બાપાશ્રી મંદિરમાં આવ્યા, એટલે સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી કહે, ‘તમે હવે ઠાકોરજીને જમાડી આવો; ઘેરથી સમાચાર આવે છે. ત્યારે બાપાશ્રી કહે, તમે મહારાજને જમાડો એટલે દર્શન કરીને જઈએ.’ પછી થોડી વારે પંક્તિ થઈ ત્યારે પોતે દર્શન કરી ઘેર ઠાકોરજીને જમાડવા ગયા. સંતોએ જમી રહ્યા પછી વચનામૃતની કથા કરવા માંડી ત્યાં તો બાપાશ્રી પાછા આવી પહોંચ્યા. એ ટાણે ગામડાંના કેટલાક હરિભક્તો તૈયાર થઈને જવા લાગ્યા, તે સહુને પોતે સુખડીની પ્રસાદી આપતા, માથે હાથ મૂકતા, મળતા, બોલાવતા, આશીર્વાદ આપતા. એમ અનેક પ્રકારે રાજી કરી મૂક્યા. હરિભક્તો પણ દંડવત્ કરે, હાર પહેરાવે ને પ્રાથના કરે. એમ સાંજ સુધી જમવાનું ને પૂજાનું ચાલ્યું.
પછી બેત્રણ દિવસ સુધી તો એમ ને એમ બહારગામથી આવેલા સંત-હરિભક્તો પોતાને ગામ જવાના હોય તે આવી આવીને બાપાશ્રીની પૂજા-પ્રાથના કરે, એ સહુને ભૂજ સુધી ગાડાંની સગવડ કરાવવી, સુખડીની પ્રસાદી આપવી, મળવું, વળાવવા જવું, ભલામણ કરવી -એવું એવું કામ સવારથી સાંજ સુધી ચાલ્યા કરતું. સંતોને તથા ગામના હરિભક્તોને મનમાં એમ થયા કરે જે, બાપાશ્રી થોડા દિવસ પહેલાં શરીરમાં માંડ માંડ ઊઠી શકે તેવો ભાવ જણાવતા, પણ અત્યારે તો જાણે સાવ સાજા હોય તેમ અશક્તિ કે થાકનું નામે નથી, આથી સહુને વધુ આશ્ચર્ય થતું, તેમ જ હજારો સંત-હરિભક્તો સાત દિવસ જમ્યારમ્યા તોપણ શીરો, સુખડી તથા કાચું સીધું ઘણું વધી પડ્યું, એ જોઈ વિસ્મય પામતાં સૌએ જાણ્યું જે, ‘આવા મોટા યજ્ઞમાં શ્રીજીમહારાજના અદ્દભુત પ્રતાપ વિના આમ બને જ નહિ.’
ઉપરાંત આ યજ્ઞમાં બાપાશ્રી પણ અલૌકિક ભાવ ઘણો દેખાડતા. પોતે રાત્રે ઓરડીમાં સૂતા હોય ને એ જ વખતે પાકશાળામાં સૌને ભલામણ કરતા જણાય. સુખડીને ઓરડે ઊભા હોય એ ટાણે સભામાં બેઠા દેખાય, કોઈને વાડીએ મળે ને સમાચાર પૂછે, કાં તો છત્રીને ઓટે હરિભક્તોએ સહિત સભા કરી વાતો કરતા જણાય, ઘરમાં પુત્ર-પુત્રીઓ વગેરે કોઈ સંભારે તો ત્યાંય તેમની પાસે ગયા હોય, કોઈને માર્ગમાં મળે તો કોઈને ઉતારે જઈને ભલામણ કરતા હોય; આમ બહુ પ્રકારે દિવ્ય ભાવ જોવામાં આવતાં સંત-હરિભક્તો આનંદમાં ગરકાવ થઈ જતા ને જે રીતે પોતા પર બાપશ્રીની પ્રસન્નતા વધુ થાય તે રીતે દરેક સેવામાં તત્પર રહેતા.