૩૮૮ - ભૂજ જતાં માર્ગમાં ઘોડી બેસી ગઈ
ત્યાર પછી થોડા દિવસ થયા ત્યારે પોતે નારાયણપુર ગયા હતા ને ત્યાંથી જ ભૂજમાં હિંડોળાના દર્શન કરવા જવાનો વિચાર થયો, કેમ કે એ વખતે પોતાને પગે જરા ગૂમડું થયેલું હતું તે કદાચ પાકે તો પછી ન જવાય એમ જાણી દર્શને જવાનો સંકલ્પ થતાં ધનજીભાઈએ કહ્યું કે, ‘બાપા! આપણી ઘોડી મોકલું ને કહો તો હું સાથે આવું. મારે બે દિવસ પછી ભૂજનું કામ છે તે જવું છે. પણ તમારી સાથે વહેલો આવી જાઉં તો પછી કામ સારુ બીજી વાર જઈશ.’ ત્યારે બાપાશ્રી કહે, ‘ઘોડી માર્ગમાં અડી કરે એવી ન હોય તો જઈ આવું.’ ત્યારે તેમના દીકરાઓ કહે, ‘ના બાપા! આ ઘોડી તો સાવ સોજી છે.’ પછી પોતે કહ્યું જે, ‘ તો તો લાવો જઈ આવું,’ ને ધનજીભાઈ ને કહ્યું કે, ‘તમે તમારે વેંતે આવજો.’ આમ કહ્યાથી ધનજીભાઈના નાના દીકરા હરજીએ ઘોડી પર સામાન નાખી આપ્યો, એટલે ઓટા ઉપરથી બાપાશ્રી તે ઘોડી પર બેઠા ને સૌને, ‘જય સ્વામિનારાયણ’ કરી ચાલવા માંડ્યું. એ વખતે વરસાદને લીધે માખીઓ વધુ થયેલ હોવાથી ઘોડીની ચારેકોરે એ બેસતી જોઈ પોતે ખંભે નાખેલ ધોતિયાથી તેને ઉડાડતા આવે. પોતાને અંતર્વૃત્તિનો અભ્યાસ બહુ તેથી મૂર્તિને ધારતાં ધારતાં માખીઓને ઉડાડવાનું ભૂલી જવાયું કે ગમે તેમ થયું, પણ રેતીના ભાગમાં ઘોડી હળવેથી બેસી ગઈ ને જ્યાં ગૂમડાનો દુ:ખાવો હતો તે પગ જરા દબાયો એટલે પોતે ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ કરતા જમીન પર બેસી ગયા ને પગ તાણી લીધો; પછી ઘોડી સારી રીતે આળોટી પાસે ઊભી થઈ રહી. પોતે પણ ધીમે ધીમે ઊભા થઈ લૂગડાં ધૂળવાળાં થયેલાં તે ખંખેરી પાછા ઊંચાણવાળી જમીન પરથી ઘોડી પર બેસીને ભૂજ આવ્યા.