૨૬૫ - પુરુષોત્તમપ્રિયદાસજીને કૃતાર્થ કર્યા
એક દિવસ સ્વામી ઈશ્વરચરણદાસજીના સાધુ પુરુષોત્તમપ્રિયદાસજી સિંહાસન પાસે ઊભા રહી ઠાકોરજીનાં દર્શન કરતાં ઘણી વાર એકનજરે મહારાજ સામું જોઈ રહ્યા હતા. બાપાશ્રીની નજર આ સંત પર પડતાં પોતે ઘણી વાર એમના સામું જોયું. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીને પૂછ્યું જે, ‘આ સાધુ કોના છે?’ ત્યારે સ્વામીશ્રીએ એમ કહ્યું જે, ‘એ સાધુ તો આપના છે.’ પછી બાપાશ્રી કાંઈ બોલ્યા નહિ, પણ ઊભા થઈ તેમની પાસે ગયા ને માથે હાથ મૂકી કહ્યું જે, ‘સ્વામી! આમ ને આમ મૂર્તિ સામું જોઈ રહેવું. મહારાજની મૂર્તિમાં એકવૃત્તિ થાય એટલે અલૌકિક ભાવ આવે.’ આવાં રાજીપાનાં વચન સાંભળી, એ સંત તો મેષોન્મેષ દૃષ્ટિ રાખી જોઈ જ રહ્યા, ત્યાં તો જાણે મૂર્તિ તેજોમય હોય તેમ જણાવા માંડ્યું. પછી વળી બિલોરી કાચમાં અનંતરૂપ જણાય, તેમ અનંતમુક્ત એવા જ તેજોમય, એકબીજા સોંસરા સળંગ દેખાવા માંડ્યા. આથી તેમનાં નેત્ર એકદમ સ્થિર થઈ ગયાં ને જળ પડવા લાગ્યાં. પછી ‘હે મહારાજ! હે દયાળુ!’ એમ બોલવા મંડ્યા. એ જોઈ બાપાશ્રી કહે, ‘સ્વામી! મૂર્તિમાં સુખ કેવું?’ ત્યારે ગદગદ થઈ ગયા ને બોલ્યા જે, ‘બાપા! બહુ દયા કરી, આજ મને કૃતાર્થ કર્યો, ન્યાલ કર્યો. તમે આવા દયાળુ છો!’ પછી બાપાશ્રી કહે, ‘સ્વામી! હવે સદાય આમ ને આમ રાખજો, ઘડીએ મૂર્તિને મૂકવી નહિ, ચકોર પક્ષી જેમ ચંદ્રમા સામું જોઈ રહે છે, તેમ આપણે મહારાજ સામું જોઈ રહેવું.’ આવાં વચનથી એ સંતને તો આનંદ આનંદ થઈ ગયો. પછી સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતોએ પૂછવા માંડ્યું તો કહે, ‘સ્વામી! તમે તો બહુ જ મોટા છો, બધુંય જાણો છો ને મને કેમ પૂછો છો? શ્રીજીમહારાજ અલૌકિક દિવ્યમૂર્તિ તેજોમય છે ને ભેળા અનંતમુક્ત છે, એવી બાપાશ્રી વાતો ઘણી વાર કરતા. પણ આજ તો મારા પર બહુ દયા કરી, તેથી એવાં દર્શન થયાં.’