૩૯૦ - બ્રહ્મચારી તથા પુરાણીની જોડ
એક દિવસ બપોરના થોડા સંત-હરિભક્તો પોતાની પાસે બેઠા હતા, ત્યાં બ્રહ્મચારી નિર્ગુણાનંદજીએ આવી બાપાશ્રીના કંઠમાં પ્રસાદીના બે હાર પહેરાવ્યા, ત્યારે પોતે તેમના માથે હાથ મૂકી સંતો સામું જોઈને બોલ્યા જે, ‘સ્વામી ઈશ્વરચરણદાસજીએ આમને મહારાજનો મહિમા સમજાવી અહીં મોકલ્યા છે, ત્યારના એ ઠાકોરજીની સેવા પ્રત્યક્ષભાવે બરાબર કરે છે. પ્રેમી, જ્ઞાની ને અનુભવી પણ એવા જ છે.’ -એમ કહી ફરી વાર તેમને માથે જમણો હાથ રાખી ડાબો હાથ પુરાણી કેશવપ્રિયદાસજી ઉપર મૂકીને કહ્યું જે, ‘આ બેયની સ્થિતિ ખરેખરી છે.’ બેય દેખાય છે સરખા તેમ ગુણે, વયે, જ્ઞાને ને સ્થિતિએ પણ બેયનું અંગ એકસરખું છે.’ પછી પોતાના કંઠમાં હાર હતા તે ઉતારી એક એક બેયને પહેરાવીને બોલ્યા જે, ‘આજથી તમારી બેયની જોડ.’ –એમ કહી મૂર્તિના સુખમાં રહેવાના આશીર્વાદ આપ્યાં.
ત્યાર પછી શ્રાવણ માસમાં મુક્તરાજ ધનબાએ બાપાશ્રીને ગાડું મોકલી રામપુર તેડાવ્યા, ત્યારે ત્યાં સાતઆઠ દિવસ રહી વચનામૃતની પારાયણનું નિમિત્ત કરી હરિભક્તોને કથાવાર્તાએ બહુ સુખ આપ્યું. તેથી ધનબા બહુ જ રાજી થયાં. ત્યાંથી જ્યારે વળ્યા ત્યારે મુક્તરાજ કેસરાભાઈએ તાણ કરી દહીંસરામાં રાત રોક્યા; કેમ કે તેમને શરીરે અવસ્થાને લીધે ઠીક ન રહેતું તેમ પોતાથી વૃષપુર આવી શકાતું નહિ, તેથી બહુ જ આગ્રહ કરી કહ્યું કે, ‘આ ફેરે તો એકબે રાત ખમી સૌને રાજી કરો તો ઠીક.’ આમ તેમની તાણ જોઈ એક દિવસ ત્યાંના હરિભક્તોને રાજી કરી બાપાશ્રી વૃષપુર આવ્યા.
આ વખતે ભૂજથી પુરાણી કેશવપ્રિયદાસજી તેમના શિષ્ય સાથે એક ભણનારા સાધુને લઈને વૃષપુરમાં થોડા દિવસ રહેવા આવ્યા, તેથી બાપાશ્રી બહુ રાજી થયા.
આ પુરાણીની સ્થિતિ બહુ સારી, તેમ સાધુતાના માર્ગમાં ખબડદાર રહેતા હોવાથી જ્યારે જ્યારે એ વૃષપુરમાં આવે ત્યારે બાપાશ્રી તેમના પર ઘણી પ્રસન્નતા જણાવતા ને તે પણ બાપાશ્રીની મરજી સાચવીને રુચિ અનુસાર કથાવાર્તા તથા સેવા વગેરે કરતા. સવારે, સાંજે કે રાત્રે પાસે બેઠા જ હોય. જાઓ કહે ત્યારે જાય ને આવો કહે ત્યારે આવે. કથાવાર્તા કરવાની આજ્ઞા થાય ત્યારે કથાવાર્તા કરે. બાપાશ્રી વાડીએ જતા હોય ને કહે, ’પુરાણી મહારાજ! વાડીએ ક્યારે આવશો?’ ત્યારે કહે, ‘બાપા! આપ આજ્ઞા કરો ત્યારે.’ આવું તેમનું મર્યાદી અંગ જોઈને બાપાશ્રી તેમને ઘણી વાર બોલાવતા, મળતાં ને પૂજા અંગીકાર કરતા. રાત્રે બાપાશ્રી સૂતા હોય ને પોતે પાસે બેસી ધ્યાન કરતા હોય એ વખતે રાતમાં, બાપાશ્રી કોઈ વાર ઓચિંતા લઘુ કરવા ઊઠે ને તેમને ભટકાઈ જાય ત્યારે પૂછે કે, ‘એ કોણ?’ ત્યારે કહે, ‘એ તો હું કેશવપ્રિયદાસ!’ પછી પોતે કહે, ‘પુરાણી મહારાજ! હજી બેઠા છો?’ એમ કહી તેમને ઉઘાડે શરીરે મળે ને કહે જે, ‘તમારો આગ્રહ તો આગળના સંત જેવો છે.’ એમ પ્રસન્નતા જણાવીને સૂઈ જવાનું કહે ત્યારે સૂવે. પણ પાછા સવારમાં વહેલા બાપાશ્રી જાગે એટલામાં તો એ નાહી, પૂજા કરી પાસે આવી જાય. પાણીનો લોટો ભરી દાતણ આપે, નવરાવવા ટાણે પાસે ઊભા રહે, ‘ એ ટાણે બાપાશ્રી નાહતા નાહતા ભીના શરીરે તેમને મળે,’ પછી પૂજા કરતા હોય ત્યારે ચંદન ઘસી આપે, તિલક-ચાંદલો કરી, બાપાશ્રી માનસીપૂજા કરવા બેસે ત્યારે પોતે પડખે બેસી ધ્યાન કરતા હોય, તે પૂજા થઈ રહે ત્યાં સુધી બેઠા જ હોય. તે વખતે બાપાશ્રી તેમને જાગ્રત કરવા ઘેરે સાદે બોલે, ‘ પુરાણી મહારાજ! ચાલો સભામાં –કથા મચાવો!’ એમ કહે એટલે એ સભામાં આવી વચનામૃતની કથા ચાલતી કરે. થોડી વારે બાપાશ્રી સભામાં પધારે ત્યારે તેમને એમ થાય જે, આજ બાપાશ્રી થોડી વાર વાતો કરે તો સારું.’ ત્યાં તો બાપાશ્રી વાતો કરવા માંડે, તેમાં મહારાજ તથા મોટા મુક્તોનો મહિમા બહુ આવતાં સૌને આનંદ આનંદ થઈ જાય.
એક દિવસ સભામાં પુરાણી તથા હરિભક્તો પરસ્પર વાતો કરતા હતા, તેમાં મહારાજ ને મોટા મુક્તને રાજી કરવામાં કયું સાધન અધિક? –એ પ્રસંગ ચાલતો હતો, તે ઘણી વાર બાપાશ્રી સાંભળી રહ્યા પછી પોતે એમ બોલ્યા જે, ‘સાધનમાત્રમાં મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવી એ જેવું એકે નહિ. સર્વ ક્રિયામાં મહારાજનો સંબંધ રાખતાં રાખતાં પરભાવમાં જવાય; પછી તો માનસીપૂજામાં પણ તેજમાં મૂર્તિ ધારવી. નવરાવવા, ચંદન ચર્ચવું, પુષ્પના હાર પહેરાવવા, પૂજા કરવી, એ બધું તેજમાં જ કરવું. એવી સ્થિતિ ન થઈ હોય ત્યાં સુધી અવરભાવમાં કરવું, પણ મૂર્તિ ક્યારે ય ન ભુલાય એવો ખટકો રાખવો, તો મૂર્તિનો સાક્ષાત્કાર થઈ જાય. મૂર્તિ ધારતા જુદાં જુદાં અંગ દેખાય પણ સળંગ મૂર્તિ ન દેખાય ત્યાં સુધી લટક આવી નથી એમ જાણવું. દેહથી નોખું પડતાં ન આવડે તેથી ઈંદ્રિયોની વૃત્તિઓનો ભાવ રહી જાય. જો દેહથી નોખું પડતાં આવડે તો સમગ્ર મૂર્તિ જેમ છે તેમ દેખાય; પછી તો એક મૂર્તિ જ ભાસે ને સ્વતંત્ર મુક્તપણું આવે, માટે મૂર્તિરૂપ થઈ મૂર્તિમાં જોડાવું એ જ કરવાનું છે. કેટલાક ભણેગણે, વાતો કરે અથવા કીર્તન ગાય એ બધું ઠીક છે, પણ એ સૌથી ધ્યાનમાં અધિક સુખ આવે. કેમ કે એમાં નકરો મૂર્તિનો સંબંધ રહે છે. મહારાજની મૂર્તિમાં વૃત્તિ રહેવા માંડે, પછી તેને કોઈ વિઘ્ન નડે નહિ, તેમ કોઈ બીજી વસ્તુ પણ દેખાય નહિ. જેમ સમુદ્રમાં ધૂડ, કાંકરા કે બીજી વસ્તુ કોઈ નાખે તે દેખાય જ નહિ, તેમ મૂર્તિમાં વૃત્તિ રાખતાં પિંડ, બ્રહ્માંડ કોઈ નડી શકે નહિ.’
અનાદિ મુક્તરાજ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીએ કહ્યું છે કે, ‘કોઈ તપે કરીને દેહ સૂકવી નાખે ને લાકડા જેવો થઈ જાય તો ય મૂર્તિની લટક હાથ આવ્યા વિના દિવ્ય દૃષ્ટિ ન થાય અને જો મૂર્તિમાં જોડાવાની લટક હાથ આવી ગઈ હોય તો તે ગૃહસ્થાશ્રમમાં રહ્યો હોય ને ઘેર છોકરાં હોય તોય મહા સુખિયો વર્તે, પણ લટક શીખ્યા વિના કોઈ જપતપ કરે તો તેનું ફળ તો મળે, પણ મૂર્તિ રાખ્યા જેવું કામ ન થાય,’
ભૂજમાં સુંદરજીભાઈને શ્રીજીમહારાજે કહ્યું, ‘સુંદરજીભાઈ, જુઓ! આ અમારી મૂર્તિ કેવી છે? આ મૂર્તિમાં વૃત્તિ રહે તો ભારે કામ થઈ જાય,’ –એમ કહીને એવી કૃપાદૃષ્ટિ કરી કે, ઝળઝળાટ તેજમાં શ્રીજીમહારાજને દેખ્યા, એટલે નિરાવરણદૃષ્ટિ થઈ ગઈ. પછી એ ઘર વાસીને બેઠા તોય ઘર સોંસરું બધેય તેજ તેજ દેખાય અને એ તેજમાં મહારાજનાં દર્શન થયા કરે. પછી તો જ્યાં વૃત્તિ જાય ત્યાં મૂર્તિ જ દેખાય એવું થઈ ગયું. આમ મહારાજ અથવા મહારાજના મુક્ત દયા કરે, તો સહેજમાં મૂર્તિ સિદ્ધ થઈ જાય, જરાય વાર ન લાગે.
એક વખત સવારમાં પૂજા કર્યા પછી પોતાની પાસે બેઠેલા હરિભક્તોને બાપાશ્રીએ વાત કરી જે, ‘અમે મહારાજની મૂર્તિમાં રહ્યા થકા તમને એ મૂર્તિમાં રાખવા મહારાજનાં સંકલ્પે દેખાઈએ છીએ. એમ સમજવામાં તમે સુખિયા થશો, મહારાજ સૌના આધાર ને સુખદાતા છે. એ મૂર્તિનું બળ બહુ રાખવું, એ મૂર્તિ દિવ્ય ચિંતામણી ને પારસમણિ છે, આપણે એમની કંઠી બાંધી છે તે વરમાળા પહેરાવી છે, એમ જાણવું.’ કેટલાંક કહે છે કે, મહારાજ અંત સમે તેડવા આવશે એ તો ઉધારાની વાત થઈ. જો મહારાજ અંત સમયે કોઈને દર્શન આપે તો એમ જાણવું જે, એ તો અનેક જીવને પોતાની મૂર્તિમાં ખેંચવા પ્રબળ પ્રતાપ જણાવે છે, પણ મહારાજને આવવું-જવું ન હોય, એ તો સંકલ્પમાત્રે દર્શન આપી મૂર્તિના સુખમાં જીવને તાણી લે છે. આવી વાતો સમજાય તેને બહુ ખુમારી આવે.
એક દિવસ સવારની સભામાં બાપાશ્રીએ વાત કરી જે, ‘શ્રીજીમહારાજને જેવા છે તેવા જાણ્યા વિના તેમનો ખરો રાજીપો થતો નથી. એ કારણમૂર્તિના પમાડનારા અનાદિ મહામુક્ત છે.’ પછી એમ બોલ્યા જે, ‘તમને તો ભારે પ્રાપ્તિ થઈ છે. મહારાજ અને તેમના મોટા મુક્ત મળ્યા એ કાંઈ જેવીતેવી વાત નથી. તમારા તો કાળ, કર્મ, માયા આદિ સર્વે કાઢી નાખ્યાં છે. તમને આજ પ્રત્યક્ષ વાદળી છૂટી પડી છે. તે શું? તો આવા મહારાજના અનાદિ મુક્તનો જોગ મળ્યો છે. અનાદિને મૂર્તિનાં સુખ વિના બીજો આહાર નથી. મૂર્તિમાંથી નવીન નવીન સુખ લીધા જ કરે છે. તે એક મિનિટે જે સુખ આવ્યું હોય, તેથી બીજી મિનિટે અનંતગણું આવે છે. એમ નવીન આવ્યા કરે છે. પોતાના મુક્ત વિના બીજા અક્ષર આદિ સર્વે અધિકારવાળાને સુખ આપ્યું છે તે તો સિંધુ આગળ બિંદુ જેવું ગણાય. આવી રહસ્ય-વાતો જ્યારે અનાદિ મુક્તરાજ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી જેવા સમજાવતા ત્યારે કેટલાંક એમ કહેતા જે, આ તો ખૂણિયું જ્ઞાન કરે છે.’
એક દિવસ રાત્રે સભામાં વચનામૃતની કથા થતી હતી તે પ્રસંગે બાપાશ્રીએ વાત કરી જે, ‘શ્રીજીમહારાજનો મહિમા બહુ સમજવો, કેમ કે અનંત મહામુક્તો એ મૂર્તિમાંથી સુખ લીધા જ કરે છે, પણ કોઈ પાર પામતા નથી. એ મૂર્તિ સૌને જીવનદોરીરૂપ છે. સુખમાત્રનું સ્થાન એ કારણમૂર્તિ છે. એ મૂર્તિમાં જોડાવું હોય તેને આજ્ઞા અને ઉપાસના એ બે જોઈએ જ. તે વિના કામ ન આવે. આજ્ઞામાં ધર્મામૃત, નિષ્કામશુદ્ધિ, શિક્ષાપત્રી એમાં બધુંય આવી જાય. ને ઉપાસનામાં તો કારણમૂર્તિ જે શ્રીજીમહારાજ એમના જેવું તો કોઈ છે જ નહિ, એ જેવા એ એક જ છે. એમની કોઈ જોડ જડે નહિ, તેમ એમના જેવી કોઈની સત્તા નહિ, એમના જેવું કોઈનું સામર્થ્ય નહિ, એવા સર્વના નિયંતા, સર્વના કારણ સર્વોપરી ભગવાન આપણને દયા કરી મળ્યા છે, એમણે આપણો હાથ ઝાલ્યો છે, પોતાના જાણ્યા છે, એવું સમજી સદાય આનંદમાં રહેવું. બીજા અવતાર કે ઐશ્વર્યાર્થી આદિ, છે, તેની કાંઈ ના નથી. એ સૌ સૌના સ્થાનકે ભલે હોય. એ પોતાના સામર્થ્ય પ્રમાણે કામ કરે, પણ મહારાજે તો બહુ જ પ્રતાપ જણાવ્યો. તે જુઓને! લાગઠ સમાધિઓ કરાવી, કેટલાક સંત-હરિભક્તોને સમાધિનિષ્ઠ રાખેલા, કેટલાકને સોટી, રૂમાલ કે ફૂલના હાર આપેલા, તેથી તેઓ સમાધિઓ કરાવી ધામમાં મોકલતા ને પાછા જગાડતા. આ બધું કારણમૂર્તિનું કામ છે. આપણને એ મૂર્તિ મળી છે. જેમ મોર ભેગાં પીછાં શોભે, પણ મોર વિના પીછાં શું કામનાં! એમ કારણમૂર્તિ વિના કોઈ વાત પૂર્ણ ન થાય, તેમ કલ્પના મટે નહિ, અને ખરું સુખ પણ ન આવે.’
આ રીતે ચમત્કારી વાતોથી સૌને સુખિયા કરતા, બાપાશ્રીને શરીરે ભાદરવા માસમાં વૃષ્ટિ બહુ થવાથી સાધારણ કસર જણાવા માંડી, તેથી એ વખતે અન્નકૂટના સમૈયા ઉપર ભૂજ પણ જવાણું નહોતું, તેમ બહારગામથી સંતો આવે તેની પણ સેવા-સરભરા પોતાથી બરાબર નહિ બની શકે, એમ જાણી પોતે સદ્ગુરુઓ તથા હેત-રુચિવાળા સંતોને કાગળ લખાવેલા જે, ‘હાલમાં તમો ત્યાં બેઠા સુખે મહારાજને સંભારજો. ચૈત્ર માસમાં હરિનવમીનો સમૈયો આવી ગયા પછી અમો લખીએ ત્યારે આવવાનું કરજો.’ આવો પત્ર જતાં સદ્ગુરુઓ તો વચનનિવાસી એટલે એ આવ્યા નહોતા. ભૂજના સંતો કે બહારગામથી કચ્છમાં પંચતીર્થી કરવા આવનાર સંત-હરિભક્તો કોઈ કોઈ આવે ને થોડા દિવસ દર્શન, સેવા-સમાગમ કરે તેને પોતે વાતો કરી રાજી કરતા. પુરાણી કેશવપ્રિયદાસજી તથા બ્રહ્મચારી નિર્ગુણાનંદજીનું અંગ એક, તેથી એ તો વારે વારે કાંઈક નિમિત્ત કરી ભૂજથી દર્શન કરી જાય ને સેવા-સમાગમે રાજી કરે.