૪૯૯ - સ્વાભાવિક પ્રવૃત્તિ

0:000:00

બાપાશ્રીની હવે દિવસે દિવસે પ્રસિદ્ધિ વધી જતાં રોજ કેટલેય ઠેકાણેથી પ્રાર્થનાના કાગળો આવવા માંડ્યાં. સવારે કથા ઊઠ્યા પછી એ કાગળો હરિભક્તો પાસે કે પૌત્ર માવજી પાસે વંચાવે, જવાબ લખવા જેવા હોય તેને જવાબ લખાવે, ગામડેથી પણ હરિભક્તો દર્શન કરવા આવ્યા કરે, મોટા સમૈયાના દિવસે પોતે ભૂજ ગયા હોય ત્યાં સંતોની તાણે બેચાર દિવસ રોકાય, ત્યાં પણ કાંઈ ને કાંઈ નિમિત્ત કરી હરિભક્તો પોતાને ઘેર લઈ જવા આગ્રહ કરે. કોઈને જરા ઠીક ન હોય ને આવીને કહે જે, ‘બાપા! અમારા ગગાને કે ભાઈને આજ ઠીક નથી તે દર્શન દઈ જાઓ.’ ત્યારે ત્યાં તુરત જાય. પોતાને સદાય એવું જે, ‘કોઈ હરિભક્તને મંદવાડ સાંભળ્યો કે તુરત દર્શન દેવા જવું.’ કેટલેક ઠેકાણે વાસનિક જીવો દુઃખી થતા હોય ને કોઈ પ્રાર્થના કરે એટલે હાથમાં પાણી લઈ મોક્ષના સંકલ્પ કરી વર્તમાન ધરાવતાં અનેક જન્મનાં કર્મ ‘શ્રી સહજાનંદ સ્વામીને ચરણે’ આટલું બોલતાં જ એ જીવ દુઃખના દરિયામાંથી નીકળી જાય. પોતે ઘેર કે વાડીએ હોય, પણ હરિભક્તો વિના ક્યારેય એકલા ન જણાય. ક્યારેક વાડીએ એકલા સૂતા હોય ત્યારે છેટેથી જોનારાને નવીનતા લાગે તેમ હાથનાં લટકાં કરતા હોય કાં તાળી વગાડતા હોય. કોઈ પૂછે તો કહે જે, ‘અમે તો મહારાજના સુખમાં રમૂજો કરીએ છીએ.’ વળી પોતાની પાસે કોઈ વસ્તુ પડી હોય તેને હાથમાં લઈને મહિમા કહે કે, ‘આટલી જ આ લોકની વસ્તુ આવા મોટાને અર્થે વપરાય તો જીવને કાંઈ કરવું બાકી રહે નહિ. જીવ બીજા દાખડા ઘણા કરે, પણ આવું ન કરે. સૂર્યને વાંસે રાખીને પડછાયો પકડવા જાય તો ક્યાંથી પકડાય? તેમ જીવ મહારાજ તથા મોટાને સન્મુખ થયા વિના સાધન કર્યા કરે તેનો પાર ન આવે.’ આમ અનેક પ્રકારે પોતે સંત-હરિભક્તોને સુખિયા કરતા હતા.