૨૮ - મહારાજનું મુખ્યપણું લાવતા
એક વખત સાંજના પોતાની દીકરી વાલબાઈને ગામમાંથી નવી વાડીએ જતાં તળાવની ભાગોળમાં ઢાળ છે ત્યાં મોટું જનાવર દીઠામાં આવ્યું. તેનું મોઢું મોટું ને પૂછડું લાંબું જોઈને રાડ નીકળી ગઈ. તે રાડ પોતે વાડીમાં સાંભળી. એ વખતે જાદવજી નામનો હરિભક્ત પાસે ઊભેલ, તેને મુક્તરાજ કહે, ‘જાદવા દોડ, જોને વાલબાઈએ કેમ રાડ પાડી?’ ત્યારે તે હરિભક્તે પાસે જઈ ધીરજ દીધી ને બન્ને વાડીમાં આવ્યાં. ત્યાં મુક્તરાજે માથે હાથ ફેરવીને પૂછ્યું જે, ‘વાલબાઈ! શું હતું? કેમ બીક લાગી?’ ત્યારે તે કહે, ‘બાપા! મોટા પૂછડાવાળું ને મોટા મોઢાવાળું જનાવર કાળ જેવું હતું, તે જોઈને મારી તો રાડ નીકળી ગઈ.’ ત્યારે તેને મુક્તરાજ કહે, ‘બાઈ! આપણને કાળ બાપડો શું કરનારો હતો? કાળ કર્મ તો જીવને માથે હોય! આપણે તો શ્રીજીમહારાજના છીએ, તેથી એવી બીક ન રાખવી ને જ્યાં જઈએ ત્યાં મહારાજની મૂર્તિ ભેળી રાખવી તેથી કોઈની બીક ન લાગે. મૂર્તિ વિના બીજા સહુ બીવરાવે એવા જ છે. મૂર્તિ હોય તો કોઈ પાસે આવી શકે નહિ. જોને સૂરજ હોય ત્યાં અંધારું આવે છે? હવે તું મહારાજને ભૂલીશ મા. હાલતાં, ચાલતાં, ખાતાં, પીતાં, સૂતાં, બેસતાં, જાગતાં, ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ કહીએ, એટલે કોઈ પાસે જ આવી શકે નહિ.’ આમ જે જે વાત કરે તેમાં મહારાજનું મુખ્યપણું લાવતા, કોઈ વાર તો પોતે પણ ચમત્કાર જણાવતા.