૪૧૧ - ખજૂર તથા ખીચડી જમ્યા

0:000:00

બાપાશ્રીએ તો ઘેર જઈ કહેવા માંડ્યું કે, ‘મને અવસ્થાએ ભૂખ લાગે. પણ સાધુ પાસે કાંઈ કહેવાય નહિ ને તમને અહીં સેવાની તાણ રહે. આજ તો એટલા સારુ ઘેર આવ્યો છું કે જરા ખીચડી કરો તો જમું.’ આવાં વચનથી એ દીકરીઓને આનંદ આનંદ થઈ ગયો ને કાનબાએ તો તુરત ચૂલામાં દેવતા પાડી ઉતાવળ કરી ખીચડી મૂકી દીધી. પછી પાસે બેસી હેત જણાવતાં કહેવા લાગ્યાં જે, ‘બાપા! અમે તો અહીં ઘરમાં બેઠા સેવા સારું ટાંપીએ છીએ ને તમે તો ઠામુકા સાધુ પાસે જઈ બેઠા. એમને તો સેવા થાય, પણ અમનેય તાણ રહે ને! ટાણે ટાણે જમવું તો ખપે. જો કહેવરાવતા હો તો તમને રુચે તે કરી આપીએ. મંદવાડમાં ઓમે ભૂખ વધુ લાગે. શરીર સામું જોઈએ છીએ તો સાવ દૂબળા થઈ ગયા છો. સાધુ તો એક વાર જમી લે પછી થયું.’ આમ હેતમાં ને હેતમાં બોલતાં હતાં, પણ બાપાશ્રી કહે. ‘બાઈ! વાતો પછી કરો; ખીચડી થઈ હોય તો લાવો.’ કાનબા કહે, ‘બાપા! હજી તો આંધણે ઊકળ્યું નથી. લ્યો, આકરું બળતું કરું?’ સૌને એમ જે, આવડા ભૂખ્યા થાય તોય કાંઈ સાધુને કહેવાય છે? એ વખતે વળી વાલબા તથા રાધાબાને પોતે કહેવા લાગ્યા જે, ‘બાઈ! ખીચડી કોણ જાણે ક્યારેય થશે! ઘરમાં ખજૂર હોય તો ઘી નાખીને લાવો તો હું થોડી ખાઉં.’ આમ કહેતાં ઘરમાં ખજૂર હતી, તેથી રાધાબા વાટકામાં ઘી તથા ખજૂર લાવ્યાં, કે તરત પોતે જમવા મંડ્યા ને કહ્યુ કે, ‘હવે ખીચડી થઈ હોય તો લાવો. ભૂખ છે તેથી ખજૂર જમાશે તો ખરી, પણ પાછી ગરમ લાગશે.’ –એમ કહી, ઊની ઊની ખીચડી બાઈઓ ઠાકોરજીને જમાડી લાવ્યાં તે જમ્યા. પછી બાઈઓએ આ રીતે રોજ ઘેર આવી જમવા માટે પ્રાર્થના બહુ કરી ત્યારે કહે, ‘હવે હું જ્યારે જ્યારે ભૂખ લાગશે ત્યારે કહેવરાવીશ, તે આપણા જાદવા ભેળું મોકલાવજો.’ - એમ કહી ખાટલો મંદિરમાં ઉપડાવી ગયા.