૬૦૫ - ભૂજ તથા માધાપુર જઈ આવ્યા

0:000:00

પછી બેત્રણ દિવસ થયા ત્યાં વળી પોતે ભૂજ પધાર્યા, ત્યાં તો હરિભક્તોના હર્ષનો પાર રહ્યો નહિ. કેમ કે યજ્ઞની વાત સૌને સાવ તાજી હતી, તેમ બાપાશ્રીએ આ યજ્ઞમાં ભૂજના હરિભક્તોને ઘણા રાજી કરેલા, તેથી સૌ કોઈ હાર લાવે, ફળફૂલ લાવે, કે દંડવત્ કરે. બાપાશ્રી પણ હરિભક્તો દર્શન કરવા આવે તેને એ ફળફૂલ વહેંચતા આવે, કોઈને હાર પહેરાવે માથે હાથ મૂકે, બોલાવે, મળે. એ રીતે ભૂજના હરિભક્તોને રાજી કરી માધાપુરના હરિભક્તોએ પોતાને ગામ તેડી જવા આગ્રહ કરવાથી એક રાત પોતે ત્યાં પધાર્યા. ત્યાંના હરિભક્તો પણ બાપાશ્રીને જોઈને જાણે પ્રેમઘેલા થઈ ગયા હોય તેમ ગોળ, સાકર આદિની થાળીઓ ભરીભરીને લાવે ને બાપાશ્રી પાસે એ પ્રસાદીઓ વહેંચાવે. કોઈ હાથ જોડે, તો કોઈ આશીર્વાદ માગે, એમ નાનામોટા સહુએ આ અનાદિ મુક્તરાજને પ્રસન્ન કર્યા. પછી બીજે દિવસે પાછા બાપાશ્રી ત્યાંથી વૃષપુર પધાર્યા.

આ રીતે હરિભક્તોને રાજી કરતાં બાપાશ્રીએ વૈશાખ માસ ઊતરતાં શરીરમાં થોડો થોડો મંદવાડ જણાવવા માંડ્યો, તેમાં પ્રથમ તો સાતઆઠ દિવસ પોતે કાંઈ જણાવ્યું નહિ, પણ તાવ કાંઈ છાનો રહે? બેસવું કે સૂવું ગમે નહિ ને ઘેર જમવા જાય તો કાંઈ રુચિ થાય નહિ, તેમ રાત્રે હરિભક્તો સાથે વાતો કરતા જ હોય એટલે ઊંઘનું પણ એવું. આથી દિવસે દિવસે સૌને ખબર પડતી ગઈ કે બાપાશ્રીને હમણાં ઠીક રહેતું નથી.

આવા ખબર ભૂજમાં પુરાણી કેશવપ્રિયદાસજીને પડતાં તે તેમના સાધુ તથા સ્વામી વિજ્ઞાનદાસજીને સાથે લઈ વૃષપુર આવ્યા, તેથી બાપાશ્રી ઘણા રાજી થયા. સંતો આવ્યા એટલે કથાવાર્તા તથા સેવા કરવાથી બાપાશ્રી જરા ઠીક હોય તેમ જણાવવા લાગ્યા.