૨૮૯ - સંતો પગરસ્તે દેશમાં ગયા
બીજે દિવસે ઠાકોરજીને જમાડી સંતોએ ચાલવાનું કર્યું, ત્યારે ઘણા હરિભક્તોએ ગામબહાર વળાવવા આવી ફૂલના હારો પહેરાવી દંડવત્ કર્યા ને આશીર્વાદ લીધા. સ્વામીશ્રી તથા બાપાશ્રીનું હેત તો ઢાંક્યું રહે તેવું નહિ, તેથી પરસ્પર એકબીજા વિનયવચનો કહે ને રાજી થાય. બાપાશ્રી કહે, ‘સ્વામી! આમ ને આમ મહારાજ ભેળા દર્શન દેજો.’ ત્યારે સ્વામીશ્રી કહે, ‘ભાઈ! તમે પણ અમારા પર રાજી રહેજો,’ એમ કહેતાં બહુ હેત જણાવી મળ્યા. પછી સંતો ગાડે બેસી ચાલ્યા, તે ગાંગોદડ થઈ રણમાર્ગે જવાનું ઠરાવી અંજાર ગયા, ત્યાં ગોવામલભાઈએ કુંભારીએ લઈ જવા ઘણી તાણ કરી, પણ સ્વામીશ્રી એ ટાણે એમ બોલ્યા જે, ‘સમુદ્રમાં તોફાન વધુ છે, તેથી અમારે પગરસ્તે જવું છે, અમારા ભેળા સાધુ બધા ધર્મવાળા છે, તે વહાણમાં બેઠા હોય ને કદાચ વહાણ બૂડે તો બહુ ખોટું થાય,’ –આવું વચન સાંભળી તેમણે તેડી જવાની તાણ મૂકી દીધી, એટલે સંતો રણમાર્ગે દેશમાં ગયા; પછી બે દિવસે એવા ખબર આવ્યા કે, ‘હમણાં બે-ત્રણ હોડિયા બૂડી ગયા.’ ત્યારે સૌએ જાણ્યું જે, ‘સ્વામી કહેતા હતા તેમ જ બન્યું જણાય છે.’