૨૩૯ - કેરાના ધરામાં તથા માર્ગમાં આશીર્વાદ

0:000:00

આ રીતે સંતો વૃષપુરમાં હતા ને સવાર-સાંજ કથાવાર્તા કરતા; ત્યાં વળી ત્રીજે દિવસ બાપાશ્રી ગામ કેરે પધાર્યા, ત્યાં ઠાકોરજીનાં દર્શન કરી નદીએ નાહવા જવાનો સંકલ્પ કર્યો. પછી મૂળીવાળા પુરાણી ધર્મકિશોરદાસજી તથા બે સાધુઓ મંદિરમાં હતા તેને મોકલીને વૃષપુરથી સદ્‍ગુરુઓ તથા પ્રાણશંકરભાઈ આદિ હરિભક્તોને તેડાવીને સૌ નદીએ નાહવા ગયા. ત્યાં વસ્ત્રો ઉતારી સહુ નદીમાં નાહવા ઊતર્યા, ત્યારે પોતે સંતોને ધરામાં બેસારી પાણી રેડવા માંડ્યું ને માથે તથા બરડે હાથ ફેરવતા ફેરવતા બોલ્યા જે, ‘તમો તાપમાં આવ્યા તે તડકો બહુ લાગ્યો હશે, તેથી અમે તમને ટાઢા કર્યા.’ પછી એક સંતની તુંબડીમાં પાણી ગાળી સૌને પોતે થોડું થોડું પાયું. પછી વળી ખોબામાં પાણી આપીને આશીર્વાદ આપ્યો જે, ‘આજથી તમારા સર્વેના ઘાટ ટળી જશે.’ વળી બીજી વાર હાથમાં પાણી આપીને બોલ્યા જે, ‘તમારું સર્વેનું આત્યાંતિક કલ્યાણ થશે,’ -એમ કહી ફેર ખોબા ભરી ભરી સહુને નવરાવ્યા. પછી સંતોએ પણ જે કોઈ હેતવાળા નહોતા આવી શક્યા તેમની વતીના લોટા ભરી ભરીને બાપાશ્રી પર રેડ્યા, ત્યારે પોતે એમ બોલ્યા જે, ‘તમારું તથા તમે જેનાં નામ લઈને અમને નવરાવ્યા, તે સર્વેનું આત્યંતિક કલ્યાણ આ જન્મે જ થાશે.’ પછી જે જે નહોતા આવી શક્યા તેનાં નામ લઈ પોતે પાણીના ખોબા ભરી ભરીને સંતોને નવરાવ્યા, ત્યાર પછી સૌને ગળા બરાબર પાણીમાં બેસાર્યા, ત્યારે સદ્‍ગુરુ સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, ‘મુક્ત મૂર્તિમાંથી કેવી રીતે સુખ લેતા હશે?’ ત્યારે પોતે પાણીમાં આંગળા ઊર્ધ્વ રાખી હલાવ્યાં ને બોલ્યા જે, ‘આવી રીતે મુક્ત મૂર્તિમાં રમે છે. કિલ્લોલ કરે છે ને સુખમાં દોટ્યો દીધા જ કરે છે, અને જેમ જળમાં માછલાં રમે, તેમ મુક્ત મૂર્તિના સુખમાં રમ્યા જ કરે છે.’ એમ કહીને સૌનાં શરીર પાણીમાં હતા એ દૃષ્ટાંતે મૂર્તિમાં ચૈતન્ય રાખી ધ્યાન કરવાનું કહ્યું. થોડી વારે સૌ ધ્યાન કરી રહ્યા, ત્યારે ઊંડા પાણીમાં આગળ લઈ જઈને રમૂજ કરી સહુને નવરાવ્યા. ત્યાંથી પાછા કેડ બરાબર પાણીમાં આવી સંતોને મળ્યા ને 'જમુનામાં ઝીલે રે, સુંદર શામળો રે,’ -એ કીર્તન બોલવાનું કહ્યું, તે સંતો બોલતા હતા ને પોતે તાળી વગાડી ધ્યાને યુક્ત ડોલતા હતા. જ્યારે ‘ઝીણી ઝીણી બુંદ પડે છે મેઘની’ એ ટૂંક બોલાણી, ત્યારે પોતે પાણી ઉછાળવા લાગ્યા ને બોલ્યા જે, ‘સંતો! આ વરસાદ આવ્યો,’ એમ રમૂજ કરતાં સૌ બહાર આવ્યા ને વસ્ત્રો બદલી પ્રસાદીના પથ્થર પર માનસીપૂજા કરવા બેઠા. થોડી વારે જાગ્રત થઈને ફરી વાર સૌને મળ્યા. પછી કેરે જતાં માર્ગમાં પુરાણી ધર્મકિશોરદાસજી પર રાજીપો જણાવીને સદ્‍ગુરુઓને કહ્યું જે, ‘તમને આ પુરાણી વૃષપુરથી તેડી લાવ્યા, તેથી એમને રામપુરની કથાનું, ભૂજના કળશનું અને આ ધરાની લીલાનું એ ત્રણેય સમૈયાનું ફળ આપશું.’ પછી સંતોએ કહ્યું જે, ‘અમને રેલે બેસારીને અહીં મોકલનારને પણ એ ફળ આપવું જોશે.’ ત્યારે બાપાશ્રી કહે, ‘ભલે, આપીશું.’ એમ કહીને પોતે રમૂજ કરી કે, ‘સંતો! અમને પણ તમે ભાડું આપજો.’ ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી કહે, ‘તમારું ભાડું કેટલું થાય તે અમે જાણતા નથી.’ ત્યારે પોતે એમ બોલ્યા જે, ‘જેટલું ઉતમ સ્થિતિવાળા અનાદિ મુક્ત મૂર્તિમાંથી સુખ લે છે, તેથી હજારગણું સુખ એક જીવને ઉદ્ધ્રારવાનું શ્રીજીમહારાજ આપે છે.’ ત્યારે સ્વામીશ્રી કહે, ‘એ ભાડું તો મહાપ્રભુજી વિના બીજા કોઈથી અપાય નહિ.’ એમ વાતો કરતા કરતા કેરાના મંદિરમાં ગયા ને ઠાકોરજીને દંડવત્ કરી પાછા સર્વેને મળ્યા. પછી હરિભક્તોના આગ્રહથી ત્યાં ઠાકોરજીને જમાડી, સંતોએ સહિત વૃષપુર આવતાં, માર્ગમાં વાત કરી જે, ‘આપણે આજ ધરામાં લીલા કરી, તેને જે સંભારે તેના ઘાટ- સંકલ્પ ટળી જાય; કેમ કે જ્યારે આપણે નાહતા હતા ત્યારે જળમાં શ્રીજીમહારાજ પ્રત્યક્ષ દર્શન દેતા હતા ને અતિ પ્રસન્નતા જણાવતા હતા. આ વાતની અંતર્વૃત્તિવાળાને ખબર પડે. બીજા જાણે જે, ‘આમ શું રમત કરતા હશે!’ આ વાતથી પ્રાણશંકરભાઈ આદિ બહુ આનંદ પામ્યા.