૨૭૯ - ધ. ધુ. આચાર્યશ્રીએ સંતોને ભૂજ તેડાવ્યા

0:000:00

આ વખતે ધર્મધુરંધર આચાર્યશ્રી વાસુદેવપ્રસાદજી મહારાજ ભૂજમાં આવ્યા; સાથે સદ્‍ગુરુ સ્વામી નારાયણસેવકદાસજી તથા બીજા ઘણા સંતો આવેલા હતા અને આ સદ્‍ગુરુમંડળ વૃષપુરમાં હોવાથી પાર્ષદને મોકલી તેમને આચાર્યશ્રીએ પોતાની પાસે બોલાવ્યા, તેથી સંતો સર્વે ભૂજ જવા તૈયાર થયા. બીજે દિવસ સવારમાં સંતોને ચાલવાનું હતું, તેથી સૌએ વહેલા ઠાકોરજીને જમાડી લીધા, ત્યાં ગાડાં પણ આવી પહોંચ્યાં, તેથી હરિભક્તોએ ચંદન તથા ફૂલના હાર પૂજા કરવા તૈયાર કરેલા, તે લઈ બાપાશ્રી પોતે સંતોને ચંદન ચર્ચવા ઊઠ્યા. એ જોઈ સ્વામી ઈશ્વરચરણદાસજી ઊભા થઈ ગયા ને બોલ્યા જે, ‘તમે બેઠા રહો ને પ્રથમ સંતોને પૂજા કરવા દ્યો.’ બાપાશ્રી કહે, ‘સંતો પધારે ત્યારે અમારે પૂજા કરવી ખપે!’ એમ કહી ઉતાવળા ચંદનના તાંસળામાં પાંચે આંગળાં બોળ્યાં, ત્યારે સ્વામીશ્રીએ ચંદનવાળે હાથે બાપાશ્રીની પહેલી પૂજા કરવાનો આગ્રહ ઘણો કર્યો, એમ બન્ને તાણખેંચ કરતાં બાપાશ્રી તથા સદ્‍ગુરુઓએ પરસ્પર ચંદન ચર્ચ્યાં.