૬૫૦ - ગોડપરમાં જ્ઞાનવાર્તા અને સંતો સાથે રમુજ
ગોડપરમાં તો એક દિવસ જ રહ્યા, પણ હરિભક્તો સૌ રાજીરાજી થઈ ગયા. સવારમાં કથાવાર્તા કરી ઠાકોરજીને જમાડ્યા પછી સભામાં સ્વામી શ્વેતવૈકુંઠદાસજી પર પ્રસન્નતા જણાવીને બાપાશ્રી બોલ્યા જે, 'આ અમારા પુરાણી છે, તે સૌને મહારાજની કથારૂપ અમૃતરસ પીવરાવે છે.' પછી સદ્ગુરુ સ્વામી વૃંદાવનદાસજી બેઠા હતા ત્યાં તડકો આવ્યો, તેથી એ જરા ખસીને બેઠા, ત્યારે બાપાશ્રી કહે, 'સ્વામી! સૂર્યનું તેજ ઝિલાતું નથી તો ધામનો પ્રકાશ કેમ ઝીલશો?' ત્યારે સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી કહે, 'આ સ્વામી જેવાને તેજ ન નડે,' -એમ રમૂજ કરતાં ત્યાં પણ હરિભક્તોના આગ્રહથી બાપાશ્રી ગામમાં પધારી સહુને દર્શન દઈ રાજી કરી આવ્યા.
વળી સભાપ્રસંગે બાપાશ્રી હરિભક્તોને કહેવા લાગ્યા જે, 'આ સંત નિર્ભય નાણું છે, તે જોગ કરી લેજો. નંદરાજાને નાણું કામ ન આવ્યું, તેમ જે મહિમા જાણી જોગ નહિ કરે તેને નંદરાજા જેવું થશે. આ સંત મૂર્તિમાં રહેનારા છે, તેને કેટલાક બાળક જેવા છે, તે સમજી શક્તા નથી.' પછી ઘણી વાર મહારાજના મહિમાની વાતો કરીને કહ્યું જે, 'હરિભક્તો! આ વાતો સમજાય છે કે તુંબડીમાં કાંકરા ખખડાવ્યા જેવું થાય છે?' પછી વળી એમ બોલ્યા જે, 'આ દેશના સત્સંગી બધા વિશ્વાસી છે, પણ વિશ્વાસવાળાએ સાચાને ઓળખી રાખવા જોઈએ. જો સાચી વસ્તુ ન ઓળખાય તો તો મરવા જેવું થાય. માટે સાધુને ઓળખવા ખપે, તેમ આવા મોટાનો વિશ્વાસ પણ જોઈએ,' -એમ કહી સૌ હરિભક્તોને રાજી કરતા બાપાશ્રી તથા સંતો ત્યાંથી ચાલ્યા, તે માર્ગમાં નારાયણપુરના હરિભક્તોને દર્શન દઈ વૃષપુર પધાર્યા.