૭૦૨ - મુક્તરાજ નાગજીભાઈ પર રાજીપો જણાવ્યો
ત્યાર પછી મુક્તરાજ નાગજીભાઈએ હરિભક્તો સાથે પોતાને ગામ જવા ઇચ્છા જણાવી બાપાશ્રીની ચંદન-પુષ્પહારથી પૂજા કરી. ત્યારે બાપાશ્રીએ પણ તેમની એવી જ રીતે પૂજા કરી પ્રસન્નતા જણાવી. સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, ‘આ નાગજીભાઈ જ્યારથી તમારા ભેળા અહીં આવતા થયા છે ત્યારથી તેમનો એવો ને એવો દિવ્ય ભાવ છે, ધ્યાનની લટક પણ એવી કે જ્યારે જુઓ ત્યારે અંતરવૃત્તિએ બેઠા હોય: વળી સંત-હરિભક્તોનો મહિમા ઘણો, સત્સંગમાં કોઈને કાંઈ દુઃખ દેખે તો એ દુ:ખાઈ જાય, તેમ બનતી સેવા કરે.’ ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે, ‘બાપા! આપ કહો છો એવા જ એ છે. પોતે અમદાવાદ, મૂળી વગેરે ધામમાં આવ્યા હોય ત્યારે સંતો પાસે બહુ નિર્માનીપણું જણાવે છે, પણ તેમની વાતોમાં મહારાજ વિના બીજો પ્રસંગ નહિ.’ એવાં વચન સાંભળી બાપાશ્રી કહે, ‘આ તો સિદ્ધમુક્ત છે ને સદાય પરભાવમાં વર્તે છે. એમને મહારાજ સાથે એકતા છે. અમે આવા મુક્તને જોઈને બહુ રાજી થઈએ છીએ.’ એમ પ્રશંસા કરતાં ફરી વાર એ સહુને મળીને ગામબહાર વાડીના નાકા સુધી વળાવવા ભેળા ચાલ્યા. પછી આજ્ઞા કરી જે, ‘હવે ગાડે બેસી જાઓ’. એ વખતે મુક્તરાજ નાગજીભાઈએ કહ્યું જે, ‘બાપા! સદાય ભેળા રાખજો.’ ત્યારે બાપાશ્રી કહે, ‘આપણે તો મહારાજની મૂર્તિમાં સદાય ભેળા જ છીએ.’ એમ અતિ રાજીપો જણાવી તેમને વિદાય કર્યા.