૪ - પાંચાભાઈને દિવ્ય ખજૂર જમાડી

0:000:00

એક વખત પાંચાભાઈને શરીરે તાવ આવેલ હતો, તેથી બેચાર દિવસ કાંઈ જમાણું નહિ. દેવબાઈ જમવાનું પૂછે ત્યારે કહે, ‘મને કાંઈ ભાવે તેમ નથી.’ એ વખતે ઘરમાં બાજરો, ખીચડી કે નાગલી સિવાય બીજું કાંઈ નહિ, એવો દુર્બળ વ્યવહાર હતો. આથી દેવબાઈ ઉદાસ થઈ ગયાં. બીજી વાર પૂછ્યું ત્યારે પાંચાભાઈ કહે, ‘ખજૂર હોય તો થોડીક ખાઉં.’ આ વચન સાંભળી દેવભાઈની આંખોમાં આંસુ આવી ગયાં, ‘એકબે ઢીંગલાની ખજૂર તો ખાશેય નહિ, પણ ઢીંગલા ઘરમાં નથી, તે કોઈકને ત્યાં લેવા જવું પડશે.’ એ વખતે આ મુક્તરાજ કહે, ‘લ્યો મા! હું ખજૂર લઈ આવું.’ એમ કહી જરા વારમાં તો લૂગડામાં ખજૂર લઈને આવ્યા. તે ખજૂર જાણે આ લોકની જ નહિ એ જોઈ દેવબાઈની ઉદાસીનતા ટળી ગઈ. પછી પૂછ્યું જે, ‘ભાઈ! આ નવી ખજૂર ક્યાંથી? કેટલી છે? ઢીંગલા ક્યાંથી લીધા?’ ત્યારે આ મુક્તરાજ કહે, ‘મા! તમે બહુ દિલગીર થઈ ગયાં, તેથી મને એમ થયું જે ગમે ત્યાંથી ઢીંગલા લઈને ખજૂર લાવું; ત્યાં તો માર્ગમાં મહારાજ હાથમાં ખજૂર લઈને આવતા હતા, તે સામા મળ્યા, અને મને એ ખજૂર આપી પોતે જતા રહ્યા.’ આ વાત સાંભળી દેવબાઈ બહુ રાજી થયાં અને જાણ્યું જે, આપણા ઉપર શ્રીજીમહારાજની આવડી દયા! પછી પાંચાભાઈને ખજૂર જમાડી ને દેવબાઈએ પણ પ્રસાદી લીધી. તે રાત્રે પાંચાભાઈને આ મુક્તરાજ સાથે શ્રીજીમહારાજે સ્વપ્નમાં દર્શન આપી અત્યંત પ્રસન્નતા જણાવી હતી. ત્યારથી તેમને ઘણો આનંદ થયો અને તે પણ દેવબાઈની પેઠે દિવ્યભાવે મહિમા જાણવા લાગ્યા.