૨૭૫ - નારાયણપુરમાં દિવ્યરૂપે દર્શન

0:000:00

વૃષપુરમાં નાનામોટા હરિભક્તો દર્શન કરી રાજી થયા અને પોતે તો મંદિરમાં જઈ ઠાકોરજીનાં દર્શન કરતાં જ માથે ઓઢી ધ્યાને યુક્ત બેઠા અને એ જ વખતે નારાયણપુરમાં ધનજીભાઈના ઘેર પોતે દિવ્યરૂપે દર્શન આપ્યાં, ત્યારે તેમના ઘરમાં કેસરબાઈ બાપાશ્રીને જોઈ રાજી થયાં ને ‘જય સ્વામિનારાયણ’ કરી પગે લાગ્યાં, પણ તે વખતે ધનજીભાઈના દીકરા લાલજીભાઈની ચૌદ દિવસની નાની દીકરી બહુ માંદી હતી, તેથી ઘરના સૌ તેના સામું જોઈને બેઠા હતા, તેથી કેસરબાઈએ બાપાશ્રીને કહેવા માંડયું જે, ‘બાપા! આ ગગી જન્મી ને પાંચ-છ દિવસ થયા ત્યારની માંદી થઈ ગઈ છે. આ ટાણે તમે અહીં આવ્યા તે એનાં બહુ મોટાં ભાગ્ય!’ ત્યારે બાપાશ્રી કહે, ‘બાઈ! સત્સંગમાં જે જીવ આવે તે એવા જ હોય.’ આ દીકરી નાની લાગે છે, પણ જીવ બળિયો ઘણો છે. નહિ તો તેને આવો જોગ ક્યાંથી આવે!’ આમ બોલ્યા. બાપાશ્રીનાં આવાં વચનથી કેસરબાઈને એમ થયું જે, ‘આ ગગી હવે રહે કે ન રહે, પણ ટાણે બાપાશ્રી આવ્યા તે કામ ભારે થયું.’ પછી થોડી વાર બાપાશ્રી ત્યાં બેઠા ને ઘરમાંથી પાણી મગાવી તેમાં પોતે પ્રસાદી નાખી ને બોલ્યા જે, ‘આ પાણી જરા ગગીના મોઢામાં રેડજો ને થોડું શરીર પર ચોપડજો. એ દીકરીને મહારાજ તેડી જશે, તમે કોઈ શોક કરશો મા, જીવ બળીઓ છે, તમારે ઘેર અધૂરું પૂરું કરવા આવેલ છે. આ બિચારી મારી વાટ જોઈ રહી હતી,’ એમ કહી ‘જય સ્વામિનારાયણ’ કહી તુરત જ અદૃશ્ય થઈ ગયા, તેથી ઘરમાં સૌ આશ્વર્ય પામી ગયાં ને એ દીકરીએ પણ તુરત દેહ મેલ્યો. એમ એ ચૌદ દિવસની નાની દીકરીને વૃષપુરમાં રહ્યા થકા પોતે નારાયણપુરમાં દિવ્યરૂપે દર્શન આપી મહારાજના સુખમાં પહોંચાડી દીધી. આ વાતની વૃષપુરમાં ખબર પડતાં ત્યાંના હરિભક્તો જે એ ટાણે પાસે હતા તે પણ વિસ્મય પામ્યા.