૩૮૪ - ચરણારવિંદ તથા હનુમાનજીની પ્રતિષ્ઠા
છેલ્લે દિવસે ગામોગામથી મંડળીઓ આવતાં ઉત્સવની ધામધૂમ થવા લાગી. પારાયણની સમાપ્તિ પછી મિસ્ત્રી ગોવાભાઈ તથા તેમના પુત્રોએ પુરાણી તથા પુસ્તક અને બાપાશ્રી વગેરેની ચંદન-પુષ્પથી પૂજા કરી, ઠાકોરજીને ભેટ મૂકી સંતોને વસ્ત્રો ઓઢાડ્યાં. પછી તળાવની પાળ ઉપર ચરણારવિંદની પ્રતિષ્ઠા કરવાની હતી, તેથી મહારાજની મૂર્તિ તથા ચરણારવિંદ પાલખીમાં પધરાવ્યા ને ચંદન, કુંકુમ તથા ફૂલહારથી પૂજા કરી. આરતી, ડંકા ને છત્રચમર સાથે ઉત્સવ કરતા સંત-હરિભક્તો ચાલ્યા. મંડળીઓમાં કીર્તનની ઝીક વાગતી જોઈને ગામના નાનામોટા સહુ દર્શન કરતા ભેળા ચાલ્યા આવે. સહુની ચંદન પુષ્પહારથી પૂજા થયેલ, એવા દિવ્યમુક્તો હર્ષભર્યા છત્રી પર આવ્યા, ત્યાં વેદોક્ત મંત્રો બોલી ચરણારવિંદ તથા હનુમાનજીની પૂજાનો વિધિ થવા લાગ્યો. તે સમયે જાણે આકાશમાં દેવનાં વિમાન છાઈ રહ્યાં હોય તેમ મેઘાડંબર થઈ રહ્યો હતો ને સંતો અષ્ટક બોલતા હતા. સમય થયો એટલે બાપાશ્રી તથા સંતોએ મળી ચરણારવિંદ તથા હનુમાનજીની પ્રતિષ્ઠા કરી આરતી ઉતારી ‘જય’ બોલાવી. એ વખતે સૌને આનંદ આનંદ થઈ રહ્યો. પછી સૌ ઠાકોરજીની પાલખીએ સહિત પાછા વાજતેગાજતે ગામમાં આવ્યા. સંત-હરિભક્તો, ફૂલહારથી ગરકાવ મહારાજ તથા બાપાશ્રીનાં દર્શન કરે ને હૈયામાં હર્ષ સમાય નહિ. પછી સંત-હરિભક્તોની પંક્તિઓ વખતે પણ મોટા મોટા હરિભક્તોએ સહિત બાપાશ્રીએ પંક્તિમાં સૌને દર્શન આપ્યાં તેથી નાનામોટા હરિભક્તો બહુ જ આનંદ પામ્યા.
એ રીતે પારાયણમાં મિસ્ત્રી ગોવાભાઈ આદિ સહકુટુંબને રાજી કરી સંતોએ સહિત બાપાશ્રી જ્યારે ચાલ્યા ત્યારે ગામના હરિભક્તો ઘણે છેટે સુધી વળાવવા આવ્યા. તેમને ઊભા રાખીને પોતે એમ બોલ્યા જે, ‘સહુ મહારાજના વચનમાં ખબડદાર રહેજો. અમારા શરીરનો હવે કાંઈ નિરધાર નથી, આમ ને આમ ક્યાં સુધી દર્શન દેશું.’ આ વચનથી હેતવાળા સંત-હરિભક્તોનાં હૃદય ભરાઈ આવ્યાં ને જાણ્યું જે, ‘બાપાશ્રીએ આજ આ લોકમાંથી ઉદાસ થયાનું જણાવ્યું,’ તેથી હરિભક્તો ઘણી પ્રાર્થના કરવા લાગ્યા. તે સર્વેને ધીરજનાં વચનોથી સંતોષ પમાડી સિગરામમાં બેસી પોતે વૃષપુર આવ્યા ને સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી આદિ સંતોને આગ્રહ કરી મિસ્ત્રી ડાહ્યાભાઈ સીનોગ્રે તેડી ગયા.
આ પારાયણ પ્રસંગે ઘણો વરસાદ થવાથી ફરતાં ગામડાંઓનાં તળાવમાં છ છ મહિનાનાં પાણી થયાં હતાં ને નદીઓમાં પૂર આવ્યાં હતાં. વાગડ દેશમાં તો વા, ઝડી ને તોફાનથી વીજળી પડતાં ચાર લાખ મણ જેટલું રાજ્યનું ખડ બળી ગયું, એવું દેશાંતરમાં વરસાદનું તોફાન થયું હતું, પણ કુંભારીઆમાં જ ફક્ત બાપાશ્રી ના સંકલ્પથી વરસાદ બંધ રહ્યો હતો.