૬૯૪ - દિવ્ય ગુણોનું પ્રાર્થનારૂપે વર્ણન
આવી રીતે દિવ્ય સભાનાં દર્શન કરી સહુ આનંદ પામતા હતા, ત્યાં કાલાવડથી આવેલા રાજકવિ માવદાનજીએ ઊભા થઈ સંતો પાસે પ્રાર્થના કરી બાપાશ્રીના ગુણનું ને દિવ્યભાવનું વર્ણન કવિતામાં બોલવા માંડ્યું. તેની પ્રથમ ટૂંક એ હતી જે, ‘કળિયુગમાં કલ્યાણકારી આજ અબજીભાઈ છે,’ -આમ દરેક કડિયોમાં છેડે એ જ વચન બોલતાં સૌ આશ્ચર્ય પામી તેમને ધન્યવાદ આપતા હતા. તે કવિતામાં એવો ભાવ જણાવેલો કે આ સમયે સહુને મહારાજનું સુખ પમાડવાનો સુગમ માર્ગ બતાવનાર, આત્યંતિક મુક્તિના કોલ આપનાર, અનાદિ મુક્તની સ્થિતિ કરાવનાર, કણબીકુળમાં પ્રગટ થવા છતાં તત્વજ્ઞાનીને પણ અગમ્ય એવું ગૂઢ જ્ઞાન સહેલાઈથી પ્રવર્તાવનાર, શરણાગતને મૂર્તિમાં જોડનાર, શ્રીજીમહારાજના રહસ્યજ્ઞાનને સમજાવનાર, સંત-હરિભક્તોને પોતાની મહાન સ્થિતિના બળે આકર્ષણ કરનાર, આ લોકમાં આવીને નાનામોટા સહુને મૂર્તિના સુખમાં પહોંચાડવાનો ઠરાવ છે જેમનો એવા, અનેક દિવ્ય ગુણના સમુદ્રરૂપ ‘કળિયુગમાં કલ્યાણકારી આજ અબજીભાઈ છે,’ -આ રીતનું ચાળીશ જેટલી કડીઓનું કવિત બોલી રહ્યા પછી સભામાં સૌએ ‘સહજાનંદ સ્વામી મહારાજની જય’ બોલાવી; પછી પોતાને હાથે જગન્નાથી જેવા ઊજળા વસ્ત્રની બાપાશ્રીના માથે પાઘડી બંધાવીને બોલ્યા જે, ‘મહારાજે મારા પર દયા કરી, જેથી મને આ યજ્ઞમાં બાપાશ્રીને પ્રસન્ન કરવાનો લાભ મળ્યો.’ આ વખતે બાપાશ્રી તો મૂર્તિમાં નિમગ્ન હતા અને જે કોઈ પાઘડીઓ બાંધી રહે ત્યારે પાસે બેઠેલ સેવક તે પાઘડી ઉતારી હેઠે મૂકતા આવે, પણ કવિ માવદાનજીએ છેલ્લી વાર આ પાઘડી બંધાવેલ હોવાથી, આ દિવ્યરૂપ અનાદિ મુક્તરાજનાં નવીન દર્શન ઘણી વાર થતાં સભામાં સૌ રાજી રાજી થઈ રહ્યા હતા. પછી સદ્ગુરુઓ તથા સંતો એક પછી એક ઊઠીને બાપાશ્રીના ભાલે ચંદન ચર્ચી હાર પહેરાવવા લાગ્યા. એ વખતે બાપાશ્રી પણ સંતોને ભાલે ચંદન ચર્ચી ચાંદલા કરતા આવે એમ ઘણી વાર પૂજાવિધિ ચાલતો હતો. આ પ્રસંગે કરાંચીથી આવેલા સોમચંદભાઈ ઊંચે સાદે એક છંદ બોલ્યા જે :-
“હે બાપા, તમ કારણે વૃષપુરે આવ્યા હરિજન ઘણા,
“અંતરમાં ઊભરાય હેત અતિશે જેમાં દીસે ના મણા;
“મૂર્તિમાં રસબસ રહી માવને જુએ સહુ ઘડી ઘડી,
“ભેટે ભૂધરરાય ભાવ ધરીને નીરખી ઠરે છાતડી;
“પ્રેમાશ્રુ વરસે અતિ નયનમાં દેખી દયા બાપની,
“નિર્ભે નોબત ગડગડી સહુ કહે જોઈને સ્થિતિ આપની.”
ત્યાર પછી જામનગરવાળા રતિલાલભાઈ આદિ હરિભક્તો પણ યજ્ઞમહિમા વિષે થોડી વાર બોલ્યા. તે વખતે સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, ‘હવે સહુ રાખો, ઠાકોરજીને જમાડવાનું મોડું થાય છે.’ આમ કહ્યાથી સૌ ‘જય’ બોલ્યા. ત્યાં તો જમવાનો સાદ થયો એટલે સહુ વાડીમાં પહોંચ્યા ને પંક્તિઓ થવા માંડી.