૪૭૮ - ધર્મશાળાનું કામ ચાલતું કર્યું
બાપાશ્રી ભારાસરથી વૃષપુર આવ્યા પછી એક દિવસ પુરાણી કેશવપ્રિયદાસજીને કહે કે, ‘હમણાં તમે કથાવાર્તાનો ખટકો રાખી હરિભક્તોને રાજી કરી મૂકજો. અન્નકૂટ પછી આપણે ધર્મશાળાનું કામ ચલાવવું છે, તે ટાણે સહુ સેવામાં રોકાશે એટલે કોઈને ટાણું નહિ મળે.’ આમ ભલામણ કરવાથી પુરાણી કેશવપ્રિયદાસજીએ હરિભક્તો પાસે સવાર-સાંજ વચનામૃતની કથા કરવા માંડી. બાપાશ્રી પણ રોજ વહેલા પરવારી સભામાં આવી જતા. બપોર પછી સાંજ સુધી ને સંધ્યાઆરતી પછી ઠાકોરજી પોઢે ત્યાં સુધી કથાવાર્તા ચાલતી જ હોય. હરિભક્તો જાય ને આવે, પણ સભા તો બેઠી જ જણાય. સવારે વચનામૃત વંચાય ને રાત્રે ભક્તચિંતામણિની કથા થાય. પ્રસંગે પ્રસંગે પુરાણી કેશવપ્રિયદાસજી મહારાજની મૂર્તિ ધારી વાતો કરે, તેથી સભામાં સહુને આનંદ આનંદ થઈ જતો. બાપાશ્રી તો સભામાં બેઠા હોય, કાં ઘેર કે વાડીએ જાય, પણ તેમને તો ધર્મશાળાનું કામ પૂરું થયા પછી મોટો યજ્ઞ કરવાની ઇચ્છા હોવાથી ઝીણાભાઈ, અણદાભાઈ, વાઘજીભાઈ, અરજણભાઈ વગેરે પોતાને વિષે હેત-રુચિવાળા તેમ જ રામપુરના દેવરાજભાઈ, નારાયણપુરના ધનજીભાઈ તથા ભારાસરના રામજીભાઈ અને કેરા, દહીંસરા આદિ ગામોના મોટા મોટા હરિભક્તોને એ વાત જણાવતા હતા. એમ કરતાં અન્નકૂટનો દિવસ આવ્યો ત્યારે પોતે ભૂજ દર્શને ગયા, ત્યાં પણ ગામગામના હરિભક્તોને આ વાત જણાવી પાછા વૃષપુર આવ્યા.
બાપાશ્રીને હવે તુરત કામ ચાલતું કરવાનો વિચાર હતો, પણ વચમાં પોતાને થોડું વ્યાવહારિક કામ આવી જવાથી એક મહિના પછી ધર્મશાળાનું કામ ચાલતું કર્યું. ગામના હરિભક્તોને આવા કામની હોંશ ઘણી, તેથી સૌએ નોખી નોખી સેવાનું કામ વહેંચી લીધું. કોઈએ ચૂનાનું તો કોઈએ પાણા કાઢવાનું, કોઈ રેતી લાવે તો કોઈ પાણી લાવે, કેટલાક પાયા ખોદવાના કામમાં રોકાણા; આમ સહુ જુદું જુદું કામ સંભાળતા હોવાથી બાપાશ્રીને તો ફક્ત કામ બતાવવાનું કે દર્શન દેવાનું એવું જ કામ રહેતું.
રોજ સવારમાં નાનામોટા હરિભક્તો કામે ચડી જાય ને એવી જ રીતે એક કોર કડિયા પાસે હનુમાનજીની મૂર્તિ તૈયાર કરવાનું કામ ચાલતું કર્યું. બાપાશ્રી સેવા કરનારા હરિભક્તોને બોલાવે, પ્રસાદી વહેંચી આશીર્વાદ આપે. ક્યારેક કામ ચાલતું હોય ને પોતે મહારાજ કે મોટાની રમૂજી વાતો કરવા માંડે ત્યારે કામ મૂકી સહુ વાતો સાંભળે ને સભા ભરાઈ જાય તે ઘણી વારે પાછું કામ ચાલે, ક્યારેક સૌ કામ કરતા હોય ને વચમાં પોતે પાઘડી ઓશીકે મૂકી સૂઈ જાય. આમ ધર્મશાળાનું કામ ચાલ્યા કરતું હતું.