૪૫૪ - મેડામાં દિવ્યરૂપે મૂર્તિઓની પ્રતિષ્ઠા

0:000:00

ત્યાર પછી સંવત ૧૯૭૬ના માગશર વદ આઠમને દિવસે ગામ મેડાના મંદિરમાં શ્રીજીમહારાજની મૂર્તિઓ પધરાવવાનું મુહૂર્ત હતું. તે ઉપર બાપાશ્રીને તેડાવવાનો વિચાર કરી એ ગામના હરિભક્તોએ ઠાકોરજીની સેવામાં રહેતા માસ્તર નરભેરામને વૃષપુર મોકલ્યા. ત્યાં તેમણે બાપાશ્રીને મેડા પધારવા ઘણી પ્રાર્થના કરી ત્યારે તેમને બાપાશ્રી કહે, ‘મારાથી આ ફેરે આવી નહિ શકાય, કેમ કે મારે શરીરે હજી બરાબર રહેતું નથી, પણ ત્યાં જઈને તમે સૌ હરિભક્તોને કહેજો કે, હું દિવ્યરૂપે સદાય તમારા ભેગો છું ને પ્રતિષ્ઠા વખતે પણ એ રીતે પાસે રહીશ.’ માસ્તર નરભેરામને એવી હિંમત હતી કે ગમે તેમ કરીને બાપાશ્રીને રાજી કરી પ્રતિષ્ઠા વખતે હું તેડી લાવીશ, પણ બાપાશ્રીએ તો એવું કહ્યું કે,' તેમનાથી કાંઈ બોલી શકાય એવું ન રહ્યું તેથી ઢીલા થઈ ગયા.' તે જોઈ બાપાશ્રીએ તેમના માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યો કે, 'તમે રાજી થઈને જાઓ ને સિંહાસનમાં વચલી મોટી મૂર્તિ પધરાવવાની ઉછવણીમાં ત્યાંના મોહનભાઈ પાંચસો રૂપિયા આપે ને એ મૂર્તિ તમારે હાથે પધરાવાય તો જાણજો કે એ વખતે હું ત્યાં આવ્યો છું.' પછી એ માસ્તર નરભેરામ વિપ્ર મેડે આવ્યા પણ મનમાં વિચાર આવ્યો જે,' બીજું કરે બધું એ ઠીક, પણ બાપાશ્રીએ મારે હાથે મૂર્તિ પધરાવવાનું કીધું છે તે કેમ બનશે?' એમ કરતા જ્યારે પ્રતિષ્ઠાનો દિવસ આવ્યો ત્યારે એવો જ જોગ બન્યો જે, બાપાશ્રીના કહેવા પ્રમાણે મોહનભાઈએ પાંચસો રૂપિયા ભેટ કરી ને એ મોટી મૂર્તિ નરભેરામભાઈના હાથે જ પધરાવવામાં આવી, તેનું કારણ મોહનભાઈ ઉછવણીના કામમાં રોકાયા હતા તેથી પોતે જ કહ્યું જે, 'તમે મહારાજના સેવક છો ને મહા પવિત્ર છો તે મારે બદલે તમે પધરાવો.' પછી પૂજારી નરભેરામભાઈએ આ વાત ગામના હરિભક્તોને કરી, તેથી સહુ રાજી થયા ને જાણ્યું જે, 'પ્રતિષ્ઠા વખતે આનંદ આનંદ થઈ રહ્યો હતો તેનું કારણ બાપાશ્રી દિવ્યરૂપે જરૂર આવેલા જ હશે.'