૫૬૦ - રંગ-ગુલાલથી પૂજા ને રહસ્યવાત

0:000:00

થોડા દિવસ પછી ભૂજમાં ફૂલડોલનો સમૈયો આવ્યો, પણ બાપાશ્રી ભૂજ દર્શન કરવા જઈ શક્યા નથી, એવા ખબર નારાયણપુરના હરિભક્તોને પડતાં ધનજીભાઈના ત્રણે દીકરા તથા ખીમજીભાઈ, શામજીભાઈ વગેરે કેટલાક હરિભક્તો ફૂલના હાર તૈયાર કરી બાપાશ્રીનાં દર્શન કરવા વૃષપુરમાં આવ્યા. ત્યાં સૌએ પ્રથમ મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કર્યાં પણ મોડું થઈ જવાથી બાપાશ્રી હમણાં જ વાડીએ ગયા, એવું હરિભક્તો પાસેથી સાંભળ્યું. પછી સૌએ ત્યાં જ ચંદન ઘસી, રંગ પલાળી, મહારાજની ફૂલના હારથી પૂજા કરી, થોડાં રંગનાં છાંટણાં તથા ગુલાલ નાખ્યો; પછી એ સામગ્રી લઈ સહુ વાડીએ ગયા, ત્યાં બાપાશ્રી જાંબુડાના વૃક્ષ નીચે ખાટલા પર બેઠા હતા ને પાસે થોડાક હરિભક્તો હતા. ત્યાં આ હરિભક્તોએ જઈ હર્ષભર્યા દંડવત્ કરી શ્લોક બોલતા બોલતા ચંદન ચર્ચી હાર પહેરાવવા માંડ્યા, તે જોઈ બાપાશ્રીના પુત્ર, પૌત્રાદિક તથા વાડીમાં કામ કરનારા સૌ આવીને ઘેરી વળ્યા. ફૂલના હાર ઘણા હતા એટલે એક પછી એક સહુ પહેરાવતા આવે ને શ્લોક બોલે. એમ હારથી કંઠ ને છાતી ભરાઈ ગઈ. એટલે બાપાશ્રીએ એક એક હાર કાઢી એ સૌને પહેરાવ્યો. પછી હરજીભાઈ તથા ખીમજીભાઈએ બાપાશ્રી પર રંગ-ગુલાલ નાખી અયોધ્યાપ્રસાદજી મહારાજનાં કીર્તન બોલવા માંડ્યાં ત્યારે બાપાશ્રીએ પણ રાજી થઈ સૌ પર રંગનાં છાંટણાં ને એક એક ગુલાબની મુઠ્ઠી નાખી, તેથી સહુ રંગ-ગુલાલમય થઈ ગયા; પછી એ હરિભક્તો જારની ધાણી અને દાળિયા લાવેલા, તે પ્રસાદી બાપાશ્રીએ સહુને વહેંચી ને બોલ્યા જે, ‘હવે ખૂબ ગરબીઓ ગાઓ ને મહારાજને રાજી કરો.’ એમ કહેવાથી હરિભક્તો હર્ષભર્યા ઘણી વાર કીર્તન બોલ્યા. તે વખતે પોતે વચમાં ઉઘાડે શરીરે ચંદન-હારથી શોભતા ધ્યાને યુક્ત બેઠા હતા. પછી હરિભક્તો કીર્તન ગાઈ રહ્યા ત્યારે પોતે પાસે બેસારીને સૌને વાત કરી જે, ‘મહારાજ ને મુક્ત દિવ્ય છે, તેને દિવ્ય જાણવા એ જ મોટી ઘાંટી છે. જીવ બીજાં સાધન બધાંય કરે, પણ જે કરવાનું છે તે ઉપર તાન નહિ. મહારાજે સહુને પોતાના દિવ્ય મુક્તની પંક્તિમાં ભેળવવા માટે આવા સમૈયા કર્યા છે, તેથી જો એવો ભાવ રહે તો મહારાજ ને મુક્ત રાજી થાય. સત્સંગમાં કેટલાક કહે છે કે, ચડતો રંગ રાખવો તે આ લૂગડાં ઉપરનો રંગ ન જાણજો. આ રંગ તો ઠેઠ ચૈતન્ય ભૂમિકામાં ઊડે છે અને મહારાજ ને મુક્ત સર્વે રંગમાં રસબસ થઈ રહે છે. ચંદન-પુષ્પની પૂજાઓ પણ બધી ત્યાં જ થાય છે એમ જાણવું. એ જ ખરો આનંદ ને એ જ ખરું સુખ !’ એમ વાત કરી સહુ હરિભક્તોને ઊભા થઈ મળ્યા ને કહ્યું જે, ‘તમે અહીં આવીને અમને ફગવાની પ્રસાદી આપી ત્યારે અમે તમને ફગવા સાટે મળ્યા.’ એમ સહુને રાજી કરી હરિભક્તોએ સહિત બાપાશ્રી મંદિર પધાર્યા.

આ રીતે ઉત્સવ-સમૈયા નિમિત્તે કે સાધારણ પ્રસંગે અવરભાવમાંથી પરભાવનું મનન કરાવતાં સહુને એમ જણાઈ જતું જે, ‘બાપાશ્રીને મહારાજની મૂર્તિ વિના બીજી કોઈ વાતની તાણ નથી.’ પોતે ઘેર, મંદિર કે વાડીએ હોય અથવા તો કોઈ વાર ગામમાં ગયા હોય, પણ જ્યાં કાંઈક વાત નીકળે ત્યારે પાધરું મહારાજનું વર્ણન કરવા માંડે, દૃષ્ટાંત આપે તોય એવાં. સંતો આવ્યા હોય ત્યારે સભામાં કથાવાર્તા પ્રસંગે જો કાંઈક મૂર્તિ વિના બીજી વાત ચાલતી હોય તો તે વખતે તો ન જણાવે, પણ સભા ઊઠ્યા પછી ભલામણ કરે કે, ‘આપણે વાતો કરતાં મૂર્તિરૂપ નિશાન ચૂકવું નહિ ને સર્વે વાતમાં મૂર્તિનું બીજ લાવવું, તે વિના મહારાજ રાજી ન થાય.’ આ પ્રકારે સહુને રાજી કરતા હતા.