૧૦૬ - અ .મુ. સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીનો પ્રતાપ
એક વખત એકાદશીનો દિવસ હતો ને સવારની સભામાં વચનામૃતની કથા વંચાતી હતી, તેમાં એવો પ્રસંગ નીકળ્યો જે, ‘ભગવાનના ભક્તને માથે કાળ, કર્મ ને માયાનો હુકમ નથી,’ એ કઈ રીતે? પછી જેને જેમ સમજાતું હતું તેમ એકબીજા માંહોમાંહી વાતો કરવા લાગ્યા. તે વખતે ભાઈશ્રી બોલ્યા જે, ‘જેને એક શ્રીજીમહારાજનો જ આધાર હોય, તેના પાસે એ કોઈનું કાંઈ ચાલે નહિ. અને એ ભક્તને પણ કોઈની બીક ન લાગે. અને જે સ્વતંત્ર અનાદિ મુક્ત હોય તેની તો વાત જુદી ને સામર્થી યે જુદી. તેને તો જે જાણતા હોય તે જાણે.’ એમ કહીને વાત કરી જે, ‘મહારાજે એક વાર અનાદિ મુક્તરાજ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું જે, ‘તમે ઝાડી દેશમાં સત્સંગ કરાવવા જશો?’ ત્યારે સ્વામીશ્રી કહે, ‘ભલે, મહારાજ! જેમ આજ્ઞા કરો તેમ.’ આ વાતની ખબર પડી એટલે મંડળના સાધુ પરસ્પર કહેવા લાગ્યા જે, ‘સ્વામીશ્રીએ હા પાડી, પણ એ દેશમાં વાઘ બહુ છે, તેથી ત્યાં કેમ રહેવાશે?’ એમ માંહોમાંહી વાતો કરે પણ કોઈ સ્વામીશ્રીને કહી શકે નહિ. પછી જવું હતું તે દિવસ સહુ મહારાજને દંડવત્ કરી મળીને ચાલ્યા. ત્યારે માર્ગમાં સાધુઓએ કહ્યું જે, ‘સ્વામી! એ દેશમાં વાઘ ખાઈ જાય એવા છે.’ ત્યારે સ્વામી કહે, ‘એનું કાંઈ નહિ. જેણે ગર્ભમાં રક્ષા કરી છે, એના યે રક્ષા કરશે.’ એમ કહી એ દેશમાં ગયા ને ગામોગામ ફરી મહારાજના અદભુત પ્રતાપની વાતો કરવા લાગ્યા. સંતો દિવસે ગામમાં ફરે, વાતો કરે અને ભિક્ષામાં જે મળે તે જમી લે. રાત પડે એટલે સ્વામી વગડામાં આસન કરાવે; એ ટાણે ઘણીયે મૂંઝવણ થાય, પણ શું કરે? કેમ કે સૌ મોક્ષના ખપવાળા. એ વખતે સ્વામી આસન ફરતો એક લીંટો તણો ને કહે જે, ‘હવે સૌ બીક મૂકીને ધ્યાન-ભજન કરો.’ પછી કોઈ ધ્યાન કરે ને કોઈ માળા ફેરવે; રાત અંધારી હોય, તેથી છેટે કાંઈ દેખાય નહિ ને વાઘ આવીને ગર્જના કરે, ત્રાડો નાખે, એટલે સંતો બીવા માંડે, પણ વાઘ આદિ કોઈ હિંસક જનાવર એ લીંટાની માંહી આવી શકે નહિ. એવું જોઈ ધીરે ધીરે સૌને શાંતિ આવી. એક દિવસ રાત્રે આસન કર્યા પછી જાણે ઇંદ્ર કોપાયમાન થયો હોય તેમ ખૂબ વરસાદ વરસવા લાગ્યો. સાથે વા-ઝડી, વીજળીના ઝબકારા ને કડાકા થયા. સંતોએ જાણ્યું જે, ‘હવે શું થશે?’ જ્યાં દૃષ્ટિ જાય ત્યાં પાણી પાણી દેખાય ને એમ લાગે જે, ‘હમણાં બધેય ફરી વળશે.’ ચારેકોર પાણી ઉછાળા મારે, પણ સ્વામીશ્રીની કૃપાથી લીંટાની માંહી ન આવે. જાણે પાળ બાંધી હોય તેમ થઈ ગયું, તેથી સંતો આશ્ચર્ય પામી ગયા.
એક વખત અનાદિ મુક્તરાજ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીને મહારાજે ફરી વાર એ જ દેશમાં મોકલ્યા, ત્યારે એક ગુફામાં સંતોને ધ્યાન કરવા બેસાર્યા; અને તે સંતોને બદલે પોતે સંકલ્પ કર્યો તેથી જે જે ગામ જવું હતું, ત્યાં એવા ને એવા જ સંતો તથા પોતે દેખાણા. એ રીતે છ મહિના થયા ત્યાં સુધી ગામોગામ દર્શન દેતા ને મહારાજના પ્રતાપની વાતો કરતા ઘણો સત્સંગ કરાવ્યો. પણ જ્યારે વડતાલ આવવું હતું, ત્યારે જે સંતોને ગુફામાં ધ્યાન કરવા બેસાર્યા હતા, તેને જગાડીને નવા થયેલા સત્સંગી-હરિભક્તોનું મંડળ સાથે લઈને વડતાલ પહોંચ્યા. તે વખતે મહારાજે સભામાં સંતોની ચંદનપુષ્પે પૂજા કરીને સ્વામીશ્રીના આ અદભુત પ્રતાપની સૌને વાત કરી; તેથી સાથે ગયેલા સંતો તથા હરિભક્તો સહુ આશ્ચર્ય પામ્યા. આવી રીતે અનાદિ મુક્ત એક સંકલ્પ કરે, એટલામાં તો અનંત કોટિ બ્રહ્માંડમાં જે ધારે તે થાય, કેમ કે એ તો મહારાજરૂપ છે, તેને મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહિ. તોપણ જીવને એ વાતની ખબર ન પડે, એટલે મનુષ્ય જેવા જાણે, તેથી રાજી કરી શકે નહી ને ઊલટો કુરાજીપો થાય એવું કરે.
આવા મહાસમર્થ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીને ફરી વાર મહારાજે વડોદરે મોકલ્યા ત્યારે પણ બહુ સામર્થી જણાવી ને જેમ જેને સમાસ થાય તેમ કરવા મંડ્યા. કોઈને સમાધિએ, કોઈને શાસ્ત્રે, કોઈને યોગબળે અથવા ઉપદેશવચને –એમ ઘણાને સત્સંગ કરાવ્યો. આવો અલૌકિક પ્રતાપ જોઈ અજ્ઞાની ને આસુરી જીવ હતા તે બળી ઊઠયા, તેથી તેણે દુષ્ટ સ્ત્રીઓને સમજાવી સ્વામીશ્રીને ઓળખાવ્યા ને કહ્યું જે, ‘આ સાધુ અંધારામાં નાહવા નીકળે છે, ત્યારે તમારે એવો કોઈ લાગ જોઈ રાડો પાડવી, હો હો કરી ફજેતો કરવો ને આબરૂ પાડવી.’ સ્વામીશ્રી તો સ્વતંત્ર મૂર્તિ, એને શું? તે તો બીજે દિવસે સવારમાં વહેલા મંડળસહિત નાહવા ગયા. નિર્લજજ સ્ત્રીઓ તો વાટ જ જોતી હતી. તેમણે છેટેથી ખબર રાખી. જ્યારે સ્વામી તુંબડું ભરી શૌચ જવા ગયા, ત્યારે એ દુષ્ટ સ્ત્રીઓ હો હો કરતી દોડતી દોડતી પાછળ જવા લાગી. સ્વામીશ્રી તો ત્યાં જ નાડી-પ્રાણનો સંકેલો કરી અક્ષરધામમાં ચાલ્યા ગયા. આ દુષ્ટ સ્ત્રીઓએ છેટેથી સ્વામીને પડી ગયા જોઈ જાણ્યું જે, ‘આ તો મરી ગયા;’ તેથી તેમણે આવા કામમાં પ્રેરેલ પાપી પુરુષોને આ વાત જણાવી પોતાને માથે વાંક આવ્યાની બીકે તે તો ભાગી જ ગઈ. પછી દુષ્ટ માણસો મળી વિચાર કરવા લાગ્યા જે, ‘હવે આનું શું કરવું? આને તો કાંઈક થઈ ગયું!’ કોઈ કહે, ‘આ બાવો જાદુગારો છે ને એના પાસે જબ્બર વિદ્યા છે,’ ત્યારે કોઈ કાંઈ ને કોઈ કાંઈ બોલતાં, ઉતાવળા ઉતાવળા લૂગડામાં બાંધી ઘેર ઉપાડી ગયા ને એક ઓરડામાં પૂરી દીધા. હજુ અંધારું મટ્યું નહોતું. દુષ્ટ માણસોને આમ કરતાં મૂંઝવણ એ થઈ કે, ‘આ સાધુ દેહ મૂકી ગયા જણાય છે, એકબે દિવસ જોઈએ; કાંઈક મંત્રબળ કે યોગવિદ્યા હશે તો જાગશે! નહિ તો આપણે ઠેકાણે પાડી દેશું.’ એમ વિચાર કર્યો. હવે મંડળના સાધુઓ તો સ્વામીશ્રીની વાટ જોઈ જોઈને થાક્યા કે, ‘સ્વામી ક્યાં?’ આસપાસ ફરી બધેય જોયું, પણ પાપી માણસો પોતાની જગ્યામાં લઈ ગયા તે અહીં ગોતતાં ક્યાંથી મળે? છેવટે સંતો દિલગીર થઈને મંદિર ગયા. ગામમાં હરિભક્તોએ જાણ્યું એટલે એ પણ શોકાતુર થયા. સંતો તથા બાઈ-ભાઈ નાનામોટા કોઈ જમ્યાં નહિ. બીજે દિવસે એક હરિભક્તે વડતાલમાં જઈને આ વાત કરી, તેથી શ્રીજીમહારાજ પણ ઉદાસ થઈ ગયા ને થાળ જમ્યા નહિ. એટલે કોઈ સાધુ, બ્રહ્મચારી, પાર્ષદ પણ જમ્યા નહિ. સભા બધી શોકાતુર થઈ ગઈ. મહારાજ તો સભામાં ન આવે, તેમ જમે પણ નહિ. વડોદરામાં સંતનું મંડળ હતું તે પણ વડતાલ આવતું રહ્યું. મહારાજ કહે, ‘કોઈ સ્વામીને ગોતી લાવે તેને સદાય મારી સેવામાં રાખું, અને જે માંગે તે આપું. જો એ સ્વામી નહિ આવે તો અમે સત્સંગમાં નહિ રહીએ! અમને સત્સંગમાં રાખવા હોય તો કોઈ સ્વામીને ગોતી લાવો.’ એ વખતે માંહોમાંહી કોઈને એવા સંકલ્પ થઈ ગયા કે, ‘સ્વામીએ યોગ સિદ્ધ કર્યો છે, તે ક્યાંઈક જતા રહ્યા હશે. એ તો જ્યાં જશે ત્યાં ભગવાન થઈને પૂજાશે, પણ આપણે આમ જમ્યા વિના કેટલા દિવસ નભશું? વળી આમ કરતાં જો મહારાજ ઉદાસ થઈ ગયા તો નાનામોટા બધાયને દુ:ખનો પાર નહિ રહે!’ હવે વડોદરામાં શું થયું? તો જે દુષ્ટ માણસો સ્વામીશ્રીને ઉપાડી ગયા હતા, તેઓએ જાણ્યું જે, ‘આ બાવાજી તો ઠેકાણે પહોંચી ગયા જણાય છે; નહિ તો ત્રણ-ત્રણ દિવસ આમ ને આમ ન હોય! જો આ વાત બહાર પડી ને સરકાર સુધી પહોંચી ગઈ તો આપણે વગરમોતે મરી જઈશું, ફાંસીએ ચડાવશે કે તોપે બાંધશે. હવે શું થાય?’ આમ ઘણા પ્રકારના વિચાર્રો કર્યા પછી, માંહીથી કોઈકે એવી સલાહ દીધી કે, ‘કોઈ ન જાણે તેમ રાતમાં તળાવમાં લઈ જઈને ફગાવી નાખીએ તો આપણા ઉપરથી મુદ્દો ઉતરે, કેમ કે નાહવા ગયા હતા ને મળ્યા નથી એમ સહુને છે, તેથી તેનું શરીર કદાચ તણાઈને બહાર આવે તોય કોઈને બીજો વહેમ ન આવે!’ આ વાત સૌને ઠીક લાગી. પછી એ પ્રમાણે જ કર્યું ને મનમાં જાણ્યું જે, ‘આપણે હવે ઉપાધિમાંથી છૂટ્યા.’ સ્વામીશ્રી તો તળાવમાંથી ઊઠતાં જ વડતાલને માર્ગે ચાલતા થયા, કેમ કે તે તો જાણતા હતા કે, સત્સંગમાં બધેય ઉદ્વેગ થઈ પડ્યો છે; ને શ્રીજીમહારાજે પણ મનુષ્યચરિત્ર બરાબર કર્યું છે. તેથી યોગધારણા કરી ઉતાવળા ઉતાવળા ચાલ્યા આવતાં જ્યારે વડતાલ નજીક પહોંચ્યા ત્યારે મહારાજ સભામાં ઉદાસ થકા બેઠેલા, તે ઓચિંતાના બેઠા થઈ ગયા ને હર્ષભર્યા ઊંચે સાદે બોલ્યા જે, ‘સંતો! ચાલો, સ્વામી આવે છે.’ એમ કહી પોતે ઉતાવળા ચાલ્યા. પાછળ સંત-હરિભક્તો દોડ્યા આવે. જેમ દેહમાં પ્રાણ આવે તેમ સ્વામી આવ્યાના સમાચારથી સૌને આનંદ આનંદ થઈ ગયો. જેને મનમાં ખોટા ઘાટ થઈ ગયા હતા તે પણ પસ્તાવો કરતા ભેળા ચાલ્યા. એક ખેતરવા જેટલું છેટું હતું ત્યાંથી સ્વામીને જોઈ મહારાજે દંડવત્ કરવા માંડ્યા એટલે સાધુ બ્રહ્મચારી, પાર્ષદ, હરિભક્તો વગેરે કેડામોર જ્યાં હતા ત્યાંથી દંડવત્ કરવા લાગ્યા. સ્વામીશ્રી પણ સામા દંડવત્ કરે, પછી મહારાજે ઉતાવળા ચાલી હાથેથી ઝાલીને તેમને ઉપાડી લીધા ને બાથમાં ઘાલીને મળ્યા ને ઘણું હેત જણાવ્યું. તે વખતે સૌની આંખોમાં હર્ષનાં આંસુ આવ્યાં. પછી સૌને મહારાજ કહે, ‘સ્વામીને મળો! આ તો અમારું તન છે.’ સૌ ત્રણ ત્રણ દિવસના ઉપવાસી હતા, એટલે થોડાક સંતોને મહારાજે ઉતાવળા જઈને થાળ તૈયાર કરવાનું કહ્યું. ને પોતે ખેતરમાં સભા કરી બેઠા. પછી મહારાજ કહે, ‘સ્વામી! તમે ક્યાં હતા?’ ત્યારે સ્વામી કહે, ‘મહારાજ, આપથી શું અજાણ્યું છે? તોપણ આપની મરજી છે, તેથી કહું છું,’ એમ કહી બધી વાત વિસ્તારીને કરી. પછી મહારાજે સૌ સંત-હરિભક્તોને કહ્યું કે, ‘જુઓ! આ સ્વામી એક સંકલ્પે અનંત બ્રહ્માંડનાં નાડીપ્રાણ ચલાવે ને બંધ કરે એવા સમર્થ છે, તોય નિર્માની કેવા છે?’ એ વખતે જેને સ્વામીશ્રીને વિષે ઘાટસંકલ્પ થઈ ગયા હતા તેને મહારાજે સ્વામીશ્રી પાસે માફી મગાવી. સ્વતંત્ર મુક્તની આવી વાતો છે. આવા મહાસમર્થ અનાદિ મુક્તને ઉપાધિ કરી જીવ મનમાં ફુલાય, પણ મોક્ષનો દરવાજો વસાઈ ગયો, એવી એને ખબર ન પડે. મોટા મુક્તને તો મૂર્તિ વિના બીજો કોઈ સંકલ્પ જ ન હોય, તેથી એ કોનું ભૂંડું ઇચ્છે? એ તો જો કોઈ દૃષ્ટિમાં આવી જાય તો મોક્ષ કરે. એમનો અભિપ્રાય એવો જે, કોઈ જીવ મૂર્તિને સુખે સુખિયા થાય. આવી વાતો કરી, તેથી હરિભક્તો ઘણા રાજી થયા.