૨૭૬ - સંતોને તેડાવી સુખિયા કર્યા

0:000:00

હવે વૃષપુરમાં આવ્યા પછી અનાદિ મુક્તરાજ બાપાશ્રીએ અમદાવાદમાં સદ્‍ગુરુ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો પર કાગળ લખાવ્યો જે, ‘અમે તો આ રીતે ભૂજના સંતોની સાથે કરાંચી જઈ આવ્યા. અમે તમને ભૂજમાં મૂર્તિઓની પ્રતિષ્ઠા વખતે આવવા સારું વહેલા આવવાની ના લખાવેલી, તેથી તમે વચનમાં સુખ માની આવ્યા નહિ, પણ અમને તમારી તાણ ઘણી છે, તો હવે તમારે માહ મહિનો ઊતરતાં સુખેથી પધારવું. ભૂજમાં મૂર્તિપ્રતિષ્ઠાનું વૈશાખ મહિનામાં નક્કી જેવું છે, તોય તમો આવ્યાથી પાંકુ થશે. આચાર્ય મહારાજને તેડાવવાની તાણ સંત-હરિભક્તોને ઘણી છે. તેથી તમો આવો તો એકાદ મહિનો રહેવાય ને તેડાવવાના કાગળ તમારા નામથી લખાવાય તો વધારે સારું. આચાર્ય મહારાજ આ દેશમાં આવ્યા પછી ગામોગામ ફરવા નીકળે ત્યારે તમારે સાથે જવું પડે અને એ કચ્છમાંથી અમદાવાદ પધારે ત્યારે જો તમે હમણાં વહેલા આવ્યા હો તો એ ટાણે ભેળાભેળું જવાય.’ આવો પત્ર આવતાં આ સદ્‍ગુરુમંડળ, સ્વામી ઘનશ્યામજીવનદાસજી આદિ અને પ્રાણશંકરભાઈ વગેરે મોટા મોટા હરિભક્તો તથા મૂળીના કેટલાક સંતો-હરિભક્તો મળી કચ્છમાં ગયા, તે પ્રથમ ભૂજમાં બેત્રણ દિવસ ઠાકોરજીનાં તથા સંતનાં દર્શન કરી વૃષપુર પહોંચ્યા. આમ સંઘે સહિત સંતમંડળ આવતાં બાપાશ્રીએ ઘણો રાજીપો જણાવી સંતોને દંડવત્ કરવા માંડયા, ત્યારે સદ્‍ગુરુઓએ તેમને ઝાલી લીધા. એ ટાણે સંત-હરિભક્તો સૌ દંડવત્ કરવા લાગ્યા પછી વારાફરતી સૌને બાથમાં ચાંપી મળ્યા ને કુશળ સમાચાર પૂછી સંતોનાં આસન કરાવ્યાં. સંતમંડળ આ વખતે પોતાની આજ્ઞાથી બહુ મોડા કચ્છમાં આવેલા, તેથી બાપાશ્રીએ આ ફેરે મૂર્તિના સુખની ખૂબ લહાણી કરવા ધાર્યું હોય તેમ એક દિવસ સંતોએ વિશ્રામ કર્યો કે તુરત જ પૂનમના દિવસથી સાત દિવસની વચનામૃતની પારાયણ વાંચવાનું નક્કી કરી બ્રહ્મયજ્ઞ ચાલતો કર્યો. તેથી ફાગણ વદ સાતમ આવી ત્યાં સુધી સવાર, સાંજ ને રાત્રે નિત્ય નવો નવો આનંદ ને નવી નવી વાતો થયા કરતી. રોજ મોટી સભા ભરાય, હરિભક્તો હજારી ફૂલની ફાંટો લાવે, તેના સંતો હાર તૈયાર કરે. કેટલાક હરિભક્તો ગામડેથી ચંદન ઘસી લાવે તેમ સંતો પણ ચંદન ઘસે. કથા ચાલતી થાય ત્યારે શ્રીજીમહારાજની મૂર્તિઓ સાથે પુરાણી તથા અનાદિ મુક્તરાજ બાપાશ્રીની પૂજાઓ થાય. સંતો શ્લોક બોલી ચંદન ચર્ચે ત્યારે બાપાશ્રી પણ અતિ હેત જણાવતા સંતોને ભાલે ચંદન ચર્ચી હાર પહેરાવે. ઘેર જાય કે વાડીએ જાય, પણ સંતોની પંક્તિ ટાણે તો પોતે હાજર જ હોય. સભામાં તથા બપોરે વાડીએ વાતોનો પ્રસંગ નીકળે ત્યારે પોતે મહારાજના મહિમાની ચમત્કારિક વાતો કરે. તે વખતે જાણે ધ્યાનમાં ને ધ્યાનમાં મૂર્તિના સાક્ષાત્કાર અનુભવે સહિત પોતે બોલતા હોય ને મૂર્તિના સુખરૂપ ફુવારા છૂટતા હોય એવું જણાય. સર્વોપરી મહારાજ, સર્વોપરી મુક્ત ને એવા જ સંત-હરિભક્તો, ત્યાં વાતો પણ એવી જ થાય. વચનામૃત શ્રીમુખવાણી એટલે સવાર-સાંજ જાણે શ્રીજીમહારાજ પ્રગટ પ્રમાણ સભાને વાતો કરી સુખિયા કરતા હોય, એમ સૌને લાગે. આ અનાદિ મુક્તરાજની વાતોમાં પણ એવાં જ વચનો આવે જે, મહારાજ આ સભામાં પ્રત્યક્ષ બિરાજે છે. આ સભા દિવ્ય છે, અલૌકિક છે. આપણે તો એક મૂર્તિના સુખ નો જ આહાર કરવો. બીજે અક્ષરકોટિ આદિમાં ક્યાંય અટકવું નહિ ને શાસ્ત્ર પણ એવાં ભણવાં. તે આપણાં શાસ્ત્ર કયાં? તો વચનામૃત, ભક્તચિંતામણિ, સત્સંગિજીવન, સત્સંગિભૂષણ આદિ શ્રીજીમહારાજ અને તે મૂર્તિના સુખભોક્તા અનાદિ મુક્તોની વાણી. મોટા મોટા સંતોએ આપણા સારુ એવાં સદાવ્રત બાંધી દીધાં છે. આ શ્રીજીમહારાજની દિવ્ય સભા છે. આ ટાણે અમૃત લૂંટાય છે ને સ્વાંત વરસે છે. આજ શરદઋતુ બેઠી છે તેથી દિવ્યભાવવાળા ન્યાલ બની જાય છે. મોટા રાજી થઈને કહે, માગો!’ ત્યારે શ્રીજીમહારાજની મૂર્તિ માગવી ને મૂર્તિમાં રહી મૂર્તિનું સુખ ભોગવવું.’ આવાં વચનોથી સભામાં સર્વત્ર દિવ્યભાવ થઈ જતો. આમ ફાગણ વદ સાતમ સુધી જમવા-રમવાનો ને મૂર્તિનાં સુખ ભોગવવાનો બ્રહ્મયજ્ઞ ચાલ્યો તેથી ઘણા હરિભક્તો સુખિયા થયા. પછી ગામપરગામથી હરિભક્તો આવેલા તે સહુ પોતપોતાને ગામ ગયા ને વૃષપુરમાં રહેલા સંતો તો એ દિવ્યવાણી રૂપ અમૃતનું પાન કરતા ત્યાં જ રહ્યા હતા.