૬૩૫ - સમુદ્રકિનારે અદભુત પ્રતાપ
એ વખતે સમુદ્રકિનારે હજારો મુમુક્ષુઓ તથા સંત-હરિભક્તો આવી ઊભા હતા તે સૌ દર્શન કરવા લાગ્યા. વચમાં મિસ્ત્રી નાજુભાઈ પ્રેમભર્યા કીર્તન બોલાવે તે હરિભક્તો ઝીલે ને એવી જ રીતે બાપાશ્રી સાથે આવેલા નારાયણપુરવાળા ખીમજીભાઈ આગબોટમાં ઊભા રહી કીર્તન બોલે. એમ સામસામા ઊભા રહી ઘણી વાર કીર્તન બોલતાં સહુએ બાપાશ્રીને પ્રસન્ન કર્યા, એ વખતે પણ કેટલાક હરિભક્તો આગબોટમાં જઈ બાપાશ્રીને ચંદન ચર્ચી ફૂલના હાર પહેરાવી, મેવા આદિની ભેટો મૂકી પ્રાર્થના કરતા હતા ત્યારે કેટલાક તો આગબોટ પાસે હાથ જોડી ઊભા રહેલા તે દર્શનની તાણે આઘા ખસે નહિ. એવી રીતે આ અનાદિ મુક્તરાજ બાપાશ્રી સામું સહુ જોઈ રહ્યા હતા.
આગબોટમાં બાપાશ્રીએ માથે મોટી પાઘડી બાંધેલ હોવાથી હરિભક્તો પાસે જઈ હાર પહેરાવતાં, તે હાર પાઘડીમાં અટકી જતા જોઈ, પોતે પાઘડી ઉતારી, એક ટૂંકુ ધોતિયું માથે બાંધ્યું. એ વખતે જાડા કેડિયાએ સહિત ધોતિયું પહેરેલ, ભાલમાં ચંદનનો ભરાવો, કંઠમાં ઘણાક ફૂલહાર ને માથે ટૂકું ધોતિયું એવા આ દિવ્ય મુક્તરાજનાં અલૌકિક દર્શન કાંઠે ઊભા રહેલા સહુ કોઈને થતાં હતાં અને પોતે પણ પ્રસન્ન થકા સૌની સામે અમૃતનજર કરતા આગબોટ પર ઊભા રહેલા અને ભીડને લીધે સંત-હરિભક્તો નીચે ઊભા રહી, હાથ જોડી બાપાશ્રી સામું જોઈ રહ્યા હતા. એ જોઈ પોતાની પાસે ભેટ આવેલાં ફળોમાંથી પોતે સંતોને ઉછાળી ઉછાળીને એક એક ફળ તેમના તરફ નાખવા મંડ્યા તે એમ કહીને કે, ‘લ્યો! સ્વામી વૃંદાવનદાસજી, આ સ્વામી ઈશ્વરચરણદાસજી, પુરાણી હરિપ્રસાદદાસજી, દેવજીવનદાસજી, મુક્તવલ્લભદાસજી, આ પુરાણી ધર્મકિશોરદાસજી, આ આશાભાઈ,’ –એમ કહી એક પછી એક ફળ નાખવા માંડ્યા, તે જેને આપવાનાં નામ લઈ ફેંકે તે ફળ તેના જ હાથમાં આવે. આવું જોઈ હજારો મુમુક્ષુજનો આશ્ચર્ય પામ્યા. આ રીતે કચ્છમાં પધારતી વખતે બાપાશ્રીએ અદભુત પ્રતાપ જણાવ્યો. પછી સમય થયો એટલે આગબોટ ચાલતી થઈ ત્યારે નીચે ઊભેલા સૌ હરિભક્તો દંડવત્ કરવા લાગ્યા, ત્યારે બાપાશ્રી પણ આગબોટમાં કઠોડા પાસે ઊભા રહી પોતાના બેય હાથ ઊંચા રાખી અભયદાનરૂપ આશીર્વાદ આપતાં, ‘રાખો! રાખો!!’ એમ કહી પ્રસન્નતા જણાવતા હતા અને આગબોટમાંથી ને બહારથી સૌ પરસ્પર હાથ જોડી ‘જય સ્વામિનારાયણ’ કરી બાપાશ્રીનાં દર્શન કરતા હતા તે વખતે આ દિવ્ય સમૂહ ઉપર સર્વત્ર ચંદનનાં છાંટણાં પડવા લાગ્યાં. તે જોઈ સૌને આનંદ આનંદ થઈ રહ્યો. એ પ્રકારે અલૌકિક દર્શન અને આંત્યતિક મોક્ષના આશીર્વાદ આપી બાપાશ્રી કચ્છમાં પધાર્યા.