૪૫૨ - મોતીભાઈનાં માતુશ્રીને મહારાજે સુખિયાં કર્યાં
સંતો દેશમાં ગયા પછી ત્રણચાર મહિના સુધી બાપાશ્રી સવારસાંજ પોતાનું નિત્યનિયમ કરી કથાવાર્તા કરતા ને બપોરનાં વાડીએ જતા તથા ગામડેથી કોઈ સંત-હરિભક્તો આવે તેને મહારાજના મહિમાની વાતો કરી સંતોષ પમાડતા હતા. ત્યાં એક દિવસ ભૂજથી સોની મોતીભાઈ આવ્યા ને દંડવત્ કરી પ્રાર્થના કરવા લાગ્યા જે, 'બાપા! આપને ભૂજ પધારવું જોશે, મારી મા બહુ માંદાં થઈ ગયાં છે, તેમનો દેહ રહે તેવું નથી ને એક કોરે મોટા દીકરા મગનનાં લગ્ન લીધાં છે તે તો જેમ મહારાજ અને આપે ધાર્યું હોય તેમ કરજો, પણ મારી માને દર્શનની ઝંખના રહ્યા કરે છે, તો દયા કરીને પધારો.' ત્યારે બાપાશ્રી કહે, 'અમે આવશું, મૂંઝવણ રાખશો મા. એ તો ખરેખરાં ભગવાનનાં ભક્ત છે ને અવસ્થા પણ મોટી છે, તેથી એનું તો વિવાહ જેવું ગણાય.' આવાં વચનથી મોતીભાઈને એમ થયું જે, 'મારી માં ધામમાં જશે ખરાં!' પછી બાપાશ્રી તેમની સાથે ભૂજ ગયા ને મંદિરમાં ઠાકોરજી તથા સંતોનાં દર્શન કરી તેમને ઘેર જવાનું કરતા હતા ત્યાં જેઠી ઘેલાભાઈ તથા રામપુરવાળા દેવરાજભાઈ એ બન્ને મંદિરમાં હતા તે સાથે ચાલ્યા. ઘેર પહોંચ્યા એટલે મોતીભાઈ તથા તેમના દીકરાઓએ દંડવત્ કર્યા. પછી ખુરસી પર બેસી બાપાશ્રીએ મોતીભાઈનાં માતુશ્રી(સંતોકબાઈ)ને 'જય સ્વામિનારાયણ' કર્યા ને મહારાજમાં વૃત્તિ રાખવાની ભલામણ કરવા માંડી, તેથી ઘરમાં નાનામોટા સહુ ગળગળા થઈ ગયા. તે જોઈ ઘેલાભાઈ તથા દેવરાજભાઈએ પ્રાર્થના કરી જે, 'બાપા! મોતીભાઈ આપના સેવક છે તેને આ ટાણે વ્યવહારિક વિઘ્ન ગણાય. મા વૃદ્ધ છે ને ધામમાં જાય એ તો વ્યવહારમાં વિવાહ જેવું કહેવાય, તોય લૌકિક દૃષ્ટિએ મરણું તો ખરુંને! ગમે તેવી સમજણ રાખે, પણ પછી મોતીભાઈ, મગનલાલને પરણાવવા ભેળા ન જઈ શકે! માટે હમણાં લગ્ન સુધી પાંચ દિવસ રાખ્યાં હોત તો ઠીક હતું.' એવાં વચન સાંભળી બાપાશ્રી રાજી થઈને બોલ્યા જે, 'મોતીભાઈ ભલે ભેળા પરણાવવા જાય. શ્રીજીમહારાજ સારું કરશે ને લગ્નમાં વિઘ્ન નહિ આવે. છગનભાઈ અહીં તેમની સેવામાં રહે એમ કરજો. દેહ રહ્યાનું નિમિત્ત તો નથી, પણ મહારાજ આટલું જરૂર સાચવશે ' આમ કહી પોતે મંદિરમાં પધાર્યા. પછી મોતીભાઈ બાપાશ્રીના કહેવા પ્રમાણે લગ્નમાં સાથે ગયા ને જ્યારે મગનલાલને પરણાવીને ઘેર આવ્યા ત્યારે તેમની માતુશ્રીએ 'જય સ્વામિનારાયણ ' કરી કહ્યું કે, 'તમે શુભ કામ કરી આવ્યા તેથી હું રાજી થઈ, પણ અહીં બાપાશ્રી આવ્યા હતા ત્યારથી મારો દેહ ઘડીવારમાં પડી જાય તેવો થઈ ગયો છે અને જેમ પાંજરામાં પોપટને પૂરી મૂકે તેમ મારા જીવને બાપાશ્રીએ આ ખોળિયામાં રોકી રાખ્યો છે, તે હવે સૌ રાજી થઈ પ્રાર્થના કરો એટલે બાપાશ્રી મને ધામમાં તેડી જાય.’ આવાં તેમનાં વચન સાંભળી ઘરમાંથી સૌએ મહારાજ તથા બાપાશ્રીને પ્રાર્થના કરી, એટલે બીજે દિવસ સવારમાં ઊઠતાંવેંત તેમને દર્શન થવા લાગ્યાં, તેથી ઘરમાંથી નાનામોટા સૌને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, 'જુઓ! આ શ્રીજીમહારાજ ને બાપાશ્રી સંતોએ સહિત પધાર્યા છે તે દર્શન કરો.' એમ કહી પોતે હાથ જોડી પગે લાગતાં ને 'જય સ્વામિનારાયણ' કરતાં સ્મૃતિએ સહિત દેહ મૂકી મૂર્તિના સુખમાં ચાલ્યાં ગયાં. તે વખતે જાલમસંગની વંડીએ શાસ્ત્રી વિશ્વનાથનાં પત્ની બાઈ ગોદાવરીને પણ એવાં જ દર્શન થયાં, એ વાત તેમણે મોતીભાઈને ઘેર આવીને કરી તેથી ઘરમાં સહુ આશ્ચર્ય પામ્યાં.