૫૩૫ - ભૂજના સંતોને ભલામણ કરી
સ્વામીશ્રી આદિ ગુજરાતમાં ગયા પછી તુરત સુખપુરમાં વચનામૃતની પારાયણ થવાની હતી તેથી, ત્યાંના હરિભક્તોએ આવી બાપાશ્રીને પ્રાર્થના કરી, ત્યારે પોતે એમ કહ્યું જે, 'તમે કથા ચાલતી કરો, હું ટાણે જરૂર આવીશ.' પણ પછી તો કથાનો આરંભ થયો ત્યાં સુધી પોતે જઈ ન શક્યા એટલે હરિભક્તો ફરી વાર ગાડું લઈ તેડવા આવ્યા, ત્યારે બાપાશ્રી તેમની સાથે સુખપુર પધાર્યા. ગાડું મંદિરને બારણે પહોંચ્યું ને માંહીથી બાપાશ્રીને ઊતરતા જોયા, ત્યાં તો એક પછી એક હરિભક્તો આવતા જાય ને 'જય સ્વામિનારાયણ' કરી મળતા જાય. એમ ઘણી વાર ચાલ્યું; પછી બાપાશ્રીએ મંદિરમાં જઈ ઠાકોરજી તથા સભાનાં દર્શન કરી પુરાણીને ભાલે ચંદનની અર્ચા કરી કંઠમાં ફૂલનો હાર પહેરાવ્યો, ત્યારે પુરાણીએ પણ બાપાશ્રીની એવી જ રીતે પૂજા કરી; પછી પોતે સભાને 'જય સ્વામિનારાયણ' કરી કથામંડપ પાસે હરિભક્તોએ પાથરી રાખેલ આસન પર બેઠા એટલે સૌને આનંદ આનંદ થઈ ગયો. કચ્છમાં કથાપ્રસંગે કે સમૈયા-ઉત્સવમાં જ્યાં સુધી આ અનાદિ મુક્તરાજ ન પઘાર્યા હોય ત્યાં સુધી હરિભક્તોને સંતોષ ન થાય. એવી જ રીતે બાપાશ્રી આવ્યા પહેલાં અહીં પણ સહુને એમ જ હતું.
હવે સવાર-સાંજ વચનામૃતની કથા વંચાતી અને બેય વખત પંક્તિઓ થતી, ત્યાં બાપાશ્રી દર્શન દેવા પધારતા. રાત્રે સભામાં કે આસને સંત-હરિભક્તો કાંઈક પૂછે ને વાતો નીકળે તો ઘણી વાર પોતે વાતો કરતા. ગામડાંના હરિભક્તો આવે તે દર્શન કરી હાર પહેરાવે, એટલે તેને પોતે ઊભા થઈને મળે, સમાચાર પૂછે, નાનામોટા પર હાથ મૂકે, કોઈને પ્રસાદી આપે, રાત્રે મંદિરના ચોકમાં હરિભક્તો ગરબી ગાતા હોય ત્યારે પોતે બહુ રાજીપો જણાવે. કોઈ વખત તો ઘણી વાર ધ્યાનમાં જ બેસી રહે. આ પારાયણમાં બ્રહ્મચારી નિર્ગુણાનંદજી આવેલા, તે બાપાશ્રીને રોજ હેતે સહિત થાળ કરી જમાડતા. ત્યારે પોતે ત્યાગ-વૈરાગ્યની રુચિ જણાવી બહુ ઓછું જમતા. એમ પાંચ દિવસ વીત્યા પછી છઠ્ઠે દિવસે તો ગામોગામની મંડળીઓ આવતાં ધામધૂમ થવા માંડી. રાત્રે ઠાકોરજીની પાલખી નીકળી ત્યારે પણ ઉત્સવ થતાં આખું ગામ ગાજતું હતું. પછી તો આખી રાત સૌ હર્ષભર્યા જાય-આવે. જુદે જુદે ઠેકાણે ગરબીઓ ગવાય ને કીર્તન બોલાય, એમ ચારે તરફ કિલ્લોલ થઈ રહ્યો. સવારમાં પારાયણની સમાપ્તિ ટાણે પણ હરિભક્તોથી મંદિર ઊભરાતું હતું. તે વખતે ઠાકોરજીની આરતી થયા પછી પુરાણી તથા પુસ્તકની પૂજા થઈ ને સંતોને વસ્ત્રો ઓઢાડવા માંડ્યાં.
એ વખતે બાપાશ્રીએ સભામાં એમ વાત કરી જે, 'આ દેશમાંથી હરિભક્તો હમણાં પરદેશમાં ઘણા જાય છે, પણ સૌ ધર્મનિયમમાં ખબડદાર રહેજો. પરદેશમાં વિચાર ન રાખે તો કાંઈ ઠેકાણું ન રહે. કેટલાક બહાર દેશાવરમાં જઈને ન ખપે તેવી બજારની ચીજો ખાતાં શીખી જાય છે. જેનાતેના ચા પીએ છે. ડુંગળી-લસણ ખાય છે. અને જરા માંદા થાય કે પાધરા ડૉકટરનાં ઔષધ ખાય-પીએ છે. પછી અહીં આવે ત્યારે સંતોની વાતો સાંભળી કેટલાક પ્રાયશ્ચિત્ત માગે છે. આવી વાતનો ખટકો હરિભક્તોએ ઘણો રાખવો જોઈએ. આ લોકના તુચ્છ ને નાશવંત સુખ સારુ મહારાજનું અખંડ ને અવિનાશી એવું દિવ્ય સુખ મેલી દેવું નહિ. આ સમયે સત્સંગ ઉપર મહારાજની બહુ જ કૃપા છે. તેથી ગમે તેવો જીવ નજરે આવે તેને મૂકતા નથી; પણ આપણે પતિવ્રતાની ટેક રાખવી. શ્રીજીમહારાજ વિના બીજો કોઈ કર્તા, નિયંતા નથી, માટે જ્યાંત્યાં માથાં ભટકાવવાં નહિ અને કોઈને કાંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તોય આવી દિવ્ય સભા પાસે માફી માગવી.' આ રીતે વાતો કરી, એ વખતે કેટલાક હરિભક્તોએ બાપાશ્રી પાસે દંડવત્ કરી પોતાની આગળપાછળ થયેલી ભૂલની માફી માગી નિયમ લીધા; ત્યાં જમવાનો સાદ થયો એટલે હરિભક્તો ઊઠ્યા ને મોટી મોટી પંક્તિઓ થઈ. એ પંક્તિઓમાં બાપાશ્રીએ ઘણી વાર ફરી દર્શન આપ્યાં ને મોટા મોટા હરિભક્તોની પ્રશંસા કરી સૌને આશીર્વાદ આપ્યા; પછી ત્યાંથી બહ્મચારીના ભંડારે ઠાકોરજીને જમાડી આવ્યા.
ત્યાર પછી હરિભક્તોએ પોતપોતાને ઘેર તેડી જવા આગ્રહ કર્યો, તેથી એ સહુને રાજી કરવા દેવરાજભાઈ, તેજાભાઈ. ખીમજીભાઈ વગેરેને સાથે લઈ પોતે દર્શન દેવા પઘાર્યા, પણ ગામમાં કેટલેક ઠેકાણે સત્સંગની કચાશને લીધે ઘરના ગોખલામાં સૂર-પૂરા, પિતૃ, નાળિયેર કે ફળાં વગેરે જોવામાં આવતાં બાપાશ્રી કહે, 'શ્રીજીમહારાજના આશ્રિત હોય તેમણે તો એ કારણ મૂર્તિનું બળ રાખવું જોઈએ. એ મહાપ્રભુ વિના સૂકું પાંદડું કોઈથી તોડી શકાતું નથી. આવા સર્વોપરી ભગવાન મળ્યા ને જેનોતેનો ભાર રહી જાય તો મોક્ષમાં વાંધો આવી જાય.' આવાં વચન સાંભળી સહુ વિચાર કરવા લાગ્યા જે, 'આપણે ઘણા વખત થયાં એને પૂજતા આવ્યા છીએ તે હવે મૂકી દઈએ ને ઘરમાં કોઈને નડે તો શું કરવું?' પછી પ્રાર્થના કરી ત્યારે બાપાશ્રી કહે, 'તમને કોઈ નડે નહિ, એવે ઠેકાણે એને લઈ જઈએ તો કેમ? બિચારા તમારા ઘરમાં આવ્યા તોય ગોખલા કરીને બેસારો તે શું ઠીક કહેવાય?' એમ કહી વર્તમાન ધરાવી પાણી છાંટતા આવે ને કહે જે, 'હવે આમાં કાંઈ નથી, એના જીવનો મોક્ષ થઈ ગયો. આ સમયે મહારાજનો સંકલ્પ એવો છે કે જે શરણે આવે તેનાં અનંત જન્મનાં પાપ બાળી નાખવાં. આને હવે તમે પ્રસાદીના હમીરસર તળાવમાં પધરાવી આવજો.' ત્યારે તેઓ કહે, 'બાપા! આપ મહા સમર્થ છો. તે જેમ એના જીવોના મોક્ષ કર્યા તેમ એમને તમે જ પધરાવી દ્યો તો સારું.' ત્યારે બાપાશ્રી કહે, 'ભલે!' એમ કહી તે ફળાં, નાળિયેર વગેરે જ્યાં જ્યાં હતાં તે બધેય ઠેકાણેથી હરિભક્તો પાસે ભેળાં કરાવી લૂગડાંમાં પોટલું બંધાવી મંદિરમાં લાવ્યા. તે જોઈ સંતોએ કહ્યું જે, 'ગામમાંથી આ શું લાવ્યા?' ત્યારે બાપાશ્રી કહે, 'અસદ્દગતિને પામેલા જીવો બિચારા મોક્ષ થયા વિના હરિભક્તોને ઘેર એમ જ બેઠા હોય, તેમ મહારાજના બળ વિના બીજા પણ કેટલાંક ટીંખળ રહી ગયાં હોય તે શું સત્સંગમાં શોભે?' એમ કહી સંતોને કહ્યું જે, 'હરિભક્તો તમને ઘેર લઈ જઈને જમાડે છે, ધોતિયાં ઓઢાડે છે ત્યારે તમે તેની આવી ખોટ કેમ કઢાવતા નથી? મહારાજ કહે છે કે અમારા સંત-હરિભક્તોનાં દર્શને કલ્યાણ, ગુણ લે, તેણે કરીને કલ્યાણ, સંત્સંગીના ઘરનું પાણી પીધે કલ્યાણ. આવો મહિમા શ્રીજીમહારાજનો છે, તેવી વાતો તમે કરો છો કે નહિ? પતિવ્રતાની ટેકવાળાને તો મહારાજ વિના બીજા કોઈ અવતારનો ભાર રહી જાય તોય ખોટ કહેવાય છે; તો આ તો સત્સંગી કહેવાતા હોય ને જેવાતેવા વાસનિકને ઘરમાં બેસારી મૂકે તથા જેનેતેને પૂજે એ કેવડી મોટી ખોટ કહેવાય? આવાં સત્સંગના જથ્થાવાળા ગામમાં આમ હોય તેની તમે કાંઈ ખબરેય ન રાખો! આ ગામમાં દેવજીભાઈ જેવા મોટા મુક્તની સ્થિતિ તો વિચારો! હરિભક્તોને કથાવાર્તા કરી સત્સંગની સમજણ દેવી ને જીવોના મોક્ષ કરવા એ તો તમારું કામ છે.' આવાં વચનો કહ્યાં ત્યારે સંતો કહે, 'ગામમાં હરિભક્તોને ઘેર આવી કાચપ રહેતી હશે એવી અમને આજ સુધી ખબર જ નહોતી.'
આ રીતે સુખપુરની પારાયણમાં બાપાશ્રીએ સહુને કથાવાર્તા ને દર્શન-સેવાનો મોટો લાભ આપી જેનેતેને ન પૂજવાની ભલામણ કરવા સાથે વાસનિક જીવોના મોક્ષ કરવા રૂપ મોટું સંભારણું કર્યું. પછી ત્યાંથી સંતોએ સહિત પોતે ભૂજ પધાર્યા ને ઠાકોરજી તથા સંતોના દર્શન કરી એક રાત રહ્યા અને એ ફળાં વગેરે જે કાંઈ હતું તે હમીરસરના પ્રસાદીજળમાં નખાવ્યું. ત્યાંથી વળતાં ભવાનીપર, ફોટડી, સામત્રા, માનકૂવા વગેરે ગામોમાં હરિભક્તોને દર્શન દઈ બાપાશ્રી વૃષપુર પઘાર્યા.