૨૩૪ - પરભાવમાં મહિમા
પછી સભામાં બાપાશ્રીએ વાત કરી જે, ‘આજે મંદિર પર કળશ ચડાવ્યા તેમાં સહુને કેટલો આનંદ થયો?’ આવી જ રીતે શ્રીજીમહારાજે પોતાના આશ્રિતને અખંડ આનંદ આપવા સંવત ૧૮૩૭ના ચૈત્ર સુદ ૯થી કલ્યાણનો કળશ ચડાવ્યો છે, તે જે જીવ શરણે આવે તેના જન્મમરણનાં ખાતાં વાળી મૂર્તિને સુખે સુખિયા કરે છે. માટે ખરેખરા પાત્ર થઈ જવું’ –એમ કહીને થોડી વાર મૌન રહ્યા; પછી સદ્ગુરુઓ સામું જોઈને બોલ્યા જે, ‘એક વાર મહારાજે સંતની સભા સામી એવી તો અમૃતનજર કરી કે સૌની વૃત્તિ મૂર્તિમાં ખેંચાઈ ગઈ,’ પછી મહારાજ ધીરે સ્વરે એમ બોલ્યા જે, ‘સંતો, આવો! અમારા સુખના ભોગી હો તે આવો,’ એમ કહી ઊભા થયા ને ખેસ ઓઢ્યો હતો તે ઉતારી ઉધાડે શરીરે સૌને ભેટ્યા ને ચરણારવિંદ આપ્યા, એટલી વારમાં તો સભામાં ‘અહો! અહોપણું’ ને દિવ્યભાવ સિદ્ધ થઈ ગયો. આમ મહારાજ ધારે તો પોતાના જનને વાતની વાતમાં સુખિયા કરી મૂકે. આવી રીતે વાત કરી તેથી સભામાં સંત-હરિભક્તો બેઠા હતા તે બહુ રાજી થયા.