૬૨૭ - મોહનલાલભાઈને ઘેર મૂર્તિપ્રતિષ્ઠા
એક દિવસ મોહનલાલભાઈએ આવી તેમને ઘેર મહારાજની મૂર્તિ પધરાવવા બાપાશ્રી તથા સંતોને પ્રાર્થના કરી. ત્યારે પોતે રાજી થઈને હા પાડી. પછી સવારની કથા થઈ રહ્યા પછી સંતોએ સહિત તેમને ઘેર જવા તૈયાર થયા, ત્યારે મહારાજની મૂર્તિ ગાડીમાં પધરાવી, આગળ ઉત્સવ કરતા હરિભક્તો સાથે ગામમાં સૌને દર્શન દેતા તેમને ઘેર ગયા; ત્યાં તેમણે ‘રહસ્યાર્થપ્રદીપિકા ટીકાવાળાં વચનામૃત’ની પારાયણ વાંચવાનો પોતાનો સંકલ્પ જણાવ્યો, તેથી સ્વામીશ્રી આદિ સંતો તથા ઘણા હરિભક્તોએ જુદી જુદી વચનામૃતની પ્રતો લઈ તેમનો સંકલ્પ પૂરો કરી રાજી કર્યા; પછી સમય થયે મૂર્તિની પ્રતિષ્ઠા કરી મહારાજને થાળ જમાડ્યો ને આરતી ઉતારી સહુ ‘જય’ બોલ્યા, તે વખતે બાપાશ્રીએ મહિમાની વાતો કરી; પછી તેમના ઘેર થાળ કરાવેલ હોવાથી પ્રાર્થના કરતા ઠાકોરજીને થોડું જમાડી તેને સંતોષ પમાડ્યો અને હરિભક્તોને મેવાની પ્રસાદી વહેંચી રાજી કર્યા. પછી ત્યાંથી આસપાસ રહેતા હરિભક્તોને ઘેર તેઓની પ્રાર્થનાથી દર્શન દેતા ઠાકોરજી જાગવાના સમયે સંતોએ સહિત મંદિરમાં આવ્યા.