૩૫૭ - કાળુભાને કલ્યાણનું વરદાન
આ રીતે તેમના પર રાજી થયા, પછી આગબોટમાં બેસી બાપાશ્રી જામનગર થઈ રાજકોટ આવ્યા, ત્યાં મોરબીના ગોવિંદભાઈ તથા ફોજદાર કાળુભા દર્શન કરવા આવેલા તે દંડવત્ કરી મળ્યા, તે વખતે કાળુભાએ બાપાશ્રીને પ્રાર્થના કરી કહ્યું જે, ‘મને મૂળીના સાધુ શ્વેતવૈકુંઠદાસજી જ્યારે મળે ત્યારે કહેતા કે, તમે વર્તમાન ધારીને કંઠી બાંધો, પણ હું એમને કહેતો કે, શ્રીજીમહારાજ ને બાપાશ્રી મને દર્શન આપે તો કંઠી બાંધું.’ એમ કરતાં થોડા દિવસે મને મંદવાડ થઈ ગયો, ત્યારે શ્રીજીમહારાજ સાથે આપે તેજોમય દર્શન આપીને કહ્યું જે, ‘તમારી આયુષ્ય પૂરી થઈ ગઈ છે, પણ તમને હજી રાખવા છે. હવે તમે કંઠી બાંધજો.’ આ દર્શન પછી તુરત જ મને આરામ આવી ગયો, ત્યારે મેં મંદિરમાં જઈને સાધુ પાસે વર્તમાન ધરાવ્યાં. આવા વચન સાંભળી બાપાશ્રી કહે, ‘આવો! અમે તમને ફેર વર્તમાન ધરાવીએ.’ એમ કહી સાધુ પાસે પાણી મગાવી તેમનો હાથ ઝાલી વર્તમાન ધરાવ્યાં ને પ્રસાદીની કંઠી આપી. પછી બે વાર તેમને મળીને બોલ્યા જે, ‘મહારાજને સંભાર્યા કરજો, દેહ મૂકવા ટાણે અમે તમને મહારાજ ભેળા તેડવા આવશું.’ આવાં આશીર્વાદ-વચનથી તે ઘણા રાજી થયા.
ત્યાંથી બાપાશ્રી મૂળીએ પધાર્યા ત્યાં સદ્ગુરુ સ્વામી હરિનારાયણદાસજીએ સિગરામ લઈ સંતોને સ્ટેશને સામા મોકલેલા, તેમની સાથે બાપાશ્રી આદિ સંઘ મંદિરમાં આવ્યો. ત્યાં પાંચ દિવસ સ્વામીશ્રીએ આગ્રહ કરી સૌને રોક્યા, તેથી મૂળીના સંતો ઘણા રાજી થયા.