૨૪૭ - નાગજીભાઈને પાટડી મોકલ્યા
આ પારાયણમાં પાટડીવાળા મુક્તરાજ નાગજીભાઈ તેમના ભાઈ ત્રિભોવનને શરીરે ઠીક ન રહેતું, તેથી દવા કરાવવા ત્યાં લાવેલા હતા, તેને જોઈને બાપાશ્રીએ નાગજીભાઈને કહ્યું જે, ‘હવે આમની દવા કરાવવાનું કાંઈ નહિ, પાટડીએ પાછા લઈ જાઓ.’ આવી આજ્ઞા થતાં નાગજીભાઈ પાટડી જવા તૈયાર થયા, ત્યારે બાપાશ્રીએ તેમને કહ્યું જે, ‘તમે એમની પાસે બેસી મહારાજની સ્મૃતિ રખાવજો, કેમ કે એને હવે ધામમાં તેડી જવા છે.’ આમ ઉઘાડી વાત કરી, તેથી નાગજીભાઈ સમજી ગયા જે, ‘હવે આનો દેહ રહેવાનો નથી.’ એક તો પોતે જ મહામુક્ત ને વળી મોઢામોઢની વાત, તેથી એમણે તો માર્ગમાંથી જ મહારાજ તથા મોટાના મહિમાની વાતો કરવા માંડી જે, ‘અક્ષરધામની દિવ્ય સભામાં શ્રીજીમહારાજ અખંડ દર્શન દે છે. એવા મહાપ્રભુ તથા એમના મુક્ત આ લોકમાં મનુષ્ય જેવા થઈને દર્શન દેતા હોય તોય એ તો એવા ને એવા જ છે. એ મૂર્તિ વિના બીજા સંકલ્પ થવા દેવા નહિ. શ્રીજીમહારાજ ન્યાલકરણ ભગવાન છે. તે સૌને ન્યાલ કરે છે. કોઈના વાંકગુના સામું જોતા નથી. જો એ જીવના વાંકગુના સામું જુવે તો કલ્યાણ ન થાય. અનાદિ મુક્તરાજ બાપાશ્રી પણ અહીં મનુષ્ય જેવા લાગે છે, તોય એ તો છે તેવા ને તેવા જ છે. અનેક જીવોને મૂર્તિને સુખે સુખિયા કરવા મહારાજે એમને મોકલ્યા છે. એવા મોટાની આપણા પર કેવી કૃપા છે!’ આવાં આવાં ઘણાંક વચનો કહી દિવ્યભાવ દૃઢ કરાવી દીધો ને તેમને પણ એમ થયું જે, ‘આવા મુક્ત મારી પાસે ને પાસે બેસી રહે ને મહારાજના મહિમાની વાતો કરે, તે મારાં કેવડાં ભાગ્ય!’ આમ કરતાં પાટડી આવ્યા પછી ત્રીજો દિવસ થયો, ત્યારે તેમને અશક્તિ બહુ જણાવા માંડી. તે વાત તેમણે નાગજીભાઈને કરી, ત્યારે નાગજીભાઈ કહે, ‘ભાઈ! જો જો હોં! મહારાજ વિના બીજો સંકલ્પ ન થાય.’ ત્યારે તે એમ બોલ્યા જે, ‘ભાઈ! આવા દયાળુ મહારાજને કેમ ભુલાય?’ આમ કહે છે ત્યાં તો તેમને શ્રીજીમહારાજ તથા બાપાશ્રીનાં દિવ્ય તેજોમય દર્શન થયાં, ત્યારે પોતે હાથ જોડવા લાગ્યા ને કહે, ‘ભાઈ! મહારાજ તથા બાપાશ્રી બેય પધાર્યા, મારા પર આવડી બધી દયા!’ એમ કહી તરત દેહ મૂકી દીધો.
આ વખતે બાપાશ્રી અમદાવાદમાંથી સદ્ગુરુઓ તથા પ્રાણશંકરભાઈને રાજી કરી જેતલપુર, ધોળકા વગેરે ધામોમાં દર્શન કરવા ગયા હતા તે પાછા આવ્યા ને કચ્છમાં જવા તૈયારી કરી, ત્યારે બન્ને સદ્ગુરુઓ તથા પ્રાણશંકરભાઈ અને આશાભાઈ સાથે જવા તૈયાર થયા હતા, તેથી તેમને સાથે લઈ પોતે કચ્છમાં પધાર્યા.
હવે કચ્છમાં પોતાની સાથે સદ્ગુરુઓ અને પ્રાણશંકરભાઈ તથા સેવક આશાભાઈ આવેલા હોવાથી, કથાવાર્તા અને દર્શનસેવારૂપ બ્રહ્મયજ્ઞ ચાલવા માંડ્યો. રોજ સવાર, બપોર ને સાંજે વચનામૃત વંચાય તેમાંથી ચમત્કારિક વાતો નીકળે. ઓશરીમાં, ઓરડીમાં, સભામાં કે ચોકમાં જયાં બેઠા હોય ત્યાં સદ્ગુરુઓ એવા એવા પ્રશ્ન પૂછે કે, બાપાશ્રીને વાતો કરવી જ પડે. આઠ દિવસ સુધી તો એમ ચલાવ્યું. પછી તો લોયાનું ત્રીજું વચનામૃત વાંચી તેમાં મોટા મોટાએ મહારાજને અર્થે ને સંતને અર્થે શું શું કર્યું હતું, તે વાતો પૂછવા માંડી, એટલે ત્રણચાર દિવસ તો એ મુક્તોની જ વાતો ચાલી.