૩૩૧ - દેવજીભાઈ પર મહારાજની દયા
પારાયણનો પ્રારંભ થયો ત્યારે દેવજીભાઈએ પોતાના હાથે મહારાજ તથા પુસ્તક ને પુરાણીની પૂજા કરી હેતે સહિત આરતી ઉતારી, પણ તે જ દિવસે તેમને તાવ ઘણો ચડી આવ્યો, એટલે પોતાથી કથામાં બેસાણું નહિ, પછી સૂતા સૂતા પોતે વિચાર કરવા લાગ્યા જે, ‘મને તાવ ઘણો આવ્યો ને હવે પારાયણનું કેમ થશે!’ એ ને એ વિચારમાં સૂતા, ત્યાં તો મહારાજે તેમને દર્શન આપીને કહ્યું કે, ‘તમને કાલે અક્ષરધામમાં તેડી જવા છે.’ આ વચન સાંભળતાં જ પોતે જાગ્રત થઈ ગયા ને ઘરમાં પુત્રાદિકને આ વાત કરી; પંદર દિવસનું સીધું-સામાન સંતોને એકસાથે મોકલાવી સંત-હરિભક્તોને સભામાં કહ્યું જે ‘તમે સૌ હેતે સહિત કથા સાંભળજો, મારા દેહનો કાંઈ નિરધાર નથી,’ એમ કહી આસને સૂતા સૂતા ‘હે મહારાજ! હે મહારાજ!’ કર્યા કરતા ને શરીરમાં તાવ પણ એમ ને એમ જ જણાયા કરતો. એ રીતે સ્મૃતિએ સહિત મહારાજને સંભારતા. બીજે દિવસે કહ્યા પ્રમાણે મહારાજ તથા અનાદિ મુક્તરાજ બાપાશ્રી અને અનેક સંતોનાં દર્શન તેમને થયાં કે તુરત હાથ જોડવા મંડ્યા ને મોટા મોટા સંત-હરિભક્તોને પાસે બોલાવીને કહ્યું જે, ‘સહુ ઉમંગથી પારાયણ સાંભળજો, આજ મારો મનોરથ મહારાજે પૂર્ણ કર્યો, સૌ દર્શન કરો, જુઓ! મુક્તમંડળે સહિત મહારાજ પધાર્યા છે, સાથે અનાદિ મુક્તરાજ અબજીભાઈ પણ આવ્યા છે, સર્વે તેજોમય છે, હું તો દર્શનમાત્રે કૃતાર્થ થઈ ગયો. આજ મારો જન્મ સફળ થયો ને પારાયણ પણ ચાલતી થઈ ગઈ. હવે તમે સહુ અનાદિ મુક્તરાજ અબજીભાઈની સેવા બરાબર કરજો, એ બહુ મોટા છે.’ એમ કહેતાં હાથ જોડી મહારાજ સાથે ધામમાં ચાલ્યા ગયા. આવો ચમત્કાર જોઈ સહુ રાજી રાજી થઈ ગયા ને ઉમંગભર્યા પારાયણ સંભાળવા લાગ્યા. જ્યારે સમાપ્તિને થોડા દિવસ રહ્યા, ત્યારે બાપાશ્રી પણ સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતોએ સહિત પધાર્યા. આગળથી દેવજીભાઈએ સૌને વાત કરેલ હોવાથી ઘરમાં પુત્રાદિક તથા સંત-હરિભક્તોને બાપાશ્રીને વિષે ઘણો જ દિવ્યભાવ થઈ ગયેલ, તેથી સૌ હેતે સહિત જમાડતા ને ચંદન, પુષ્પથી પૂજા કરી રાજી કરતા. જ્યારે પારાયણની સમાપ્તિ થઈ ત્યારે પણ મહારાજે ઘણી પ્રસન્નતા જણાવી. એ દિવ્ય સભામાં પાટ પાસે ગાદીતકિયા પર, શ્વેત વસ્ત્રો તથા ફૂલના હારતોરાએ સહિત બિરાજેલા એવાં દર્શન આપ્યાં હતાં. આવો મહારાજનો રાજીપો જોઈ ઘરમાં સહુને આનંદ આનંદ થઈ ગયો.