૨૩૦ - મુક્તરાજ ધનબાનો પારાયણ યજ્ઞ

0:000:00

ત્યાર પછી ચૈત્ર માસમાં રામપુરનાં મુક્તરાજ ધનબાએ મોટો યજ્ઞ કરવાનો વિચાર કરી, એ વાત અનાદિ મુક્તરાજ બાપાશ્રીને વૃષપુરમાં આવી જણાવી કે, ‘મારે સત્સંગને જમાડીને પાણી પાવું છે. તેમાં તમારે આગળ થઈને એ કામ નીવેડવું પડશે અને જેટલા સાધુ, હરિભક્ત, બાઈ, ભાઈ, નાનામોટાં છોકરાં સીખે, જે આવે તેને મહારાજ પાસે લઈ જવાનું વચન આપવું જોશે.’ એ વાત સાંભળી બાપાશ્રીએ કહ્યું કે, ‘તમે ક્યાં ઓછાં છો? મહારાજ તમારા કામમાં ટાણે ટાણે આવીને ઊભા જ હોય છે, પણ તમે કહો છો એટલે હું તો આગળથી આવીને બેસીશ પણ તમે પહેલાં ભૂજમાં સાધુને આ વાત કરો ને એ નક્કી કરીને પછી જોતુંકરતું બધુંય મગાવે, એટલે હું સદ્‍ગુરુઓને અમદાવાદથી તેડાવું, તે આગળ રહીને અમારે અહીં હમણાં યજ્ઞ કર્યો હતો તેવો જ કરશે. એવા મોટા આગળ હોય એટલે કાંઈ વાંધો આવે જ નહિ.’ એમ કહ્યું. પછી ધનબા કહે, ‘ભાઈ! એ ઠીક.’ એમ કહી એક રાત રોકાઈ બીજે દિવસ ભૂજ ગયાં ને મંદિરના કોઠારી તથા બે હરિભક્તોને બોલાવી બધી વાત સંતોને કહેવરાવી, તેથી સદ્‍ગુરુ અક્ષરજીવનદાસજી સ્વામી તથા બીજા સંતોએ હા પાડી ને રાજીપો જણાવ્યો. સૌને એમ જે, આ બાઈ મહામુક્ત છે ને તેમને સૂરજબાનું વરદાન છે, તેથી મહારાજના પ્રતાપે તેમના કાર્યમાં કોઈ વાતે વાંધો આવતો નથી. આવી રીતે ધનબા ભૂજથી નક્કી કરી પાછાં વૃષપુર આવ્યાં.

ત્યાં આ અનાદિ મુક્તરાજને મંદિરમાંથી ઘેર બોલાવી ‘જય સ્વામિનારાયણ’ કરીને કહ્યું જે, ‘ભાઈ! મોટા સ્વામી અક્ષરજીવનદાસજીને ભૂજમાં કહેવરાવી યજ્ઞનું નક્કી કર્યું છે, તેમની મરજી એવી થઈ કે, રામનવમીનો સમૈયો થઈ રહે એટલે અમદાવાદથી સદ્‍ગુરુઓ આવે, ત્યાર પછી કરો તો ઠીક, તેથી ચૈત્ર વદ બીજથી વૈશાખ સુદ એકમ સુધી કથા બેસારવાનું નક્કી કર્યું છે. તો હવે તમે અમદાવાદથી સંતોને તેડાવવાનો કાગળ લખાવો ને જે કરવું હોય તે કરો. જેમ દાંતને જીભની ભલામણ ન હોય તેમ તમને વધુ હું શું કહું! મહારાજનું છે ને તમારે આગળ રહીને કરવાનું છે. જીવનાં કલ્યાણ કરવા તમને મહારાજે મોકલ્યા છે તે કરો ને સૌ ઉપર રાજી થાઓ. તમારા જેવા મોટા મુક્તના પ્રતાપે મહારાજ કોઈ વાતે વાંધો આવવા નહિ દે,’ એમ કહી હાથ જોડ્યા. ત્યારે આ અનાદિ મુક્તરાજ કહે, ‘તમે તમારા ગામના મોટા મોટા હરિભક્તોને તથા દેવરાજભાઈ જેવાને આગળ રાખી ભૂજથી સાધુ આવે એટલે બધોય સામાન તૈયાર કરાવજો. હું સદ્‍ગુરુઓને કાગળ લખાવું છું. એ તો મારો કાગળ વાંચશે કે તુરત આવશે, તેમ બીજા સંત-હરિભક્તોને પણ કાગળથી ખબર આપી દેશે. તમે કંકોત્રીઓ લખવાની ને તેડાવવાની કોરની ચિંતા જરાય ન કરજો, પણ બાઈઓને તેડાવવાનું કામ તમારું છે, તે તમે ગુજરાતનાં મોટાં ડોશી કંકુબા જેવાંને લખી મૂકજો, એટલે એ જેને જેને લખવું હશે તે બધાયને લખીને તેડાવશે. આપણે આ કામ કાંઈ લોકની મોટાઈ સારુ નથી કરવું. આપણે તો જીવને ઉદ્ધારવા છે ને મહારાજના સુખમાં પહોંચાડવા છે. મહારાજે તમ જેવાને એ કામ કરવા મૂક્યા છે તે કરો છો.’ ત્યારે ધનબા કહે, ‘ભાઈ! તમે જીવોને મહારાજ પાસે લઈ જવા આવ્યા છો, તેથી તમને લઈને સત્સંગમાં બધાય સુખિયા છે. અમ જેવા તો તમ પાસે શું લેખામાં!’ આમ પરસ્પર મહિમાનાં વચનો કહ્યાં. પછી ધનબા ત્યાંની સાંખ્યયોગી બાઈઓ તથા આ અનાદિ મુક્તરાજના ઘરમાં પુત્ર, પુત્રીઓ વગેરેને ભલામણ કરી રામપુર ગયાં ને યજ્ઞ માટે સામગ્રી તૈયાર કરવા માંડી.

મુક્તરાજ ધનબા રામપુર ગયા પછી બાપાશ્રીએ તો ભૂજથી સોની મોતીભાઈને વૃષપુર બોલાવ્યા ને તેમના પાસે સદ્‍ગુરુ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી અને સ્વામી ઘનશ્યામજીવનદાસજી વગેરેને કાગળ લખાવ્યો જે, ‘જેવો આપણે ઓગણસાઠની સાલમાં યજ્ઞ કર્યો હતો તેવો યજ્ઞ રામપુરમાં મોટાં ડોશી ધનબા કરાવે છે. વળી જેમ આપણા યજ્ઞમાં જે કોઈ પ્રસાદી જમે તે અક્ષરધામમાં જાય એવો સંકલ્પ કર્યો હતો, તેવો જ સંકલ્પ આ યજ્ઞમાં કર્યો છે, માટે તમો સૌ સમૈયા પછી તુરત વૃષપુર આવજો અને જેને જેને લખવું ઘટે તેને લખી નાખજો, એટલે સહુ ટાણે આવી પહોંચે. મૂળીમાં મોટા સ્વામી બાળકૃષ્ણદાસજી, પુરાણી ધર્મકિશોરદાસજી તથા સાધુ હરિવલ્લભદાસજી આદિને પણ કાગળથી ખબર આપજો.’ આવો કાગળ અમદાવાદ પહોંચ્યો કે તુરત સદ્‍ગુરુઓએ તૈયારી કરવા માંડી ને ગામોગામ કાગળ લખી નાખ્યા ને પોતે અમદાવાદ સમૈયો કરી તુરત વૃષપુર આવી પહોંચ્યા ત્યાં તો ગામોગામ જેને જેને કાગળો લખ્યા હતા તે પણ આવવા લાગ્યા. બાપાશ્રીએ સદ્‍ગુરુઓ આવ્યા પછી બીજે પણ જ્યાં જ્યાં કંકોત્રીઓ મોકલાવવાની હતી ત્યાં ત્યાં મોકલાવી દીધી. રામપુરમાં ભૂજના સંતો સદ્‍ગુરુ સ્વામી અક્ષરજીવનદાસજી આદિ રામનવમીનો સમૈયો ભૂજમાં કરી તુરત ગયા હોવાથી તેમણે હરિભક્તો મારફતે પારાયણયજ્ઞની બધી સામગ્રી તૈયાર કરવા માંડી એ વખતે વૃષપુરથી અનાદિ મુક્તરાજ બાપાશ્રી તથા સદ્‍ગુરુઓ અને કેટલાક સંતો પણ રામપુર આવી પહોંચ્યા, એ જોઈ ધનબા રાજી રાજી થઈ ગયાં.

પછી આ અનાદિ મુક્તરાજને પાસે બોલાવી કહ્યું, ‘ભાઈ! વહેલા પધાર્યા તે બહુ સારું કર્યું. હવે તમે જાણો ને તમારું કામ જાણે. હું તો હવે બેઠી બેઠી માળા ફેરવીશ ને મહારાજને સંભારીશ.’ ત્યારે બાપાશ્રી કહે, ‘બાઈ! મહારાજનું કામ છે ને મહારાજ કરશે. તમે તો સુખે બેઠાં મૂર્તિ સંભારજો.’ આ રીતે દિવ્ય મુક્તોનાં દિવ્ય વચનથી દેવરાજભાઈ આદિ હરિભક્તો પ્રફુલ્લિત થયા. થોડે થોડે સંત-હરિભક્તો ઘણા આવી પહોંચતાં મંદિર ઊભરાવા લાગ્યું. સવાર-સાંજ સૌ જમે-રમે ને મંદિરમાં મોટી સભા ભરાય. સંતોની સામે બાપાશ્રીનું આસન નાખેલ હોવાથી સંતો પ્રશ્નો પૂછે, ઉત્તરો થાય, સદ્‍ગુરુઓ વાતો કરે, એમ કથાવાર્તા ચાલતાં હરિભક્તો પોતાનાં અહોભાગ્ય માનતા હતા. ક્યારેક બપોરે કે સાંજે ધનબા પાસે આ મુક્તરાજ જાય ત્યારે એમ કહે જે, ‘તમે કાંઈ ફિકર ન રાખજો. મોટા સ્વામી અક્ષરજીવનદાસજી અને અમદાવાદના સદ્‍ગુરુઓ બહુ જબરા છે ને બધાયને સાચવે એવા છે, તેથી કોઈ વાતે વાંધો નહિ આવે.’ એવાં વચનોથી ધનબા રાજી થાય ને કહે, ‘ભાઈ! તમે આગળ આવીને બેઠા છો ને શું વાંધો હોય?’

એમ કરતાં વદ એકમ આવી એટલે ચોકમાં ચંદની બંધાવી, વચ્ચે કથામંડપ તૈયાર કર્યો. માંહી સિંહાસન કર્યું ને વાડીઓમાંથી ફૂલો આવ્યાં. તેના સંતો હાર તૈયાર કરવા મંડ્યા. બીજે દિવસ સવારમાં તો જેમ વૃષપુરમાં ચોધડિયાં, ત્રાંસાં, શરણાઈ આદિ વાગતાં હતાં, તેમ અહીં પણ ભારે ધામધૂમ થવા માંડી. સંતો વહેલા પરવારી સભામંડપમાં આવી વિધિ કરવા લાગ્યા, તે વખતે ધનબાએ દેવરાજભાઈ ભેગું કહેવરાવ્યું જે, ‘ભાઈ પાસે પૂજા-આરતી બધુંય કરાવજો.’ બાપાશ્રી તો તૈયાર જ હતા. થોડી વારે વિધિ થઈ રહ્યા પછી બાપાશ્રીએ મહારાજની ચંદન-કુંકુમ ને પુષ્પહારથી પૂજા કરી, થાળ જમાડી, આરતી પ્રગટી એ ટાણે જ્યાં ને ત્યાં આનંદ આનંદ છાઈ રહ્યો. સૌ ઊભા થયા, એટલે ચોક ને મંદિર સંત-હરિભક્તોથી ઊભરાવા લાગ્યું. પછી અનાદિ મુક્તરાજ બાપાશ્રી તથા દેવરાજભાઈએ આરતી ઉતારવા માંડી, સૌ ‘જય સદ્‍ગુરુ સ્વામી, જય સદ્‍ગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ બળવંત બહુનામી,’ –એ બોલતા હતા. એ વખતે કેટલાકને શ્રીજીમહારાજની મૂર્તિનાં પ્રત્યક્ષપણે દર્શન થતાં હતાં. આરતી થઈ રહ્યા પછી સૌ ‘જય’ બોલ્યા ને કથા વાંચનાર પુરાણીએ મંગળાચરણ કર્યું, એટલે આ અનાદિ મુક્તરાજ તથા દેવરાજભાઈએ પુરાણીની ચંદન-કુંકુમ ને પુષ્પહારથી પૂજા કરી. પુરાણીએ પણ આ દિવ્ય મુક્તોને ભાલે ચંદન ચર્ચ્યું ને કુંકુમના ચાંદલા કરી હાર પહેરાવ્યા ને કથા ચાલતી થઈ. પછી સભામાં સંત-હરિભક્તોની પૂજાઓ થાય ને કથા વંચાય. સભા વચ્ચે આ મહામુક્તરાજ બેઠેલા, તેથી સંત-હરિભક્તો સહુ દર્શન કરે, કથા સાંભળે ને આનંદ પામે. જ્યારે સમય થયો, ત્યારે સમાપ્તિ થઈ એટલે સંત-હરિભક્તો ઝીલણિયા કીર્તન બોલ્યા ને પ્રસાદી વહેંચાણી; ત્યાર પછી જમવાનો સાદ થયો, તેથી સહુ જમવા ગયા. પછી તો જેવી રીતે વૃષપુરમાં અનાદિ મુક્તરાજ બાપાશ્રીના યજ્ઞમાં થતું હતું તેવી જ રીતે સવાર-સાંજ, બ્રહ્મયજ્ઞ થયા જ કરે. સંતોની પંક્તિ મંદિરમાં થાય ને હરિભક્તો બહાર જમવા જાય. ત્યાં ટાણે ટાણે મુક્તરાજ ધનબા પોતાનાં સેવકોએ સહિત છેટે ઊભાં રહી હરિભક્તોની પંક્તિઓનાં દર્શન કરે, એ વખતે અનાદિ મુક્તરાજ બાપાશ્રી પણ દેવરાજભાઈ અને દહીંસરાના મુક્તરાજ કેસરાભાઈ તથા નારાયણપુરવાળા ધનજીભાઈ અને સુખપુરવાળા મુક્તરાજ દેવજીભાઈ, ભારાસર, માનકૂવા, વૃષપુર, કેરા, ગોડપર, મેઘપર આદિ ગામોના મોટા મોટા હરિભક્તોને સાથે લઈ પંક્તિમાં દર્શન દેવા ફરતા હોય. એ ટાણે પણ કેટલાક હરિભક્તો બાપાશ્રી તથા કેસરાભાઈને હાર પહેરાવી ચંદન ચર્ચી દંડવત્ કરે, એવાં અલૌકિક દર્શનથી એ સુખમાં કોઈને તૃપ્તિ જ થાય નહિ.