૪૦૪ - સંત-હરિભક્તોની પ્રાર્થના

0:000:00

બીજે દિવસ સૌને દ્વાદશીનાં પારણાં કરવાનાં હતાં, પણ સવારમાંથી જ બાપાશ્રી ખાટલો ઊપડાવી ઠાકોરજીનાં દર્શન કરવા મંદિરમાં આવ્યા ને સૌને હાથ જોડી ‘જય સ્વામિનારાયણ’ કરતા રજા માગવા મંડ્યા અને બ્રહ્મચારી નિર્ગુણાનંદજીને કહ્યું, ‘તમે મારા વાંસે પારાયણ કરજો.’ એ વચનથી તે તો કાંઈ બોલી ન શકતાં ઉદાસ થઈ ગયા. પછી સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીનો હાથ ઝાલીને કહ્યું જે, ‘સ્વામી! રાજી રહેજો ને સૌની સંભાળ રાખજો. આપણે આમ ઘણું ભેળા રહ્યા. હવે મૂર્તિમાં અખંડ ભેળા રહીશું. સૌ કાલના ઉપવાસી છો તે આજ ઠાકોરજીને થાળ કરી જમાડી લ્યો. આપણે આજ બાર વાગ્યા સુધી ભેળા રહેવાનું છે. આમ કહ્યું એટલે એ પણ શું કહી શકે? પોતે તો એ જ વખતે હરિભક્તોને કહી ખાટલો ઘેર ઉપડાવી ગયા. બાપાશ્રીનાં આવાં મર્મવચનોથી સ્વામી આદિ સંતો તથા હરિભક્તોનાં હૃદય ભરાઈ આવ્યાં. થોડી વારે વળી હરિભક્તોને બોલાવી બાપાશ્રી કહેવા લાગ્યા જે, ‘આજ મોટા મોટા હરિભક્તો સૌ ઘેર રહેજો.’ પૂજારી રામજીભાઈને પણ એમ કહ્યું જે, ‘તમો હાર પરોવી તૈયાર રાખજો.’ આમ આ લોકમાંથી પરવારતા જોઈ અમદાવાદ, મૂળી વગેરેના પચાસ જેટલા સંતો તથા બ્રહ્મચારી નિર્ગુણાનંદજી અને પુરાણી કેશવપ્રિયદાસજી તથા કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, ઝાલાવાડ વગેરેના હરિભક્તો જે ત્યાં હતા તે સર્વે ઉદાસ થઈ ગયા. સૌને એમ જે, આજ બાપાશ્રી બાર વાગ્યા પછી દર્શન બંધ કરી દેવાના છે, તેથી કોઈએ ઠાકોરજીના થાળે ન કર્યા, તેમ પાણીએ પીધું નહિ ને સૌ બાપાશ્રી પાસે જઈ, એ દિવ્ય સ્વરૂપનાં દર્શન કરતા ને મહારાજને પ્રાર્થના કરતા બેસી જ રહ્યા. બ્રહ્મચારી નિર્ગુણાનંદજીને તો ‘મારા વાંસે પારાયણ કરજો.’ –એ વચને જ બેભાન જેવા કરી મૂક્યા હતા. બાઈઓમાં આવા ખબર પડતાં તેઓ પણ મહારાજ પાસે બેસી માળા ફેરવતાં, તો કોઈ પ્રાર્થના કરતાં કહેવા લાગ્યાં જે, ‘હે મહારાજ! દયા કરી ને આ અનાદિ મુક્તરાજને હમણાં સત્સંગના સુખ સારુ રાખો તો ઠીક.’ મહામુક્ત ધનબા તથા કંકુબા જેવા મોટાં ડોશીઓ પણ એવી જ રીતે પ્રાર્થના કરતાં મહારાજ પાસે બેસી રહ્યાં હતાં.