૪૨૪ - સેવા કરાવી સાજા કર્યા
સંતો કથાવાર્તા કરતા હોવાથી આ હરિભક્તોને ઘણું સુખ આવ્યું, પણ બીજો દિવસ થયો ત્યાં તો એ સર્વેને એકસાથે તાવ આવ્યો, તેથી એકબીજા આસને જઈ ઓઢી ઓઢીને સૂતા. ખબર પડતાં બાપાશ્રી તથા સંતો તેમને જોવા આવ્યા, પણ તાવ ઘણો હોવાથી સંતોને બાપાશ્રીએ કહ્યું જે, ‘આમની ખબર રાખજો ને ઉકાળા કરીને પાજો.’ આવી આજ્ઞાથી સંતો ઉકાળા તૈયાર કરીને પાવા લાગ્યા. તેમ કોઈને માથું દુઃખે ત્યારે થેપલિયું કરાવીને માથે મુકાવે. ગામના હરિભક્તો પણ સેવામાં હાજર રહે. કોઈ ઉઠાડે, તો કોઈ નવરાવે, એમ સહુ બનતી સેવા કર્યા કરે, પણ જાણે બાપાશ્રીના મંદવાડની પ્રસાદી મળી હોય તેમ દસ દિવસ પછી સૌને ઠીક થયું ત્યાં સુધી દરરોજ બાપાશ્રી તથા સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો તેમની પાસે જઈ બરદાસ કરાવતા. પછી એ સર્વેને રજા આપી ત્યારે ઘણી પ્રસન્નતા જણાવી આશીર્વાદ આપ્યા ને પોતે મંદિરની ડેલી સુધી હળવા હળવા વળાવવા આવી ત્યાં સૌને મળ્યા.