૪૭૦ - તાવનું સર્વોત્તમ ઔષધ
થોડા દિવસ પછી બાપાશ્રીના મોટા પુત્ર કાનજીભાઈને તાવ આવવા માંડ્યો, પણ એ કાંઈ ઔષધ કરે નહિ તેથી તાવ ઘણા દિવસ સુધી રહ્યો. બાપાશ્રી સવાર-સાંજ એમની પાસે જાય ત્યારે કહે, ‘બચ્ચા! કાંઈ ખાવું છે?’ તો ના પાડે. ત્યારે પોતે જમાડવાનો બહુ આગ્રહ ન કરે ને થોડી વાર વગર બોલ્યા પાસે બેસી શરીર પર ને માથા પર હાથ ફેરવી કહે જે, ‘મહારાજ સારું કરી દેશે.’ લૂગડું ઓઢ્યું ન હોય તો ઓઢાડે, ક્યારેક પાણી પાય, એમ કરતાં એ મંદવાડ લાંબો ચાલ્યો. વચમાં પોતે એક દિવસ ભૂજમાં હિંડોળાનાં દર્શન કરવા ગયા, ત્યાં સંતો તથા બ્રહ્મચારી અને ભોગીલાલભાઈ, ધનજીભાઈ આદિ સહુએ રોકવા તાણ કરી, પણ ન રોકાતાં બીજે દિવસે વળી આવ્યા.
એ વખતે વૃષપુરમાં એક હરિભક્ત બહારગામથી બાપાશ્રીનાં દર્શન કરવા આવેલ, તેણે એમ વાત કરી જે, ‘બાપા! કાનજીભાઈને તાવ ઘણો છે તેમ ઉધરસ આવે છે, તેથી કાંઈ ખવાતું નથી ને અશક્તિ વધી ગઈ છે તે હું ઔષધ આપું તે ખવરાવો તો તાવ ને ઉધરસ બેય મટી જાય. મંદવાડ વધી ગયો છે તે ઔષધ વિના નહિ હઠે.’ ત્યારે બાપાશ્રીએ તેને કહ્યું જે, ‘ઔષધ ચાલે છે.’ આ વચન સાંભળી તે હરિભક્તને નવાઈ લાગી ને પૂછ્યું જે, ‘ઔષધમાં કઈ કઈ વસ્તુ અપાય છે?’ ત્યારે બાપાશ્રી કહે, ‘બે જ વસ્તુ- એક મહારાજ ને બીજા તેમના મુક્ત. એ બેને સંભારે એટલે બધાય રોગ મટી જાય. ઉકાળા, ફાકી કે બીજું કાંઈ કરવાની ના નથી, પણ જો એમાં મહારાજ ન ભળે તો કાંઈ કામ ન થાય.’ આમ વાત કરવાથી તે હરિભક્તને બાપાશ્રીનો બહુ જ ગુણ આવ્યો ને કાનજીભાઈને પણ બીજા દિવસથી ઠીક થતું ગયું.