૨૭૧ - મૂર્તિપ્રતિષ્ઠોત્સવ

0:000:00

થોડા દિવસ કથાવાર્તા ને દર્શન-સેવા–સમાગમથી સૌ આનંદ પામતા હતા ત્યાં મૂર્તિપ્રતિષ્ઠાનો દિવસ આવ્યો. એ દિવસ સવારની કથા કરી સંતો તથા અનાદિ મુક્તરાજ બાપાશ્રી અને હરિભક્તો ગાડીખાતાવાળા બાઈઓના મંદિરમાં આવી ગયા. બાઈઓએ સવારમાં વહેલા પરવારી સર્વે જોઈતી સામગ્રી તૈયાર કરી પાટ પર મહારાજની મૂર્તિઓ પધરાવી રાખી હતી, તેથી અનાદિ મુક્તરાજ બાપાશ્રી તથા સંત-હરિભક્તો આવ્યા એટલે પ્રતિષ્ઠાવિધિ તથા ધામઘૂમ થવા લાગી. મંદિર બહાર ચોઘડિયાં વાગતાં હતાં ને હરિભક્તોએ ઉત્સવ કરવા માંડ્યો. આમ થોડી વાર થઈ ત્યાં તો મંદિર હરિભક્તોથી ઊભરાઈ ગયું. જ્યારે ષોડશોપચારવિધિ થવા માંડ્યો, ત્યારે પુરાણી મુનીશ્વરાનંદજી આદિ બ્રહ્મચારીઓ તથા ભૂજના પુરાણી ધર્મજીવનદાસજી આદિ સંતો અષ્ટક તથા શ્લોક બોલતા હતા. શહેરનાં આવતાં- જતાં માણસો પણ આ ધામધૂમથી દર્શન કરવા આવતાં, તેથી ઠેઠ મંદિરના દરવાજા સુધી હરિભક્તો ઊભા સમાતા નહોતા. કેટલાંક તો રસ્તામાં ઊભા રહી દર્શન કરતા હતા. મુહૂર્ત પ્રમાણે સમય થયો ત્યારે આ અનાદિ મુક્તરાજ તથા બ્રહ્મચારી મહારાજ અને સંતોએ મળી, મહારાજની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી, આરતી ઊતારી; તે વખતે મહારાજની મૂર્તિમાંથી જાણે તેજની છટા છૂટતી હોય ને મંદ મંદ હસતા થકા રાતી રેખાએ યુક્ત નેત્રકમળથી જાણે અમૃત વરસાવતા હોય તેમ દર્શનમાત્રે કૃતાર્થ કરતા હતા અને અનાદિ મુક્તરાજ બાપાશ્રી પણ આ વખતે સૌ ઉપર કૃપાદૃષ્ટિએ જોઈ રહ્યા હતા. હરિભક્તોની ભીડ મઘ્યે મહારાજની પાસે ને સંતમંડળ સાથે બાપાશ્રી પુષ્ટ શરીરે ઊભા હતા, ત્યાં હરિભક્તોએ આવી, મહારાજની મૂર્તિઓ પર અને તેમના પર ગુલાલ નાખ્યો ને ઊંચે સાદે શ્રીજીમહારાજની ‘જય’ બોલી સૌ હરિભક્તો પર ગુલાલ ઉડાડ્યો. પછી વારાફરતી છડીદારની પેઠે “ઘણી ખમા મહારાજાધિરાજને, ઘણી ખમા!” એ રીતે ઘણી વાર બોલ્યા ને જયજયકાર થઈ રહ્યો. પછી બ્રહ્મચારીએ ઠાકોરજીને મગજના લાડવાનો મોટો ત્રાંસ ભરી થાળ જમાડ્યો ને એ થાળમાં બાપાશ્રી તથા સંતોના હાથ ફેરવાવી આત્યંતિક મોક્ષનો સંકલ્પ કરાવી સૌને એ પ્રસાદી વહેંચી; ત્યાર પછી અનાદિ મુક્તરાજ બાપાશ્રી તથા સંત-હરિભક્તો મોટા મંદિરમાં ગયા. એ પછી બાઈઓનો સમૂહ મંદિરમાં આવ્યો ને સાંખ્યયોગી બાઈઓ, લીરૂબા આદિ સૌએ મળી મુક્તરાજ ધનબા પાસે આરતી ઊતરાવી મોક્ષનું વરદાન લઈ, તેમના હાથ ફેરવાવી બાઈઓમાં પ્રસાદી વહેંચી. આ રીતે પ્રતિષ્ઠાવિધિ પૂરો થયો.