૮૪ - સંતો સમાધિ જોવા આવ્યા

0:000:00

આ વાતને બેત્રણ દિવસ થયા ત્યારે સ્વામીશ્રીએ થોડા સાધુને વૃષપુર મોકલ્યા ને કહ્યું જે, ‘આ હરિભક્તો કહી ગયા તે વાતમાં કાંઈ સાંચુ હોય એમ તો મને જણાતું નથી, પણ તમે ત્યાં જઈને આ વાત કઈ રીતે થઈ છે, તે જરા જાણી લેજો, એટલે ફરી વાર તેઓ આવે તો કહેવા થાય. આ સાધુઓને પણ તે માણસોએ કાંઈ કહેલ હોવાથી એમણે તો ત્યાં જઈને ભાઈશ્રીને મંદિરમાં બોલાવી કાંઈ પણ પૂછ્યા વિના વઢવા જ માંડ્યું જે, ‘તમે આ શું લઈ બેઠા છો? સગાસંબંધીમાં અથવા સત્સંગમાં ને નાતમાં જો આ વાતની ખબર પડશે તો તમને ઠપકો જડશે.’ એવાં વચનો સાંભળતાં થોડી વાર તો પોતે કાંઈ ન બોલ્યા; સાંભળી રહ્યા, પણ ઊઠ્યા ત્યારે સંતોને દંડવત્ કરીને કહ્યું કે, ‘જુઓ, સ્વામી! મારે કોઈ સગુંય નથી ને વહાલુંય નથી, કોઈ ભાઈયે નથી, કોઈ નાતજાતેય નથી, કોઈ માબાપેય નથી. હું ને એક સ્વામિનારાયણ બે જ છીએ, તમે ફાવે તેમ કહો, મને કોઈ વાતની ખબર નથી.’ એમ કહી ઘેર ચાલ્યા ગયા. સંતોને એમ થયું જે, ‘આપણે કીધું એક ને એમણે કીધું બીજું. આમાં કાંઈ સરખી વાત થઈ નહિ. હવે આપણે શું સમજવું?’ એમ કહી તે તો નારાયણપુર ગયા.

ભાઈશ્રી તો બીજે દિવસે ઘેર જઈને થોડી વાર સૂતા હતા ત્યાં સમાધિમાં જતા રહ્યા. આગલે દિવસ સાધુઓ કહેવા આવ્યા હતા એમ જાણી ઘરમાં બધાય ઉદાસ થઈ ગયેલા; ત્યાં વળી આ સમાધિ થઈ. તેથી બીકમાં ને બીકમાં ઘણુંય છાનું રાખવાનું કર્યું, પણ વાત તુરત ગામમાં ફેલાઈ ગઈ. ઘર બંધ રાખી, જે જોવા આવે તેને એમ કહે જે, ‘એ તો ધ્યાનમાં છે,’ કોઈને કહે, ‘જરા ઠીક નથી,’ કોઈને ‘અમથા સૂતા છે’ એમ કહી કહીને પાછા વાળે. મનમાં એ બીક કે કાલ સાધુ વઢવા આવ્યા હતા તેથી હવે આપણે વાંકમાં આવી જશું. પણ વાત તો ધીરે ધીરે નારાયણપુર પહોંચી ગઈ. સાધુઓને ખબર પડતાં, ‘આ કેમ થાય છે? સાચું છે કે બનાવટ છે?’ એ નક્કી કરવા ઉતાવળા ઉતાવળા એ તો તુરત વૃષપુર આવ્યા ને પોતાની રુચિને અનુકૂળ વાત કરનારા પાંચદસ હરિભક્તોને બોલાવીને પૂછી જોયું, પણ ‘આ વખતે સમાધિ થઈ છે કે કેમ?’ તેની કોઈને ખબર ન હોવાથી થોડા હરિભક્તોને લઈ તે સાધુઓ ઘેર આવ્યા. ત્યાં જઈને જુએ તો આ મુક્તરાજ ભાઈશ્રીને તો કાંઈ શુધ્ધસાન નહોતી. પણ આ સમાધિ સાચી છે કે ખોટી, તેની ખાતરી કરી લેવા, સૌએ મળી ઘરને બહરથી વસાવ્યું, પછી સૌ મંદિરમાં ગયા. થોડી વાર થઈ ત્યાં ભાઈશ્રીની દીકરી વાલબાઈ વાડીએથી ઘેર આવ્યાં, પણ ઘર બંધ જોયું. પછી ખબર પડતાં મંદિરમાં કહેવરાવ્યું જે, ‘તમે ઘર તો વસાવી ગયા, પણ અમારા ઘરના માણસને હવે ક્યાં જવું? ઘર ઊઘડાવો, મારા બાપ જાગે તો શું ખબર પડે? બે દિવસે જાગે, આઠ દિવસે જાગે, કે આ ટાણે જાગે, ત્યાં સુધી અમારે શું કરવું?’ પછી રામપુરવાળાં મુક્તરાજ ધનબા બાઈઓના મંદિરમાં હતાં, ત્યાં જઈ આ દીકરીએ વાત કરી જે, ‘મા! અમારું ઘર મંદિરમાંથી સાધુ તથા હરિભક્તોમાંથી કોઈક વસાવી ગયા છે ને મારા બાપ ઘરમાં સૂતા છે.’ આવું સાંભળી મુક્તરાજ ધનબાએ હરિભક્તોને બોલાવી ઠપકો આપ્યો જે, ‘તમે ભેળા થઈને આવું કામ કર્યું છે, પણ જો આમાંથી કાંઈક થઈ જાય તો તમારા માથે કેવો મુદ્દો આવે? માટે તમે તાળું ઉઘડાવી નાખો,’ પછી તાળું વસાવ્યું હતું તે બધા શરમાઈ ગયા. મુક્તરાજ ધનબા તો ભાઈશ્રી ત્રીજે દિવસે સમાધિમાંથી જાગ્યા ત્યાં સુધી ત્યાં જ રહ્યાં હતાં. આ મુક્તરાજ જાગ્યાની તેમને ખબર પડી કે તુરત તે ભાઈશ્રી પાસે આવ્યાં ને ‘જય સ્વામિનારાયણ’ કરી પૂછ્યું, ‘ભાઈ! તમે નાહીને પૂજા કરી લ્યો, હું ઠાકોરજીને જમાડવા થાળ તૈયાર કરાવું છું.’ એમ કહી ઘરમાં શીરો ને સેવો તૈયાર કરાવવા લાગ્યાં, ત્યાં તો ભાઈશ્રી પણ નાહિ પૂજા કરી લીધી, પછી મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરવા ગયા. સંતોને એમની સમાધિ વિષે જાણવું હતું, તેથી એ તો રોકાઈને વાટ જોઈ રહ્યા હતા. ત્યાં ભાઈશ્રીને જોયા તેથી એ રાજી થયા. ભાઈશ્રીએ તો ઠાકોરજીને દંડવત્ કરી, પગે લાગી સંતોને ‘જય સ્વામિનારાયણ’ કર્યા ને કહ્યું જે, ‘તમે કોઈના કહેવાથી ઘાટ-સંકલ્પ કર્યા કરો છો ને ભગવાન ભૂલો છો, પણ હું તો એક શ્રીજીમહારાજને આધારે છું. મહારાજ વિના બીજા કોઈનો મારે આધાર નથી. તમને મારી આ વાત મનાય તો મહારાજની બીક રાખજો ને જેનીતેની વાત સાંભળીને હાએ હા ન કરજો, નહિ તો તમે તમારું જાણો.’ એમ કહી ઘેર આવ્યા ને ઠાકોરજીને જમાડ્યા. પછી મુક્તરાજ ધનબા રામપુર જવા તૈયાર થતાં હતાં તે જોઈને પોતે એમ કહ્યું જે, ‘તમે બે દિવસ ખમ્યાં હોત તો ઠીક હતું.’ ત્યારે તે કહે, ‘ભલે ભાઈ! જેમ તમે રાજી તેમ હુંય રાજી.’ એમ કહી બે દિવસ રોકાયાં. તે વખત સવાર-સાંજ પોતે મંદિર જઈ આવતાં ને આખો દિવસ ભાઈશ્રીની પાસે ને પાસે રહેતાં; અને જે હરિભક્તો દર્શને આવે તેમને એમ કહે જે, ‘આ મહારાજના લાડીલા મુક્તનો મહિમા જાણજો. ‘ઘેર તીર્થ ને પાધર દેવ’ એવું કોઈ કરશો મા. આવા મુક્તને વિષે જે કોઈ મનુષ્યભાવ પરઠશે તેનું ઠેકાણું નહિ રહે! આમને અક્ષરધામમાંથી મહારાજે જીવોના કલ્યાણ કરવા મૂક્યા છે. તે વાતની બીજાને શું ખબર પડે! આવા મોટાનો વાયરો અડે એટલામાં કલ્યાણ થાય એવું છે, સેવા ન થાય તો હાથ જોડવા, તોય ઘણું, પણ કોઈ જેવાતેવા ભાવ પરઠશો મા. સૂરજબા કેવડાં મોટાં હતાં? તોય એમને ઘેર બોલાવીને હેતે સહિત જમાડતાં, મહિમા જાણતાં ને અમને કહેતાં જે, કલ્યાણ ખપતું હોય તો ભાઈને કે લક્ષ્મીરામભાઈ જેવાને હાથ જોડીએ એટલામાં કલ્યાણ થાય! એવાને મૂર્તિના સુખરૂપ અમૃત વિનાનો બીજો આહાર ન હોય ને જીવ તો માયામાં ગોથાં ખાતા હોય તેને આવા ક્યાંથી મળે? આ તો શ્રીજીમહારાજે દયા કરી છે.’ આમ કહેતાં, તેથી હરિભક્તોમાં ઘણો સમાસ થયો. એક વખત દિવસના રામજી નારણ ભાઈશ્રી પાસે દર્શને આવ્યા, તેને ધનબાએ ભાઈશ્રી સાથે નારાયણપુર જોયેલા, તેથી રાજી થઈને કહ્યું કે, ‘તમે ભાઈનો પક્ષ બહુ સાચવ્યો, માટે તમારું તો અમારી હારે કલ્યાણ થશે.’ આવાં રાજીપાનાં વચનથી તેને ધનબાનો અત્યંત દિવ્યભાવ આવ્યો. ત્યાર પછી બે દિવસે ધનબા રામપુર ગયાં અને સાધુઓએ ભૂજ જઈને આ બધી વાત કરી, તેથી સ્વામીશ્રીએ નારાજ થઈ તેમને બહુ ઠપકો આપ્યો.

આ રીતે અનાદિ મુક્તરાજ ભાઈશ્રી વૃષપુરમાં રહ્યા થકા આવી કેટલીક ખોટી ઉપાધિઓ તથા વ્યાવહારિક મુશ્કેલીઓને ન ગણીને, મંદિરમાં કથાવાર્તા કરવા ઉપરાંત વાડીએ જવા-આવવા ને બનતું કામકાજ કરવા લાગ્યા. સવાર-સાંજ મંદિરમાં કથાવાર્તા કરે, મહિમાવાળા હરિભક્તો આવે તેને વાતેચીતે શાંતિ પમાડે, કેટલાક ઉપર ઉપરથી મહિમા કહેતા હોય ને માહીં લૂખા હોય, તેની સાથે થોડું બોલે, પણ તેનુંય સારું કરવાનું તાન. પોતાના ઉપર કરજ હોવાથી ઘરમાં બીજો કાંઈ વૈભવ તો જણાતો નહિ; પહેરવાનાં લૂગડાં પણ સાવ સાદાં રાખતા. તેમ જ ઘરમાં નાનામોટા સૌ સાદા, ભોળા ને મહિમાવાળા હતા, તેથી એ બધા આ મુક્તરાજ ભાઈશ્રીનાં દર્શનથી જ સંતોષ વાળતા.