૩૭૮ - સંતો વૃષપુર આવ્યા

0:000:00

ત્યાર પછી સવંત ૧૯૭૩ના વૈશાખ માસમાં અમદાવાદથી સદ્‍ગુરુ સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી, સ્વામી ઘનશ્યામજીવનદાસજી તથા સ્વામી નારાયણસેવકદાસજી આદિ તથા મૂળીના સ્વામી ભગવત્સ્વરૂપદાસજી તથા પુરાણી ધર્મકિશોરદાસજી વગેરે ઘણા સંતો કચ્છમાં આવવા નીકળ્યા હતા. તે ભૂજ થઈ વૃષપુર આવ્યા, ત્યારે બાપાશ્રી ઘણો રાજીપો જણાવી મળ્યા ને બોલ્યા જે, ‘તમે આવ્યા એ ઠીક થયું; કુંભારીઆમાં ગોવાભાઈએ તળાવની પાળ ઉપર છત્રી કરાવી ચરણારવિંદ તથા હનુમાનજી પધરાવ્યાનું નક્કી કરેલ છે, તેમના કાગળો મારા પર બે-ત્રણ આવી ગયા, તેથી આપણે ત્યાં જવું પડશે,’ ત્યારે સંતો કહે, ‘ભલે!’ –એમ વાતો કરતાં આસન કરાવ્યાં ને માર્ગના સમાચાર પૂછ્યા. બીજા સંતો, પુરાણી કેશવપ્રિયદાસજી વગેરે ત્યાં પ્રથમથી જ હતા, તે પણ સદ્‍ગુરુઓ આવતાં ઘણા રાજી થયા ને કથાવાર્તારૂપ બ્રહ્મયજ્ઞ ચાલતો થયો.

એક દિવસ સવારમાં પુરાણી કેશવપ્રિયદાસજીને બાપાશ્રી કહે, ‘પુરાણી! તમારા ગુરુએ દેહ મેલ્યો ત્યારે અમે ત્યાં આવ્યા હતા.’ આ વચન સાંભળીને તેમને ઘણો આનંદ થયો, કેમ કે માહ મહિનાની અમાસને દિવસે જ્યારે તેમણે દેહ મૂક્યો, ત્યારે શ્રીજીમહારાજ સાથે બાપાશ્રીનાં તેમને દર્શન થયાં હતાં, પણ બાપાશ્રીએ ફરી વાર કહ્યું તેથી એ ઘણા રાજી થયા.

આ વખતે સ્વામીશ્રી આદિ સદ્‍ગુરુઓ તથા મૂળીના સંતો બધા એકરુચિવાળા હોવાથી રોજ સવાર-સાંજ વચનામૃત વંચાતાં. તેમાંથી ચમત્કારી વાતો નીકળતી ને પ્રશ્નોત્તર થતા, તેથી હરિભક્તોમાં ઘણો સમાસ થતો હતો.