૨૦૪ - જાદવજીભાઈ પર મહારાજની દયા

0:000:00

એમ કરતાં સંવત ૧૯૬૦ની વસંતપંચમી આવી; તે દિવસે ગામના હરિભક્તોએ ઠાકોરજી પાસે આંબો રોપી ધામધૂમથી ઉત્સવ કર્યો. તે વખતે નારાયણપુરથી ધનજીભાઈ દર્શન કરવા આવ્યા ને બાપાશ્રીને પ્રાર્થના કરી જે, ‘બાપા! મારા બાપને હમણાં જરા જરા કુશરાઈ રહે છે, તેથી મને કહ્યું છે કે, બાપાને કહેજે કે, મારા પર દયા રાખે.’ જાદવજીભાઈને બાપાશ્રીને વિષે હેત ઘણું, તેમ પ્રથમ તેમણે સેવાએ બહુ રાજી કરેલા, તેથી તે જ દિવસે ધનજીભાઈની સાથે પોતે નારાયણપુર પધાર્યા. જાદવજીભાઈ તો દર્શન કરી રાજી થયા ને કહે, ‘ભાઈ! આજ તો તમારે મારી પાસે ખમ્યું જોશે’, એમ કહી રાત્રે જવા ન દીધા, ને મહારાજના મહિમાની વાતો કરાવી આનંદ પામ્યા. રાત્રે મોડા મોડા સૂતા, પણ એમ વિચાર કર્યા કરે જે, ‘અહો! ભાઈની મારા પર આવડી બધી દયા!’ પછી સવારે ઊઠી તાણ કરવા મંડ્યા જે, ‘ભાઈ! આજનો દિવસ ખમી જાઓ તો?’ ત્યારે બાપાશ્રી કહે, ‘જાદવજીભાઈ! આપણે ક્યાં જુદા હતા? સાથે જ છીએ,’ –એમ કહી તેમને સંતોષ પમાડી પોતે વૃષપુર આવ્યા. અહીં જાદવજીભાઈને તો હવે થોડો થોડો તાવ કાયમ રહેવા માંડ્યો, તેથી કાંઈ જમવાનું ભાવે નહિ, એટલે હળવે હળવે અશક્તિ આવવા માંડી, તોપણ ચારપાંચ વખત કઠણ થઈ વૃષપુર દર્શન કરવા આવી ગયા. એક દિવસ પ્રાર્થના કરી કહેવા લાગ્યા જે, ‘ભાઈ! તમે મારા પર રાજી છો, તેથી મારે કાંઈ કસર તો રહી નથી, તોપણ આ તાવમાં મારી નજર રાખજો, ને મંદવાડ વધુ થઈ જાય તો સંભાળ લેજો.’ ત્યારે બાપાશ્રી કહે, ‘જાદવજીભાઈ! આપણે તો સદાય ભેળા છીએ. દેહ છે તે તાવ આવે, માથું દુઃખે, તેમાં શું થયું?’

ત્યાર પછી વળી એક દિવસ તો શરીર તાવથી ભરેલું ને ધનજીભાઈને સાથે લઈ દર્શને આવ્યા, ત્યારે બાપાશ્રી અતિ હેત જણાવી મળ્યા; પાસે બેસારી મહારાજની વાતો કરી; પછી ઘેર જવાનું કહીને ભલામણ કરી કે, ‘હવે તમારે અહીં આવજા ન કરવી, તમારો દેહ ખમતો નથી ને મને શરીરે સારું છે, તેથી હું ટાણે ટાણે નારાયણપુર આવી જઈશ.’ આમ મર્મ કર્યો, પણ જાદવજીભાઈ એ વાત સમજી શક્યા નહિ ને ઘેર ગયા. એમ કરતાં વદ તેરસ આવી, ત્યાં તો એમને મંદવાડ ઘણો વધી ગયો, તે ત્રણ દિવસ તો શ્વાસ જ હેઠો બેસે નહિ, પોતે ‘હે મહારાજ! હે દયાળુ! હે કૃપાનાથ! હે દીનબંધુ!’ એમ બોલ્યા કરે. વળી માથે ઓઢી સૂવે ને ઘડીક થાય ત્યાં શ્વાસ ચડે, તેથી બેઠા થઈ જાય. આવી તેમની પરાધીન સ્થિતિ જોઈ રોજ બપોરના બાપાશ્રી ઘેરથી ઠાકોરજીને જમાડી નારાયણપુર આવી દર્શન આપે ને પાસે બેસી મહારાજના અદભુત પ્રતાપની વાતો કરે. એમ કરતાં અમાસને દિવસે જાદવજીભાઈ કહે, ‘ભાઈ! હવે કેમ થશે?’ ત્યારે બાપાશ્રી કહે, ‘ભાઈ! હવે બધુંય સારું થઈ જશે, મૂંઝાજો મા;’ ત્યારે જાદવજીભાઈ કહે, ‘આમ ખરે વખતે મારી સંભાળ લેશો તો મને હરકત નથી.’ ત્યારે બાપાશ્રી કહે, ‘ફિકર રાખશો મા; શ્રીજીમહારાજ અને અનંત મુક્ત તમારી સહાયમાં છે. તમે સત્સંગમાં બહુ સેવા કરી છે. ક્યારેય મહારાજના વચનમાં ફેર પાડ્યો નથી.’ એમ કહી પ્રસન્નતા જણાવી માથે હાથ મૂક્યા ને છાતી પર હાથ ફેરવતાં બોલ્યા જે, ‘હવે મૂર્તિ ધારી સૂઈ જાઓ, એટલે શાંતિ થઈ જશે.’ પછી પોતે વૃષપુર ગયા ને જાદવજીભાઈ તો સૂતા એવા જ ઊંડા ઊતરી ગયા. પછી જ્યારે જાગ્રત થાય ત્યારે, ‘હે મહારાજ! હે કૃપાનાથ!’ એમ બોલે, હાથ જોડે, એમ આખી રાત કર્યું. પછી સવારમાં ચાર વાગ્યાનો સમય થયો ત્યારે ઘરના સૌ પાસે બેઠા હતા, ત્યાં પોતે ઝબકીને બેઠા થયા ને બોલ્યા જે, ‘અહો! મહારાજ પધાર્યા! બહુ દયા કરી! વાહ કૃપાળુ વાહ!’ ત્યારે મહારાજ કહે, ‘તમે તૈયાર થાઓ, અમે તેડવા આવ્યા છીએ.’ આ વચન સંભાળતાં તેમના હર્ષનો પાર રહ્યો નહિ. પોતે તો તૈયાર જ હતા. તેથી હાથ જોડતાં જોડતાં ઊંડા ઊતરી ગયા ને શ્વાસ ધીમો પડવા માંડ્યો, એટલે સૌએ ધૂન્ય કરતાં કરતાં જમીન પર લીધા.

આ વખતે બાપાશ્રી વૃષપુરના મંદિરની ઓશરીમાં સૂતા હતા તે જાગીને પૂજાનો ખડીઓ ખંભે લઈ ઉતાવળા ચાલવા માંડ્યા. તે વખતે પોતાની પાસે મંદિરમાં પૂજારી નારાયણ ભગત સૂતા હતા તે જાગી ગયા ને પૂછવા માંડ્યું જે, ‘બાપા! આમ ઉતાવળા ઉતાવળા ક્યાં જાઓ છો?’ ત્યારે કહે, ‘ભગત, તમારે આવવું હોય તો આવો, જાન આવી છે તે જોવા જાઉં છું!’ આ વાત સાંભળી તેને તો ઘણું આશ્ચર્ય લાગ્યું ને કહે, ‘બાપા! આપણથી જાન જોવા જવાય?’ ત્યારે પોતે એમ બોલ્યા જે, ‘ભગત, આ જાન તો જોવા જેવી છે. જુઓ તો ખરા! સોનેરી વસ્ત્રો પહેરી મહારાજ સંતોએ સહિત રથમાં બેઠા છે ને નારાયણપુરવાળા જાદવજીભાઈને અક્ષરધામમાં તેડી જાય છે.’ એમ કહેતા ઉતાવળા ઉતાવળા મંદિર બહાર ચાલ્યા ગયા. નારાયણ ભગત આ વાતમાં કાંઈ સમજી ન શક્યા ને વિચારમાં પડ્યા જે, ‘બાપાશ્રી કહે છે કે, મહારાજ જાદવજીભાઈને અક્ષરધામમાં તેડી જાય છે, તો પોતે પૂજાનો ખડીઓ લઈને ક્યાં જશે?’ બાપાશ્રીએ તો માર્ગે ચાલવા માંડ્યું, પણ થોડા આગળ જઈને પાછા વળ્યા ને મંદિરમાં આવી પૂજાનો ખડીઓ ટાંગ્યો, ત્યારે નારાયણ ભગત કહે, ‘બાપા! કેમ થયું?’ ત્યારે કહે, ‘જાદવજીભાઈને મહારાજ તેડી ગયા.’ પછી પોતે નાહી, પૂજા કરી બપોર સુધી સૂઈ જ રહ્યા ને મોડેથી નારાયણપુર ગયા, ત્યાં આ વાત કરી તેથી સૌ રાજી થયા.