૩૧૭ - સંતોને સુખિયા કર્યા

0:000:00

આ સદ્‍ગુરુઓને ગુજરાતમાં ગયે હજુ મહિનો પૂરો થયો નહોતો, ત્યાં તો એ સંતો પાસેથી વાત સાંભળી અમદાવાદના પુરાણી કેશવપ્રિયદાસજી તથા હરિપ્રસાદદાસજી અને મૂળીના પુરાણી નારાયણસેવકદાસજી, નારાયણપ્રિયદાસજી, યોગેશ્વરદાસજી આદિ પાંચ સંતો પગરસ્તે ચાલીને વૃષપુર આવી પહોંચ્યા. તેમને પણ સદ્‍ગુરુઓની પેઠે બાપાશ્રીએ સુખ આપવા માંડ્યું. પોતાની પાસે રોજ કથા-વાર્તારૂપી બ્રહ્મયજ્ઞ થયા કરતો અને ગામ-પરગામના હરિભક્તો દર્શને આવતાં, તેથી વૃષપુર તો મોટા ધામ જેવું લાગતું હતું. જ્યારે જ્યારે ભૂજ કે બીજે ગામ જતાંઆવતાં હરિભક્તો બાપાશ્રીના દર્શન કરવા વૃષપુરમાં આવે, ત્યારે હેતવાળા દેશી-પરદેશી સંતો વૃષપુરમાં હોય જ. તે રીતે આ વખતે આ સંતો આવેલા, તે બધાય સાધુતામાં પૂરા ને ધર્મનિયમમાં કુશળ હોવાથી બાપાશ્રી તેમના એવાં ગુણો જોઈને વારે વારે પ્રસન્નતા જણાવી બોલાવતા, મળતા, પૂજા અંગીકાર કરતા, તેમ પોતે પણ એમની ચંદનપુષ્પથી પૂજા કરતા. જ્યારે સંતો વાડીએ જાય, ત્યારે બાપાશ્રી તેમને મૂર્તિના સુખની વાતો કરતા ને એમ પણ કહેતા જે, ‘શ્રીજીમહારાજના મોટા મોટા સંતો કેવા વર્તમાન પાળતા? તેમણે કઈ રીતે મહારાજનો રાજીપો મેળવ્યો.? તેમનાં વૃતાંત કેવાં હતાં? તેમણે કેવી રીતે અજ્ઞાનીઓના ઉપદ્રવ સાંખ્યા? -એ બધું જોતા રહેવું ને મહારાજના વચન સામી સૂરત રાખવી.’ આમ રાજીપો જણાવતા હોવાથી સંતોને ઘણું સુખ આવતું. સહજ સ્વભાવે ઝાડને વાયરે બેસવું કે ત્યાં આસન રાખવું બાપાશ્રીને વધારે ઠીક પડતું, એટલે સંતો નિત્ય સવારની કથા કરી, ઠાકોરજીને જમાડી જરા વિશ્રાંતિ કર્યા પછી બપોરના વાડીએ જતા. ત્યાં જઈ નાહ્ય, માનસીપૂજા કરે, ધ્યાન કરે, હરિભક્તો આવ્યા હોય તો વાતો કરે, કોઈ વાર બાપાશ્રી ધ્યાને યુક્ત બેઠા હોય ને જાગ્રત થઈ વાતો કરવા માંડે; કાં તો સંતોને ચંદન ચર્ચી હાર પહેરાવે ને પોતાના પુત્ર-પૌત્રાદિક પાસે પણ પૂજાઓ કરાવે, આમ ઘણા દિવસ સુધી સંતોને સુખિયા કર્યા.