૧૦૨ - અ. મુ. ભાઈશ્રી મૂળીએ પધાર્યા

0:000:00

મૂળીમાં સદ્‍ગુરુ નિર્ગુણદાસજી સ્વામીનો સમાગમ અને ઠાકોરજીનાં દર્શનનો લહાવ સહજે મળતો હોવાથી સંત-હરિભક્તોમાં નિત્ય અવનવો આનંદ વર્તતો હતો. ત્યાં કચ્છમાંથી અનાદિ મુક્તરાજ ભાઈશ્રી સંઘે સહિત આવ્યા, પછી શું ખામી રહે! આ દિવ્ય મુક્તોનાં દર્શને સંત-હરિભક્તોનાં હૈયાં હેતથી ઉભરાણાં. ભાઈશ્રી તથા કુંવરજીભાઈ વગેરે સ્નાનાદિથી પરવારી ફરી વાર મંદિર પર ઠાકોરજીનાં દર્શન કરવા ગયા, ત્યારે એકનજરે ઘણી વાર પોતે મૂર્તિ સામું જોતા ઊભા રહ્યા. સાથે કેટલાક હરિભક્તો પણ દર્શન કરવા લાગ્યા. દર્શન કરી વળ્યા ત્યારે છેટેથી બાઈઓએ પણ આ મુક્તરાજને જોઈ પગે લાગી ‘જય સ્વામિનારાયણ’ કર્યા. ભાઈશ્રી તો મૂર્તિમાં વૃત્તિ રાખી ચાલતા હોવાથી સૌની દૃષ્ટિ એમના તરફ વિશેષ તણાતી. બે વર્ષ પહેલાં છસો હરિભક્તોના સંઘ સાથે આવેલ હતા ત્યારે અહીં બે દિવસ સમાધિ થઈ હતી, એમ જે જાણતા હતા તેને તો ઘણો મહિમા હતો. વળી આ ફેરે સદ્‍ગુરુ નિર્ગુણદાસજી સ્વામીએ કાગળ લખી તેડાવ્યા, તેથી હરિભક્તોને સહેજે એમ લાગે જે, આ બહુ મોટા મુક્ત છે.

સભામાં તેમનું આસન સૌથી આગળ રાખેલ હતું, તેથી આગળ બેઠા હોય પણ જાણે ધ્યાનમાં ને ધ્યાનમાં રહેતા જણાય, તેથી સ્વામીશ્રી તેમની પાસે વાત કરાવવા કાંઈક પ્રશ્ન પૂછે. ત્યારે પોતે થોડું બોલીને ઉત્તર આપે, પણ તેમાં એવો રહસ્ય-અભિપ્રાય આવી જાય કે સૌને તેમની સહજ મોટી સ્થિતિ લાગે.

એક વખત ભાઈશ્રીને સ્વામીએ સભામાં પૂછ્યું જે, ‘ભાઈ! ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિનું રૂપ શું?’ ત્યારે ભાઈશ્રી કહે, ‘સ્વામી! આ સભામાં એવી વાત કોણ નહિ જાણતું હોય?’ એમ કહીને બોલ્યા જે, ‘સ્થૂળ, સૂક્ષ્મ દેહે નિયમ દૃઢ પાળવા તે ધર્મનું રૂપ, અને શ્રીજીમહારાજને સર્વત્ર વ્યાપક, કર્તાથકા અકર્તા, અસંગી, નિર્લેપ, નિર્વિકારી જાણી પોતાના આત્માને મૂર્તિના તેજરૂપ માનવો તે જ્ઞાનનું રૂપ. અને શ્રીજીમહારાજના સુખ વિના માયિક વિષય તથા અક્ષરકોટિ આદિનાં સુખ તથા ઐશ્વર્યની અરુચિ વર્તે તે વૈરાગ્યનું રૂપ અને શ્રીજીમહારાજનાં સર્વે ચરિત્ર દિવ્ય જણાય ને તેમાં સર્વ પ્રકારે નિર્દોષ બુદ્ધિ રહે તથા સર્વે સુખના ધામ ને કલ્યાણગુણે યુક્ત એક મહાપ્રભુને જાણીને અતિ પ્રીતિએ કરીને તેમનો દૃઢ આશરો કરવો તે ભક્તિનું રૂપ.’ આ રીતે ઉત્તર કર્યો તેથી સભામાં સંત-હરિભક્તોને એમ થયું જે, આપણે મોટા મોટા પાસેથી વાતો સાંભળીએ છીએ ને બીજાને સમજાવીએ છીએ. પણ ભાઈશ્રીની વાત તો જાણે બહુ જ ચમત્કારિક ને અલૌકિક લાગે છે.

આ રીતે પ્રસંગોપાત્ત સ્વામીશ્રી તેમના પાસે વાતો કરાવવા પ્રશ્ન પૂછતા, તેથી આવી વાતો સાંભળવાનો સહુને લાભ મળતો. સ્વામીશ્રી પણ સભામાં ઘણી વાર એમ કહેતા જે, ‘આ મુક્ત બહુ મોંઘા છે, તે મહારાજે સોંઘા કર્યા છે, તેથી મળાય છે, દર્શન થાય છે, નહિ તો અક્ષરધામમાં જઈએ તો મળાય ને દર્શન થાય, માટે સવાર-સાંજ ખટકો રાખી લાભ લેજો.’ સંતોને પણ એવી જ ભલામણ કરતા જે, ‘તમે કોઈ એમ ન જાણશો કે આ ગૃહસ્થ છે ને જાડી બુદ્ધિવાળા છે. આ પુરુષ તો બહુ ચમત્કારિક અને અનંતનાં આવરણ ભેદાવી મૂર્તિમાં જોડી દે તેવા છે. ઠેઠ મૂર્તિ સુધી તેમની નજર પહોંચે છે ને શ્રીજીમહારાજનો હૃદગત અભિપ્રાય જાણે છે, તેથી મોટા મોટા ત્યાગીને પણ વંદવા જેવા છે, તોપણ પોતે અતિ દાસભાવે વર્તે છે, એ જ એમની મોટાઈ છે.’

શ્રીજીમહારાજની સાથે આવેલા અનાદિ મહામુક્તો અનંતકોટિ બ્રહ્માંડની ક્રિયાને હસ્તામળ જાણતા, એવા મહાસમર્થ, છતાં આ લોકમાં એ મહાપ્રભુનાં વચનથી નિર્માનીપણે વરતી ભિક્ષા માગી, ગોળા વાળીને જમતા, દુષ્ટ લોકોનાં અપમાન ને તિરસ્કાર સહન કરતા. તોપણ એમનું સામર્થ્ય જેમ હતું તેમ પાછળથી સૌને જણાઈ આવ્યું. હવે આપણે શ્રીજીમહારાજ સાથે એમના દિવ્ય ગુણો સંભારીએ છીએ, એટલામાં તો આપણો મોક્ષ થાય છે.

આવી જ આ ભાઈશ્રીની વાત છે. તેમના ગામ જઈને અમે જોઈએ છીએ તો વાડીમાં કામ કરે છે, કોશ જોડી પાણી કાઢે છે, ગાડું હાંકતા અમે ઘણીયે વાર જોયા છે. વળી બાજરીના રોટલા ને મઠની ખીચડી જમે એવો તેમનો સાદો વ્યવહાર છે. લૂગડાં તો સદાય આ પહેર્યા તેવાં, ધોતિયાં જાડાં, આંગડી જાડી, પાઘડી જાડી, તિલક-ચાંદલા તથા કંઠી-માળા જાડી, લોટા ને પગરખાં પણ એવાં, આમ તેમનું બધુંય જાડું લાગે, પણ અનુભવથી જોઈએ તો મહાચમત્કારી ને પળમાત્રમાં મોક્ષ કરી નાખે તેવા સમર્થ છે. સહેજે મેળાપ થાય તેવા નથી. અહીં તેમનાં દર્શન આપણને કેમ થયાં એ વાત જાણવા જેવી છે. તેમનાં માતુશ્રીને દીકરાની તાણ હતી. એ ઇચ્છાએ જપ, તપ, વ્રત આદિ કરતાં, તેમાંથી એક વખત મહારાજનાં દર્શન થયાં. શ્રીજીમહારાજને અતિ રૂપાળા જોઈને એ તો હર્ષઘેલાં થઈ ગયાં. મહારાજે ‘માગો માગો!’ કહ્યું, ત્યારે આ ડોશી બોલ્યાં જે, ‘મહારાજ! તમ જેવો પુત્ર ખપે!’ ત્યારે શ્રીજીમહારાજ કહે, ‘અમ જેવા તો અમે એક જ છીએ, પણ અમારા અનાદિ મુક્ત અમારા જેવા કહેવાય તે તમારે ઘેર આવશે. એવા શ્રીજીમહારાજના આશીર્વાદવચનથી આ અનાદિ મુક્તરાજ દર્શન દે છે એમ જાણી દિવ્યભાવે સેવા કરી રાજી કરજો.’ આમ વાત કરી તેથી ભાઈશ્રીનો ઘણાને દિવ્યભાવ સમજાયો.

એક વખત ભાઈશ્રી સવારે નાહતા હતા, ત્યાં કેટલાક સંત-હરિભક્તો પાસે ઊભા હતા; તે વખતે સ્વામીશ્રી પણ ઉતાવળા આવી તેમના શરીર પર હાથ ફેરવવા લાગ્યા. ત્યારે ભાઈશ્રી સ્વામીના ચરણ ધોઈ ખોબા ભરી ભરી, એ પાણી માથે ચડાવવા મંડ્યા. સ્વામીશ્રી તેમના હાથ ઝાલી રાખે ને કહે જે, ‘મહારાજે પોતાના મુક્તનો મહિમા બહુ કહ્યો છે.’ ત્યારે ભાઈશ્રી કહે, ‘સ્વામી! તમે તો ગુરુ છો ને બહુ જ મોટા છો, તે અમને આવી દિવ્ય પ્રસાદી લેવા દ્યોને!’ આમ પરસ્પર મહિમાનાં વચનો સાંભળી પાસે ઊભેલા સહુ પાણી માથે ચડાવવા લાગ્યા. આવાં દર્શનથી સંત-હરિભક્તોને ઘણો જ આનંદ થયો.

એક વખત ભાઈશ્રી તથા સ્વામી આદિ મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરવા ગયા હતાં. ત્યાં બ્રહ્મચારીએ ઠાકોરજીનો પ્રસાદીહાર પહેરાવવા માંડ્યો. ભાઈ કહે, ‘સ્વામીને પહેરવો,’ અને સ્વામી કહે, ‘ભાઈશ્રીને પહેરાવો;’ પછી તો બ્રહ્મચારીએ બીજો હાર લઈ બન્નેને એક એક હાર પહેરાવ્યો. આવાં દર્શનથી સૌને સહેજે એમ થાય જે, ‘આ સ્વામીએ અનાદિ મુક્તરાજ સદ્‍ગુરુ ગોપાળાનંદ સ્વામીને સેવેલા છે, તોપણ ભાઈશ્રીનો જ્યારે આટલો મહિમા જાણે છે ત્યારે આમની સ્થિતિ કેવી હશે?’

એક દિવસ સવારની સભામાં કથા વંચાઈ રહી ને આરતી થવાને થોડી વાર હતી, તેથી સ્વામીશ્રીએ આ અનાદિ મુક્તરાજ સામું જોઈને કહ્યું, ‘ભાઈ! આજે તમો વાત કરો.’ થોડી વાર થઈ, પણ ભાઈશ્રી તો ન બોલ્યા, ત્યારે પોતે પૂછ્યું જે, ‘ભાઈ! મહામુક્ત મૂર્તિના સુખમાં કેમ રહેતા હશે?’ પછી ભાઈશ્રી સભા સામું જોઈને બોલ્યા જે, ‘સ્વામી! શ્રીજીમહારાજનું ધ્યાન કરતાં કરતાં જીવ જ્યારે તદાકારપણાને પામી જાય ત્યારે મહારાજ તેને પોતાની મૂર્તિમાં ખેંચી લે છે, જેમ સમુદ્રના જળને વેળ સમુદ્રમાં ખેંચી લે છે, તેમ જે મુક્ત થયો, તેને મહારાજ પોતાની મૂર્તિમાં ખેંચી લે છે. ત્યારે એ મુક્તને અતિ અપાર સુખ આવે છે. એ સુખની હદ નથી જે આટલું જ સુખ. અનંત મુક્ત અનંતકોટિ કલ્પ થયા એ સુખમાં રમણ કરે છે. તોપણ એ સુખ ‘આવું!’ એમ કોઈ કહી શકતું નથી. તેમ એ સુખમાં તૃપ્ત પણ થવાતું નથી. જેથી મૂર્તિના સુખમાં મુક્ત કેમ રહેતા હશે તેનું વર્ણન શું કરાય? શ્રીજીમહારાજ સુખના સાગર છે ને અનાદિ મુક્ત એ સાગરમાં ડૂબ્યા જ રહે છે. એવા અનાદિ મુક્તના જોગ-સમાગમ ને રાજીપાથી એ મૂર્તિમાં પહોંચાય છે.’ આમ વાત કરતા હતા ત્યાં આરતી થઈ, જેથી સૌ દર્શને ગયા, પણ વાતોમાં સૌને બહુ સુખ આવ્યું. કેટલાક તો એમ કહેવા લાગ્યા જે, ‘આજ આરતીને ઉતાવળ થઈ, નહિ તો ઘણી વાર વાતોનો લાભ મળત. હવે બીજી વાર ક્યારે આવી વાતો ભાઈશ્રી કરે ને આપણે સાંભળીએ!’

સ્વામીશ્રીએ તો સંત-હરિભક્તોના સુખ-સમાસને અર્થે કાગળ લખી આ અનાદિ મુક્તરાજ ભાઈશ્રીને તેડાવેલ હોવાથી તેમને એ વાતનો ખટકો ઘણો હતો; તેથી રાત્રે પણ ઘણી વાર આસને સભા થતી. વળી સવારમાં વહેલા ભાઈશ્રી પૂજા કરતા હોય ત્યાં સ્વામીશ્રી આવીને બેસે. એ વખતે પણ ઘણા સંત-હરિભક્તો દર્શન કરતા હોય. ભાઈશ્રી તો સંતો પાસે અતિ નિર્માનીપણું જણાવતા. નાનાથી નાના થઈ જવું હોય તેમ આસનથી ખસીને હેઠા બેસવા માંડે. એ જોઈ સ્વામી આગ્રહ કરી આસન પર બેસારે અને પોતે પણ આસન મગાવી પાસે બેસે. સંતો હાર લાવી પહેરાવે, ત્યારે પોતે સ્વામીશ્રીને પહેરાવવા આગ્રહ કરે, પણ સ્વામી પોતે જ હરિભક્તો પાસે ભાઈશ્રીની ચંદન-પુષ્પથી પૂજા કરાવે. માળીઆના ઠાકોર મોડજી દરબાર તથા મૂળીના દિવાન ઓધવજીભાઈને સ્વામીશ્રીનો ઘણો મહિમા હોવાથી ટાણે ટાણે તેઓશ્રી આવાં દર્શન તથા ભાઈશ્રીની સેવાનો લાભ ઘણો લેતા. ઉપરાંત મંદિરમાં દર્શન કરવા આવનાર તથા બહારગામથી જોગ-સમાગમ માટે આવેલા હરિભક્તોને પણ એવો લાભ બહુ મળતો.

આ વખતે સ્વામીશ્રી પોતાના મંડળના સાધુ તથા જોગ-સમાગમ કરનારા સંતોને, આ અનાદિ મુક્તરાજ ભાઈશ્રીના અદભુત પ્રતાપની એકાંતે વાતો કરી બહુ જ મહિમા કહેતા, તથા પોતે પણ શ્રીજીમહારાજના રહસ્ય-અભિપ્રાયની વાતો પૂછી મહિમાવાળા સંત-હરિભક્તોને એ વાતો જણાવતા.

એક વખત મંડળના સંતોને પોતાની પાસે બેસારીને સ્વામીશ્રી કહે, ‘અમે અનાદિ મુક્તરાજ સદ્‍ગુરુ ગોપાળાનંદ સ્વામી ભેળા રહેતા, ત્યારે જાણે શ્રીજીમહારાજ ભેળા છીએ એમ જ લાગતું, કેમ કે મહારાજના લાડીલા અનાદિ મુક્ત ભેળા મહારાજ અખંડ હોય જ. તમારે પણ આ ભાઈશ્રીમાં એવો દિવ્યભાવ રાખવો જે, એ જ્યાં હોય ત્યાં શ્રીજીમહારાજ હોય જ. જ્યારે એ વાતો કરે છે ત્યારે ‘સંત બોલે તે ભેળો હું બોલું’ –એ પ્રમાણે મૂર્તિના જ શબ્દો આવે છે. અનુભવી હોય તે જાણે. પણ એવા અનુભવી બધાય ક્યાંથી હોય? તમે આ વાત જાળવજો ને ભાઈશ્રીની કૃપા ખૂબ મેળવજો. અમારો ને એમનો સંકેત ભેળો છે, તે તમને કેટલુંક કહીએ! આગળ જતાં એમનો પ્રતાપ તથા સામર્થી જેમ છે તેમ સૌને જણાશે. અનાદિ મુક્ત એક હોય ને બીજા લાખો-કરોડો હોય, પણ એકની તુલ્ય કોઈથી ન થવાય. એવા આ મુક્ત મોટા છે. માટે એમનાં વચન મનન કરજો. તમારે સૌને વચનામૃતનો અભ્યાસ છે, પણ જેમ શુકસ્વામીએ આપણા ગુરુ પાસે સાંભળ્યા ત્યારે જેમ હતું તેમ સમજાવા માંડ્યું, તેમ તમે ભણ્યા છો ને ભણો છો, પણ આ અનાદિ મુક્તરાજ ભાઈશ્રીના જોગમાં એ જેમ છે તેમ સમજાશે. એ ઓછું ભણ્યા છે અને આ વાતમાં એમની નજર ન પહોંચી, એવું ક્યારેય ન જાણશો.’ આ રીતે સ્વામીશ્રી પોતાના શિષ્ય, સંતો તથા હરિભક્તોને ભાઈશ્રીના અલૌકિક મહિમાના ખાનગી મંત્રો ભણાવવા લાગ્યા અને આ સંત-હરિભક્તો પણ એમના થોડા વખતના જોગમાં જેમ છે તેમ સમજી ગયા, તેથી અનાદિ મુક્તરાજ ભાઈશ્રીની દરેક ક્રિયામાં એ દિવ્યભાવ જોતા ગયા. પછી તો ભાઈશ્રી નાહવા ગયા હોય ત્યાં હાજર રહે, બેઠા હોય તોપણ તેમનાં દર્શન થાય એવે ઠેકાણે બેસે, પાણી પાય, થાળ જમાડતા હોય ત્યારે દર્શન કરી આવે, એમ એ સહુ આ મુક્તરાજ સંબંધી વિદ્યા ભણવા લાગ્યા, તે જોઈને સદ્‍ગુરુ નિર્ગુણદાસજી સ્વામીને એમ થયું જે, આ સંતો મારી વાતનો મર્મ થોડામાં જ જાણી લે છે, તેથી સ્વામીશ્રીની કૃપા સંતો પર વધુ ને વધુ થતી ગઈ.