૬૫૮ - સંતોને દેશમાં જવાની રજા આપતાં રુચિ જાણી
બીજે દિવસ સવારે બાપાશ્રી નિત્યવિધિ કરી સંતોને મળ્યા ને કહ્યું જે, ‘આજ કથાવાર્તા કરીને ઠાકોરજીને થાળ જમાડી લ્યો, પછી આપણે વૃષપુર જશું.’ આમ કહ્યાથી સંતોએ કથાવાર્તા કરી વહેલા ઠાકોરજી જમાડી લીધા. ત્યાં તો પોતે પણ જમીને આવ્યા ને સંતોને કહેવા લાગ્યા જે, ‘હવે તમારી દેશમાં જવાની કેવી મરજી છે?’ ત્યારે સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ કેટલાક સંતોને રહેવાની મરજી હોવાથી સહુ માંહોમાંહી વિચાર કરવા લાગ્યા. ત્યારે પોતે બોલ્યા જે, ‘તમારામાં બે મત છે, તેથી જો રહેવું હોય તો બધાય રહો ને જવું હોય તો બધાય જાઓ, અમારી સેવા કરવાની તાણ કોઈ ન રાખજો. અમારી સેવા તો અહીં વૃષપુરના હરિભક્તો મહિમાવાળા છે તે કરશે. તમે જેટલા દિવસ કરી તેટલો તમને લાભ. જો તમારે રહેવું હોય તો અમારે ઘેર બાજરો ઘણોય છે, તે આપણે જમશું ને ભગવાન ભજશું ને જવું હોય તો તમારી મરજી. જો અમારી મરજીનું કહેતા હો તો હું તો એમ કહું છું જે, આજ સહુ વૃષપુર જઈએ, પછી ચારપાંચ દિવસ ત્યાં રહીને માધાપુર થઈને સહુ જજો.’ આવાં વચનથી સંતો વિચારમાં પડી ગયા. પછી બાપાશ્રી કુંવરજી રામજીની વાડીએ પધાર્યા ને ત્યાં ઝાડને છાંયે ખાટલો ઢળાવી સૂતા.
પછી બે વાગ્યે જાગ્યા ત્યારે હરિભક્તોને મોકલીને સંતોને કહેવરાવ્યું જે, ‘તમારો સામાન લઈને વાડીએ આવો, આપણે અહીંથી પરબારા વૃષપુર જઈશું.’ આ સમાચારથી સંતો સામાન લઈ વાડીએ આવ્યા ને ત્યાં નાહી માનસીપૂજા કરી બાપાશ્રી પાસે સહુ બેઠા, એટલે ત્યાંના હરિભક્તોએ ચંદન-પુષ્પથી પૂજા કરી સંતોને વસ્ત્રો ઓઢાડ્યાં. તે વખતે બાપાશ્રીએ પણ સંત-હરિભક્તોને ચંદન ચર્ચી પૂજા કરી, ત્યાં તો સાંજ પડવા આવી, તેથી હરિભક્તો પ્રાર્થના કરવા લાગ્યા જે, ‘બાપા! આજ તો દયા કરીને અહીં જ રાત રહી જાઓ તો ઠીક, મોડું બહુ થયું છે.’ ત્યારે બાપાશ્રી કહે, ‘સંતો! આ હરિભક્તોના હેતને લીધે આજ જઈ શકાશે નહિ, માટે ચાલો પાછા.’ એમ કહી ત્યાંથી સહુ મંદિરમાં આવ્યા ત્યાં આરતી, ધૂન્ય તથા કથાવાર્તા થઈ રહ્યા પછી બાપાશ્રી ચોકમાં સૂતા, ત્યારે હરિભક્તો ફરતા ગરબી ગાવા લાગ્યા ને ઘણી વાર કીર્તનો બોલ્યા. પછી સૌના પર પ્રસન્નતા જણાવી બાપાશ્રીએ કહ્યું જે, ‘હવે રાખો! બહુ સારાં કીર્તન બોલ્યા,’ –એમ કહી સૌને પ્રસાદી વહેંચી રાજી કર્યા.
વળી બીજે દિવસ બાપાશ્રી નાહી પૂજા કરી સભામાં આવ્યા; ત્યારે પાછી એ જ વાત ચલાવી ને સદ્ગુરુ સ્વામી ઘનશ્યામજીવનદાસજીનો હાથ ઝાલીને કહ્યું જે, ‘તમારી વૃત્તિ અમદાવાદ પહોંચી ગઈ છે, પણ અમારે તો સર્વે સંતોને ચાર મહિના વૃષપુરમાં રાખવા છે. કેમ છે! પછી આપણે માધાપુર સાથે ચાલશું, ત્યાંથી તમો અમદાવાદ જજો’ –આટલી વાત બાપાશ્રીએ કરી, પણ સ્વામી ઘનશ્યામજીવનદાસજી તો કાંઈ ન બોલતાં વિચારમાં જ પડી ગયા, તે જોઈ પોતે બોલ્યા જે, ‘સ્વામી! જેમ તમારી સહુની મરજી હોય તેમ કરજો, પણ આજ વૃષપુર ચાલો.’ એ વખતે ભૂજથી ભોગીલાલભાઈ તથા તેમના દીકરા અને લાલશંકરભાઈ તથા સોની મોતીભાઈ વગેરે દર્શને આવ્યા, તેમને પોતે હેતે સહિત મળ્યા. પછી બાપાશ્રી તથા સંતોએ ઠાકોરજીને જમાડી લીધા, ત્યારે ભોગીલાલભાઈ આદિ આવેલા હરિભક્તોને પોતાની સાથે ગાડીમાં બેસારીને સંતોએ સહિત બાપાશ્રી કુંવરજીભાઈની વાડીએ આવ્યા. ત્યાં સભા કરી તે વખતે સંતોએ બાપાશ્રીને ચંદન ચર્ચી હાર પહેરાવ્યા. પછી હરિભક્તોએ પણ બાપાશ્રી તથા સંતોની પૂજા કરી હાર પહેરાવ્યા ને પ્રાર્થના કરી જે, ‘અમારા પર આપ સદાય આવા ને આવા રાજી રહેજો અને ક્યારેય મનુષ્યભાવ ન આવે એવી દયા કરજો.’ ત્યારે બાપાશ્રી કહે, ‘તમો સહુ આમ ને આમ આ દિવ્યસભાને સંભારજો, અમે તમને ઠેઠ મહારાજના સુખમાં લઈ જઈશું.’ પછી હરિભક્તો દંડવત્ કરી મળ્યા, તે સહુને પોતે આશીર્વાદ આપ્યા અને ભોગીલાલભાઈ વગેરેને ભૂજ મોકલી સંતો તથા ગામડાંના હરિભક્તોએ સહિત પોતે વૃષપુર પધાર્યા.
આ વખતે બાપાશ્રી સંતોને પોતાની પાસે રાખી નિત્ય પ્રત્યે નવાં નવાં સુખ આપતા હોવાથી સૌને એમ થતું જે, ‘આમ ને આમ આપણે સદાય અહીં જ રહેવાનું છે, તેથી હર્ષભર્યા સહુ દર્શન, સેવા તથા કથાવાર્તા ને જોગ-સમાગમ કરતા.’ પણ બાપાશ્રીએ પાછી દેશમાં જવાની વાત કરી ત્યારે એમ જાણ્યું જે, ‘હવે જવાનું થશે ખરું!’