૪૬૧ - મણિલાલભાઈના પિતા ધામમાં પધાર્યા
ત્યાર પછી એક દિવસ વઢવાણવાળા ડૉક્ટર મણિલાલભાઈના પિતા ખોડીદાસભાઈએ બાપાશ્રીને પ્રાર્થના કરી કે, ‘બાપા! થોડા વખત પહેલાં મારો દેહ રહે તેવું જણાતું નહોતું, પણ મને લાગે છે કે, મહારાજે મને આપનાં દર્શન કરવા રાખ્યો હશે; માટે હવે મારી એટલી અરજ છે કે, મને ઠેઠ મહારાજના સુખમાં પહોંચાડી દ્યો.’ એ જ વખતે બાપાશ્રીએ તેમનો વાંસો થાબડીને કહ્યું કે, ‘તમારે એ વાતની ચિંતા રાખવી નહિ. શ્રીજીમહારાજને લઈને અમે તમને તેડવા આવશું ને મૂર્તિના સુખે સુખિયા કરી દેશું.’ આ વચન આપ્યા પછી થોડા જ વખતમાં તેમને મંદવાડ થઈ ગયો, ત્યારે એ મહારાજ તથા બાપાશ્રીને સંભારતા વાટ જોવા લાગ્યા. એમ કરતાં જ્યારે તેમને દેહ મૂકવાને આડા બે દિવસ રહ્યા ત્યારે ખબર પડતાં સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી તથા મૂળીવાળા સ્વામી ગુણાતીતદાસજી આદિ સંતો જોવા ગયા, તે વખતે પોતે ‘જય સ્વામિનારાયણ’ કરી બાપાશ્રીએ આપેલ વચનની વાત કરી, ત્યારે સ્વામીશ્રી કહે, ‘હવે મૂર્તિમાં વૃત્તિ જોડી મેલો ને જમવામાં અન્ન ન લેજો, ફક્ત દૂધ પીવું.’ એટલું કહીને એ ગયા કે તુરત પોતે ઊંડા ઊતરી ગયા. પછી ઘરના કોઈ બોલાવે તો કહે, ‘મને કોઈ બોલાવશો નહિ. મહારાજ ને બાપાશ્રી પધાર્યા છે, તેથી તમે મને બોલાવો છો તે મારો તાર તૂટી જાય છે.’ પછી બીજો દિવસ થયો ત્યારે ઘરમાંથી સૌએ પૂછતાં કહ્યું, ‘આજનો ઠરાવ છે.’ રાત પડી ને પૂછ્યું તો કહે, ‘હવે તૈયારી છે.’ એમ કહી છેલ્લે વખતે ‘સ્વામિનારાયણ સ્વામિનારાયણ’ કરતાં દેહ મૂકી ધામમાં ચાલ્યા ગયા.